
દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાને આપવામાં આવેલી ઝેડ પ્લસ સુરક્ષા સોમવારે પાછી ખેંચી લેવામાં આવી હતી. આ સુરક્ષા તેમના પર 4 દિવસ પહેલા થયેલા હુમલા બાદ આપવામાં આવી હતી.
આ નિર્ણય કેમ પાછો ખેંચવામાં આવ્યો તેની માહિતી જાણી શકાઈ નથી. હવે તેમની સુરક્ષાની જવાબદારી ફરીથી દિલ્હી પોલીસને સોંપવામાં આવી છે.
આ કેસમાં અન્ય એક આરોપીની ધરપકડ કરાઈ
દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા પર હુમલાના કેસમાં રવિવારે બીજી ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે જણાવ્યું હતું કે મુખ્ય આરોપી રાજેશભાઈ ખીમજીભાઈ સાકરિયાના સહયોગી તહસીન સૈયદની ધરપકડ કરવામાં આવી છે.
20 ઓગસ્ટે સીએમ પર હુમલો કરાયો હતો
20 ઓગસ્ટની સવારે દિલ્હીના મુખ્યમંત્રી નિવાસસ્થાને લોક દરબાર દરમિયાન રેખા ગુપ્તા પર હુમલો કરવામાં આવ્યો હતો. ફરિયાદી તરીકે આવેલા રાજેશે મુખ્યમંત્રીને કાગળો આપતી વખતે તેમનો હાથ ખેંચી લીધો હતો. હુમલામાં રેખાને હાથ, ખભા અને માથામાં ઈજા થઈ હતી.
હુમલા બાદ સીએમને Z કેટેગરીની સુરક્ષા અપાઈ હતી
ઉલ્લેખનીય છે કે હુમલા બાદ 21 ઓગસ્ટે દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાને કેન્દ્ર સરકાર દ્વારા Z કેટેગરીની VIP સુરક્ષા પૂરી પાડવામાં આવી હતી. મુખ્યમંત્રી સુરક્ષા માટે 22 થી 25 સશસ્ત્ર કર્મચારીઓ 24 કલાક તૈનાત હતા.
ત્યારે હવે ચાર દિવસમાં જ આ સુરક્ષા પાછી ખેંચી લેવામાં આવી છે. આ જૂથ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને સોનિયા-રાહુલ અને પ્રિયંકા ગાંધીની સુરક્ષા માટે પણ તૈનાત છે.