કેન્દ્ર સરકારના પશુપાલન વિભાગ દ્વારા દર પાંચ વર્ષે કરવામાં આવતી પશુધન વસ્તી ગણતરી અંતર્ગત આ વર્ષે પણ પશુઓની ગણતરી કરી તેનો ડેટા સંગ્રહ કરવામાં આવનાર છે. પશુધન વસ્તી ગણતરી માટે કેન્દ્ર સરકાર દ્વારા સમગ્ર ભારત દેશના ચાર રાજ્યોમાં ગત જુલાઈ માસમાં પાયલોટ સર્વેનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત ગુજરાત રાજ્યમાં એકમાત્ર જામનગર જિલ્લાની પસંદગી થઈ હતી.
પાયલોટ સર્વે કરાયો
આ પાયલોટ સર્વેમાં શહેરી વિસ્તાર તરીકે કાલાવડ નગરપાલિકાના વોર્ડ નં.3 અને ગ્રામ્ય વિસ્તાર તરીકે જોડિયા ગામમાં પ્રાયોગિક ધોરણે પશુધન વસ્તી ગણતરી હાથ ધરવામાં આવી હતી. 21 મી પશુધન વસ્તી ગણતરીને અદ્યતન ડેટાના આધારે પશુધનની વિવિધ જાતોની સંખ્યા નક્કી થવાથી ચારાની આવશ્યકતા,રસીકરણ, કૃમિનાશક કામગીરી તેમજ નીતિ વિષયક બાબતોના નિર્ણય લેવામાં ઉપયોગી થશે. આ વર્ષે 21મી પશુધન વસ્તી ગણતરીમાં વિચરતા પશુપાલકોના પશુઓ ઉપરાંત પાંજરાપોળ, ગૌશાળા અને ડેરી ફાર્મનાં પશુઓને પણ આવરી લેવામાં આવશે.
શું કહ્યું અધિકારીએ
જામનગર જિલ્લા પશુપાલન અધિકારી ડૉ.તેજસ શુક્લના જણાવ્યાં મુજબ, પાંચ વર્ષ બાદ શરુ થનાર પશુધનના ડેટા એકત્ર કરવાની કામગીરી સંપૂર્ણપણે ડીજીટલ સ્વરૂપમાં મોબાઈલ એપ, વેબ એપ અને ડેશબોર્ડનો ઉપયોગ કરીને કરવામાં આવશે. આ કામગીરી માટે નોડલ અધિકારીઓની નિમણૂક થયેલી છે.પશુધન વસ્તી ગણતરી અંતર્ગત ગુજરાત રાજ્યમાં એકમાત્ર જામનગર જિલ્લાની પસંદગી થઈ છે.
92 થી વધુ ગણતરીદારો
જામનગર જિલ્લામાં શહેર સહિત છ તાલુકાઓના તમામ ગામોમાં 92 થી વધુ ગણતરીદારો જિલ્લા નોડલ અધિકારીના માર્ગદર્શનમાં ઘરે ઘરે જઈ ઓલાદવાર પશુઓની ગણતરી હાથ ધરશે અને પશુઓની નોંધણી કરી રીપોર્ટ કરશે. આ પશુધન વસ્તી ગણતરીને લઈને જિલ્લાના તમામ પશુપાલકો દ્વારા પૂરી માહિતી અપાય અને જરૂરી સહકાર પૂરો પડાય તેવો અનુરોધ છે.
પશુઓની નોંધણી થઇ હતી
પશુ વસ્તી ગણતરી અંતર્ગત શહેર અને ગ્રામ્ય કક્ષાએ પાંચ વર્ષ પહેલા થયેલ ગણતરીમાં ગ્રામ્યમાં 1.51 લાખથી વધુ અને શહેરમાં 1.98 લાખ મળી જિલ્લામાં 3.50 લાખ ઘરોનું સર્વેક્ષણ કરાયું હતું. અગાઉ થયેલ 20મી પશુ ગણતરીમાં જિલ્લામાં સૌથી વધુ 2.14 લાખથી વધુ ઘેટાં,1.62 લાખથી વધુ ભેંસ, 1.43 લાખથી વધુ મરઘા,1.39 લાખથી વધુ ગાય, 1.30લાખથી વધુ બકરાં, 25,856 રખડતી ગાય,24,158 રખડતા શ્વાન, 1115 ઊંટ, 681 ઘોડા, 239 સસલા, 57 ગધેડા અને ૫૩ ડુક્કર સહિત 8.42 લાખ પશુઓની નોંધણી થઇ હતી.
Source link