જમ્મુ-કાશ્મીરના બાંદીપોરા જિલ્લામાં મંગળવારે આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ થઈ હતી. ટોચના પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે બાંદીપોરા ઓપરેશનમાં અત્યાર સુધીમાં એક આતંકવાદીને ઠાર કરવામાં આવ્યો છે, જ્યારે સેનાનો 1 જવાન અને 1 CRPF જવાન ઘાયલ થયો છે.
સુરક્ષા દળોએ સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું
અધિકારીઓએ જણાવ્યું કે બાંદીપોરા જિલ્લાના ચોંટપથરી જંગલ વિસ્તારમાં આતંકવાદીઓ હોવાની જાણકારી મળ્યા બાદ સુરક્ષા દળોએ મંગળવારે ઘેરાબંધી કરીને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. આ દરમિયાન આતંકવાદીઓએ સુરક્ષાદળો પર ગોળીબાર કર્યો અને જવાબી કાર્યવાહીમાં સુરક્ષા દળોએ ગોળીબાર કર્યો હતો.
રવિવારે સન્ડે બજારમાં ગ્રેનેડથી હુમલો થયો હતો
આ પહેલા રવિવારે શ્રીનગરના સન્ડે બજારમાં આતંકવાદીઓએ ભીડવાળા વિસ્તારમાં ગ્રેનેડથી હુમલો કર્યો હતો. આ હુમલામાં 12 લોકો ઘાયલ થયા હતા, અધિકારીઓના જણાવ્યા મુજબ આતંકવાદીઓએ TRC પાસે ભીડભાડવાળા બજારમાં ગ્રેનેડ ફેંક્યો હતો અને જેના કારણે વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો.
વેપારીઓમાં ભય અને અનિશ્ચિતતાનું વાતાવરણ સર્જાયુ
જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદી હુમલાની વધતી જતી ઘટનાઓએ લઈને ફરી એકવાર સ્થાનિક રહેવાસીઓ, પ્રવાસીઓ અને વેપારીઓમાં ભય અને અનિશ્ચિતતાનું વાતાવરણ સર્જાયુ છે. સુરક્ષા દળો આ હુમલાઓનો સામનો કરવા માટે કડક પગલા લઈ રહ્યા છે પણ આવી ઘટનાઓ વિસ્તારમાં તણાવનું કારણ બને છે.
લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ આપી હતી ચેતવણી
જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ મંગળવારે ચેતવણી આપી હતી કે આતંકવાદીઓને આશ્રય આપતા લોકોના ઘરોને જમીનદોસ્ત કરી દેવામાં આવશે, વહીવટીતંત્ર અને પ્રદેશના લોકો એક થાય તો એક વર્ષમાં આ વિસ્તારમાંથી આતંકવાદને ખતમ કરી શકાય તેમ છે.
ગુનેગારોને છોડવામાં આવશે નહીં
ઉત્તર કાશ્મીરના બારામુલ્લા જિલ્લામાં આયોજિત એક કાર્યક્રમને સંબોધતા લેફ્ટનન્ટ ગવર્નરે કહ્યું, મેં સુરક્ષા દળોને નિર્દેશ આપ્યો છે કે કોઈ નિર્દોષ વ્યક્તિને નુકસાન ન પહોંચાડે. પરંતુ ગુનેગારોને છોડવામાં આવશે નહીં. જો કોઈ આતંકવાદીઓને આશ્રય આપશે તો તેના ઘરને જમીનદોસ્ત કરી દેવામાં આવશે. આ અંગે કોઈ બાંધછોડ કરવામાં આવશે નહીં. સિન્હાએ કહ્યું કે કેટલાક લોકો એવા નિવેદનો આપે છે કે જેઓ આતંકવાદીઓને આશ્રય આપે છે તેઓને ત્રાસ આપવામાં આવે છે. તેમણે કહ્યું કે જો કે, આ અત્યાચાર નથી, પરંતુ ન્યાયની માગ છે અને આવો ન્યાય ચાલુ રહેશે.
Source link