India Chemical 2024 ઈન્ડસ્ટ્રી મીટ: પેટ્રોકેમિકલ ક્ષેત્રમાં ગુજરાત અગ્રેસર: મંત્રી અનુપ્રિયા પટેલ
- ભારતના પેટ્રોકેમિકલ ઉત્પાદનમાં 62 ટકા હિસ્સો ગુજરાતનો
- ગુજરાત 100થી વધુ ફોર્ચ્યુન 500 કંપનીઓ અને 19 લાખ MSMEનું ઘર
- ગુજરાત કેમિકલ અને પેટ્રોકેમિકલ ક્ષેત્રે અગ્રેસર
ઈન્ડિયા કેમ 2024ના ભાગરૂપે કેમિકલ્સ અને પેટ્રોકેમિકલ્સ પર 13મું દ્વિવાર્ષિક આંતરરાષ્ટ્રીય એક્ઝિબિશન અને કોન્ફરન્સનું આયોજન કેન્દ્રીય રસાયણ અને ખાતર મંત્રાલય અને FICCIના સહયોગથી આજે અમદાવાદમાં ઈન્ડસ્ટ્રી મીટનું આયોજન કરવામાં આવ્યુ હતુ.
ગુજરાતની મુખ્ય ભૂમિકાની પ્રશંસા કરી
આ ઈવેન્ટમાં India Chem શ્રેણીનો એક મહત્વનો ભાગ છે, જેણે ભારતના રાસાયણિક અને પેટ્રોકેમિકલ ક્ષેત્રોમાં ગુજરાતના મહત્વપૂર્ણ યોગદાનને રેખાંકિત કર્યું હતું. આરોગ્ય અને પરિવાર કલ્યાણ અને રસાયણ અને ખાતર રાજ્ય મંત્રી અનુપ્રિયા પટેલે આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે હાજરી આપી હતી. તેમણે ભારતના 5 ટ્રિલિયન ડોલર અર્થતંત્રના વિઝનને હાંસલ કરવામાં રસાયણ ઉદ્યોગના મહત્વ પર ભાર મૂક્યો હતો અને આ ક્ષેત્રમાં ગુજરાતની મુખ્ય ભૂમિકાની પ્રશંસા કરી હતી.
રાસાયણિક ઉત્પાદનમાં અને ફાર્મા ઉત્પાદનમાં ગુજરાત મોખરે
વધુમાં તેમણે કહ્યું કે, “ગુજરાત ભારતના ઔદ્યોગિક લેન્ડસ્કેપમાં મોખરે છે, ખાસ કરીને રસાયણો અને પેટ્રોકેમિકલ ક્ષેત્રોમાં. ભારતના પેટ્રોકેમિકલ ઉત્પાદનમાં 62% હિસ્સો, રાસાયણિક ઉત્પાદનમાં 53% હિસ્સો અને ફાર્મા ઉત્પાદનમાં 45% હિસ્સો સાથે ગુજરાત અગ્રેસર છે. રાજ્ય રાસાયણિક અને પેટ્રોકેમિકલ નિકાસમાં પણ 41% હિસ્સો ધરાવે છે.” વધુમાં તેમણે કહ્યું હતું કે કેન્દ્ર સરકાર રસાયણો અને પેટ્રોકેમિકલ્સ ક્ષેત્રને પ્રાથમિકતા માને છે અને અડચણો ઘટાડવા, પાલનનો બોજ હળવો કરવા અને રોકાણ માટે અનુકૂળ વાતાવરણ બનાવવા માટે અનેક પહેલ કરી છે.
રાજ્ય 100થી વધુ ફોર્ચ્યુન 500 કંપનીઓ અને 19 લાખ MSMEનું ઘર: બળવંતસિંહ રાજપૂત
ગુજરાતના ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂત કાર્યક્રમમાં હાજર રહ્યા હતા, તેમણે આ ક્ષેત્રે રાજ્યની વ્યૂહાત્મક ભૂમિકા પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, “ગુજરાત કેમિકલ અને પેટ્રોકેમિકલ ક્ષેત્રે અગ્રેસર છે. રાષ્ટ્રીય જીડીપીમાં રાજ્યનો હિસ્સો 8.4% છે અને એકંદર ઉત્પાદનમાં 18% હિસ્સો છે. ભારતની કુલ નિકાસમાં પણ રાજ્યનો હિસ્સો 33% છે. રાજ્ય 100થી વધુ ફોર્ચ્યુન 500 કંપનીઓ અને 19 લાખ MSMEનું ઘર છે. નિકાસ સજ્જતા અને લોજિસ્ટિક્સ પર્ફોર્મન્સ ઈન્ડેક્સમાં ગુજરાત પ્રથમ ક્રમે છે.”
ગુજરાત કેમિકલ અને પેટ્રોકેમિકલ ઉદ્યોગમાં નેતૃત્વ માટે જાણીતું છે અને ભારતના ઔદ્યોગિક વિકાસનું પ્રેરક બળ રહ્યું છે. આ ઈન્ડસ્ટ્રી મીટ ગુજરાતને ગ્લોબલ હબ તરીકે પ્રમોટ કરવા, નવા રોકાણો આકર્ષવા અને મજબૂત નીતિઓ સાથે સુસંગત નવીનતાઓનું પ્રદર્શન કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. તે ઉદ્યોગના અગ્રણીઓ, નીતિ નિર્માતાઓ અને અન્ય મુખ્ય હિસ્સેદારો માટે ક્ષેત્રના ભવિષ્ય અંગે ચર્ચા કરવા અને સહયોગી તકો શોધવા માટે એક મંચ તરીકે પણ કામ કરે છે.
આગામી ઈવેન્ટ મુંબઈમાં 17-19 ઓક્ટોબરના રોજ યોજાશે
અમદાવાદમાં ઈન્ડસ્ટ્રી મીટ India Chem 2024 શ્રેણીબદ્ધ ઈવેન્ટનો એક ભાગ હતો. આગામી ઈવેન્ટ મુંબઈમાં 17-19 ઓક્ટોબરના રોજ યોજાશે. મુખ્ય ઇવેન્ટ વૈશ્વિક કેમિકલ અને પેટ્રોકેમિકલ ક્ષેત્રોમાં નવીનતમ તકનીકો, નવીનતાઓ અને ઉત્પાદનોનું પ્રદર્શન કરશે. આ ઇવેન્ટ નીતિ વિષયક મુદ્દાઓ, નિયમનકારી માળખાં અને મજબૂત નીતિઓ કે જે ઉદ્યોગના ભવિષ્ય માટે નિર્ણાયક છે તેની ચર્ચા કરવા માટેનું પ્લેટફોર્મ પણ પ્રદાન કરશે.
Source link