NATIONAL

Interest Rate: સ્મોલ સેવિંગ સ્કીમના નવા વ્યાજદરોની સરકારે કરી જાહેરાત, વાંચો વિગત

કેન્દ્ર સરકારે પોસ્ટ ઓફિસની સ્મોલ સેવિંગ્સ સ્કીમના નવા વ્યાજ દરોની જાહેરાત કરી દીધી છે. સરકારે ઓક્ટોબર 2024થી ડિસેમ્બર 2024 વચ્ચે આ સ્મોલ સેવિંગ્સ સ્કીમના વ્યાજ દરોમાં કોઈ ફેરફાર કર્યો નથી.

આ વ્યાજદર આગામી ત્રણ મહિના સુધી યથાવત રહેશે

આનો અર્થ એ થયો કે જુલાઈ 2024થી સપ્ટેમ્બર 2024ના ત્રિમાસિક ગાળામાં જે વ્યાજ દરો નક્કી કરવામાં આવ્યા હતા તે મુજબ જ આગામી ત્રણ મહિના સુધી યથાવત રહેશે. નાની બચત યોજનાઓમાં પબ્લિક પ્રોવિડન્ટ ફંડ, સિનિયર સિટિઝન સેવિંગ સ્કીમ, સુકન્યા સમૃદ્ધિ યોજના, નેશનલ સેવિંગ સર્ટિફિકેટ, પોસ્ટ ઓફિસ ટાઈમ ડિપોઝિટ સ્કીમ (POTD), મહિલા સન્માન સેવિંગ સર્ટિફિકેટ અને પોસ્ટ ઓફિસ માસિક આવક યોજના (POMIS)નો સમાવેશ થાય છે.

PPF રોકાણકારોને કેટલું મળશે વ્યાજ?

નાણા મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલી પ્રેસ નોટ મુજબ 1 ઓક્ટોબર, 2024થી 31 ડિસેમ્બર, 2024 સુધીના ત્રિમાસિક ગાળા માટે સ્મોલ સેવિંગ સ્કીમના વ્યાજ દરોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. આનો અર્થ એ થયો કે પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF)ને ઓક્ટોબરથી ડિસેમ્બર 2024 સુધી 7.1 ટકાના દરે વ્યાજ મળતું રહેશે.

આ બે યોજનાઓમાં મળશે સૌથી વધુ વ્યાજ

હાલમાં સ્મોલ સેવિંગ સ્કીમમાં સૌથી વધુ કમાણી સુકન્યા સમૃદ્ધિ યોજના અને સિનિયર સિટિઝન સેવિંગ સ્કીમમાં થઈ રહી છે. આ બંને સ્કીમમાં રોકાણકારોને 8.2 ટકા વ્યાજ મળી રહ્યું છે. ત્યારબાદ નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટમાં 7.7 ટકા વ્યાજ આપવામાં આવી રહ્યું છે. રોકાણકારોને 5 વર્ષની FD અને કિસાન વિકાસ પત્રમાં 7.5 ટકા વ્યાજ મળી રહ્યું છે. રોકાણકારો મંથલી સેવિંગ સ્કીમમાં 7.4 ટકા વ્યાજ મળી રહ્યું છે. સામાન્ય લોકોને પબ્લિક પ્રોવિડન્ટ ફંડના વ્યાજદરમાં વધારાની ઘણી અપેક્ષાઓ હતી. પરંતુ આ વખતે પણ તેમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી. રોકાણકારોને ડિસેમ્બર મહિનામાં 7.1 ટકાનું વ્યાજ મળશે.

છેલ્લે ક્યારે વ્યાજ દરમાં વધારો કરવામાં આવ્યો હતો?

સરકારે 31 ડિસેમ્બર, 2023ના રોજ પૂરા થતા ક્વાર્ટર માટે કેટલીક સ્મોલ સેવિંગ સ્કીમના વ્યાજ દરોમાં વધારો કરવાની જાહેરાત કરી હતી. જો કે, એ મહત્વનું છે કે RD સિવાયની તમામ યોજનાઓ માટે વ્યાજ દરોમાં કોઈ ફેરફાર થયો નથી. બીજી તરફ, એપ્રિલ-જૂન 2020 ક્વાર્ટરથી પબ્લિક પ્રોવિડન્ટ ફંડના વ્યાજ દરમાં કોઈ ફેરફાર થયો નથી. આનો અર્થ એ થયો કે PPFના વ્યાજ દરોમાં કોઈ ફેરફાર થયાને 4 વર્ષથી વધુ સમય થઈ ગયો છે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button