![IND Vs ENG: નાગપુરમાં જાડેજાએ મચાવી ધૂમ, હાંસલ કરી આ ખાસ સિદ્ધિ IND Vs ENG: નાગપુરમાં જાડેજાએ મચાવી ધૂમ, હાંસલ કરી આ ખાસ સિદ્ધિ](https://i0.wp.com/resize-img.sandesh.com/epapercdn.sandesh.com/images/2025/02/06/GIzPjJarkWrU8jzdxxIjAuUtfsp1ua8l9c6nDbEg.jpg?resize=600,315&w=780&resize=780,470&ssl=1)
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની પહેલી વનડે મેચ નાગપુરમાં રમાઈ રહી છે. આ મેચમાં ઈંગ્લેન્ડે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો. પ્રથમ બેટિંગ કરતા ઈંગ્લેન્ડની ટીમ ફક્ત 248 રન જ બનાવી શકી.
ભારતીય ટીમ તરફથી રવિન્દ્ર જાડેજાની વિસ્ફોટક બોલિંગ જોવા મળી. 3 વિકેટ લીધા બાદ જાડેજાએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં એક ખાસ સિદ્ધિ મેળવી છે.
જાડેજાએ 600 આંતરરાષ્ટ્રીય વિકેટ કરી પૂર્ણ
નાગપુર વનડેમાં રવિન્દ્ર જાડેજાએ 9 ઓવરમાં માત્ર 26 રન આપીને 3 વિકેટ લીધી હતી. આ દરમિયાન તેને જો રૂટ, જેકબ બેથેલ અને આદિલ રાશિદને પેવેલિયન મોકલ્યા. 3 વિકેટ લઈને જાડેજાએ પોતાની 600 આંતરરાષ્ટ્રીય વિકેટ પણ પૂર્ણ કરી લીધી છે. જાડેજા હવે 600 કે તેથી વધુ વિકેટ લેનાર છઠ્ઠો ભારતીય બોલર બની ગયો છે.
જો રૂટ 12મી વખત થયો આઉટ
આ મેચમાં ઈંગ્લેન્ડના સ્ટાર બેટ્સમેન જો રૂટ પણ લાંબા સમય પછી ODI ટીમમાં પરત ફર્યો, પરંતુ રૂટ આ મેચમાં કંઈ ખાસ કરી શક્યો ન હતો. આ મેચમાં, જો રૂટ 31 બોલમાં માત્ર 19 રન બનાવીને આઉટ થયો. જાડેજાએ ODI ક્રિકેટમાં 12મી વખત જો રૂટને આઉટ કર્યો છે. આ સિવાય જાડેજાએ ODI ક્રિકેટમાં ઓસ્ટ્રેલિયાના સ્ટીવ સ્મિથને 11 વખત આઉટ કર્યો છે.
પ્રથમ સ્પિનર બન્યો રવિન્દ્ર જાડેજા
રવિન્દ્ર જાડેજા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 6 હજાર રન અને 600 વિકેટ લેનાર ભારતનો પ્રથમ સ્પિનર બન્યો છે. જાડેજા પહેલા કોઈ પણ ભારતીય સ્પિનર આ સિદ્ધિ મેળવી શક્યો નથી. ઝડપી બોલરોમાં, જાડેજા સિવાય, ભારત તરફથી ફક્ત કપિલ દેવ જ આ સિદ્ધિ મેળવી શક્યા છે. જાડેજાએ ટેસ્ટ ક્રિકેટમાં 323 વિકેટ લીધી છે. ODI ફોર્મેટમાં જાડેજાએ કુલ 223 બેટ્સમેનોને પેવેલિયન મોકલ્યા છે. સર જાડેજાના નામે T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 54 વિકેટ છે.
એન્ડરસનનો તૂટી ગયો રેકોર્ડ
આ સાથે, રવિન્દ્ર જાડેજા ભારત અને ઈંગ્લેન્ડની વનડે સિરીઝમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર બની ગયો છે. જાડેજાના નામે હવે કુલ 41 વિકેટ છે. તેને આ બાબતમાં જેમ્સ એન્ડરસનને પાછળ છોડી દીધો છે. એન્ડરસને ભારત-ઈંગ્લેન્ડ વનડે સિરીઝમાં 40 વિકેટ લીધી હતી. જાડેજાના નામે 50 ઓવરના ફોર્મેટમાં ઈંગ્લેન્ડ સામે ભારત માટે સૌથી વધુ વિકેટ લેવાનો રેકોર્ડ પણ છે.
ઈંગ્લેન્ડની ટીમ 248 રનમાં થઈ ઓલઆઉટ
આ મેચમાં પ્રથમ બેટિંગ કરતી ઈંગ્લેન્ડની ટીમ 47.4 ઓવરમાં 248 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ઈંગ્લેન્ડ તરફથી બેટિંગ કરતા કેપ્ટન જોસ બટલરે સૌથી વધુ 52 રન બનાવ્યા. આ સિવાય જેકબ બેથેલે 51 રન બનાવ્યા. ટીમ ઈન્ડિયા તરફથી બોલિંગ કરતી વખતે હર્ષિત રાણા અને રવિન્દ્ર જાડેજાએ 3-3 વિકેટ લીધી.