ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાઈ રહેલી ત્રણ મેચની ટેસ્ટ સિરીઝની પ્રથમ મેચ બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. વરસાદના કારણે પ્રથમ દિવસે ટોસ પણ થઈ શકી ન હતી. પરંતુ બીજા દિવસે મેચ શરૂ થઈ.
આ ટેસ્ટ મેચમાં ન્યુઝીલેન્ડ ટીમના ફાસ્ટ બોલરોનું વિકરાળ સ્વરૂપ જોવા મળ્યું હતું. ટીમ ઈન્ડિયાના બેટ્સમેનો કિવી ફાસ્ટ બોલરો સામે સંઘર્ષ કરતા જોવા મળ્યા હતા. ટીમ ઈન્ડિયાનો કોઈ બેટ્સમેન લાંબો સમય ક્રિઝ પર ટકી શક્યો ન હતો. ટીમ ઈન્ડિયાના બેટ્સમેનોની આવી હાલત જોઈને હવે સોશિયલ મીડિયા પર તેમની ખૂબ મજાક ઉડાવવામાં આવી રહી છે.
વસીમ જાફરે શેર કર્યો ફની વીડિયો
ટીમ ઈન્ડિયાના બેટ્સમેનોની આવી ખરાબ બેટિંગ જોઈને પૂર્વ ભારતીય દિગ્ગજ વસીમ જાફરે સોશિયલ મીડિયા પર એક ખૂબ જ ફની વીડિયો શેર કર્યો છે. આ વીડિયો પર ફેન્સ વિવિધ રીતે કોમેન્ટ પણ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર યુઝર્સ ટીમ ઈન્ડિયાના આ ખરાબ પ્રદર્શનની મજાક પણ ઉડાવી રહ્યા છે.
ટીમ ઈન્ડિયા 46 રન પર ઓલઆઉટ
બેંગલુરુ ટેસ્ટના બીજા દિવસે ટીમ ઈન્ડિયાની પહેલી ઈનિંગ માત્ર 46 રનમાં ઓલઆઉટ થઈ ગયો હતો. ટીમ ઈન્ડિયા આખું બીજું સેશન પણ રમી શકી ન હતી. પહેલી ઈનિંગમાં ટીમ ઈન્ડિયાના 5 બેટ્સમેન પોતાનું ખાતું પણ ખોલી શક્યા ન હતા. જેમાં વિરાટ કોહલી, સરફરાઝ ખાન, કેએલ રાહુલ, રવીન્દ્ર જાડેજા અને આર અશ્વિનનો સમાવેશ થાય છે. ભારત માટે રિષભ પંતે સૌથી વધુ 20 રનની ઈનિંગ રમી હતી. આ સિવાય યશસ્વી જયસ્વાલે 13 રન બનાવ્યા હતા.
ન્યુઝીલેન્ડ તરફથી મેટ હેનરી અને વિલિયમે શાનદાર બોલિંગ રજૂ કરી હતી. હેનરીએ પહેલી ઈનિંગમાં 5 વિકેટ ઝડપી હતી જ્યારે વિલિયમે 4 વિકેટ ઝડપી હતી. આ સાથે મેટ હેનરીએ પોતાની 100 ટેસ્ટ વિકેટ પણ પૂરી કરી લીધી છે.