ભારતીય કોસ્ટ ગાર્ડે (ICG) દરિયાઈ સુરક્ષા માટે ખુબ જ એક્ટિવ છે. દરેક જગ્યા પર બાજ નજર રાખવામાં આવે છે. ત્યારે આ દરમિયાન કોસ્ટ ગાર્ડને મોટી સફળતા મળી છે. સુરક્ષા દળોએ બે બાંગ્લાદેશી ફિશિંગ બોટને જપ્ત કરી છે જે ભારતીય જળસીમામાં ગેરકાયદેસર રીતે આવી હતી. આ સાથે 78 બાંગ્લાદેશી માછીમારોની પણ અટકાયત કરવામાં આવી છે.
2 બોટ ICGએ ઝડપી
જણાવવામાં આવી રહ્યું છે કે ઈન્ડિયન કોસ્ટ ગાર્ડ જહાજ ઈન્ટરનેશનલ મેરીટાઇમ બાઉન્ડ્રી લાઈન (IMBL) પાસે નિયમિત પેટ્રોલિંગ કરી રહ્યું હતું. તે દરમિયાન ભારતીય કોસ્ટ ગાર્ડને ભારતીય દરિયાઈ ઝોનમાં શંકાસ્પદ પ્રવૃત્તિ અંગે માહિતી મળી હતી. જે બાદ સુરક્ષા દળોએ વધારે રાહ જોયા વગર તપાસ શરૂ કરી દીધી હતી. તપાસમાં જાણવા મળ્યું છે કે બે બાંગ્લાદેશી ફિશિંગ બોટ ‘FV લૈલા-2’ અને ‘FV મેઘના-5’ ભારતીય વિસ્તારમાં પરવાનગી વગર માછીમારી કરી રહી હતી.
બંને બોટનું રજીસ્ટ્રેશન બાંગ્લાદેશમાં થયું છે
ત્યારબાદ ભારતીય કોસ્ટ ગાર્ડે તાત્કાલિક કાર્યવાહી કરી અને આ બંને બોટને અટકાવી અને તપાસ કરી. જેમાં આ બંને બોટ બાંગ્લાદેશમાં નોંધાયેલી હોવાનું જાણવા મળ્યું હતું, આ બે બોટમાં 41 અને 37 બાંગ્લાદેશી નાગરિકો હાજર હતા. ICGએ બંને બોટમાં હાજર માછીમારોને ઝડપીને વધુ કાર્યવાહી માટે તમામ માછીમારોને સંબંધિત અધિકારીઓને સોંપી દીધા છે.
ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર ચાંપતી નજર
ભારતીય કોસ્ટ ગાર્ડને આ એક મોટી સફળતા મળી છે. કોસ્ટ ગાર્ડે આ ઓપરેશનને નોંધપાત્ર સફળતા ગણાવી છે. અધિકારીઓનું કહેવું છે કે આ પગલું માત્ર ભારતીય દરિયાઈ સંપત્તિની સુરક્ષા માટે નથી, પરંતુ ગેરકાયદેસર ગતિવિધિઓ પર કડક નજર રાખવાના ઉદ્દેશ્યથી લેવામાં આવ્યું છે. અધિકારીઓએ સ્પષ્ટપણે કહ્યું કે ગેરકાયદેસર પ્રવૃત્તિઓને રોકવા અને કાબૂમાં લેવા માટે ભવિષ્યમાં પણ આવી કાર્યવાહી ચાલુ રહેશે. જો કે, આ પહેલીવાર નથી કે બાંગ્લાદેશી માછીમારો ગેરકાયદેસર રીતે ભારતીય જળસીમામાં પ્રવેશ્યા હોય. આ પહેલા પણ ભારતીય કોસ્ટ ગાર્ડ ઘણા બાંગ્લાદેશી માછીમારોને પકડી ચુક્યું છે.
Source link