મધ્યપ્રદેશનાં જબલપુરમાં આવેલી ખમરિયા ઓર્ડનન્સ ફેક્ટરીમાં મંગળવારે સવારે ભયાનક વિસ્ફોટ થયો હતો. પ્રાથમિક અહેવાલો મુજબ ફેક્ટરીનું બિલ્ડિંગ ધરાશાયી થઈ ગયું હતું જેની નીચે કેટલાક લોકો દટાઈ ગયા હોવાની આશંકા સેવવામાં આવી છે.
ભયાનક વિસ્ફોટને પગલે 2 કામદારોનાં મોત થયા છે જ્યારે 13 કર્મચારીઓ દાઝી ગયા છે જેમાં 9ની હાલત ગંભીર હોવાનું માનવામાં આવે છે. ફેક્ટરીનાં F-6 વિભાગમાં વિસ્ફોટ થયો હતો. અધિકારી આનંદ શર્માએ જણાવ્યું હતું કે પેચ્યોરા બોમ્બને ઉકાળીને કાઢવામાં આવી રહ્યો હતો ત્યારે તેમાં વિસ્ફોટ થયો હતો. આને કારણે ફેક્ટરીનાં બિલ્ડિંગનો કેટલોક હિસ્સો ધરાશાયી થયો હતો. આ ઘટનાનાં 1 વ્યક્તિ લાપતા હોવાનું જાણવા મળ્યું છે. ઘાયલ વ્યક્તિઓને હોસ્પિટલમાં સારવાર અપાઈ રહી છે.
બોમ્બને બોઇલ્ડ આઉટ કરતી વખતે ઘટના બની
અધિકારીએ કહ્યું હતું કે રશિયન પિચ્યોરા બોમ્બને ઘણા લાંબા સમયથી ઉકાળીને કાઢવાનો પ્રયાસ કરાતો હતો. આ બોમ્બ 30થી 40 વર્ષ જૂનો હોવાનું માનવામાં આવે છે. વિસ્ફોટ થયો તે બિલ્ડિંગમાં ઘટના વખતે 4 લોકો હાજર હતા. જેમાંથી બે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. બીજી બિલ્ડિંગમાં 11 કર્મચારીઓ હતા. તે તમામ સુરક્ષિત છે. ઘટનાનાં કારણો શોધવા સમિતિની રચના કરાઈ છે. કેટલાક લોકો કાટમાળમાં દટાયા હોવાની શંકા સેવાઈ રહી છે જેને શોધવા માટે રાહત અને બચાવ કામગીરી હાથ ધરાઈ છે.
Source link