GUJARAT

Jamnagar પોલીસે ધાડપાડુ ગેંગના પાંચ સભ્યોને ઝડપ્યા, અનેક ચોરીની કરી કબૂલાત

જામનગર પોલીસની વધુ એક વખત સતર્કતા સામે આવી છે. જેમાં કાલાવડ તાલુકાના રણુજા નજીક રોડ પરથી જામનગર એલસીબી પોલીસે ધાડપાડું ગેંગના પાંચ સભ્યોને પકડી પાડ્યા હતા. આરોપીઓ કોઈ મોટા ગુનાને અંજામ આપે તે પહેલા જ પોલીસે હથિયારો સાથે દબોચી લઈને કાર્યવાહી કરી છે.

આ શખ્સોએ તાજેતરમાં 5 મકાનમાં થયેલી ચોરીની કબૂલાત આપી

કાલાવડથી રણુજા વચ્ચે આવેલી જીઆઈડીસી વસાહત પાસેથી ગઈકાલે રાત્રે એલસીબીએ પાંચ શખ્સને ઘાતક હથિયાર, મોબાઈલ, બાઈક, રોકડ સાથે પકડી પાડ્યા છે. આ ટોળકી કોઈ જગ્યાએ ધાડ પાડવાની તૈયારી કરતી હતી, ત્યારે જ એલસીબી પહોંચી ગઈ હતી. આ શખ્સોએ તાજેતરમાં પાંચ મકાનમાં થયેલી ચોરીની કબૂલાત આપી છે અને અત્યાર સુધીમાં દ્વારકાથી લઈ મહિસાગર, આણંદ, દાહોદ જિલ્લામાં 48થી વધુ ગુનાને અંજામ આપ્યાનું કબૂલ્યું છે.

કુલ રૂપિયા 1,56,290નો મુદ્દામાલ એલસીબીએ કબજે કરી પૂછપરછ શરૂ કરી છે. જેમાં જામનગરની સ્થાનિક ગુનાશોધક શાખાના સ્ટાફને બાતમી મળી હતી કે પાંચ જેટલા શખ્સ કાલાવડ નજીક જીઆઈડીસી વસાહત પાસે હથિયારો સાથે ઉભા રહી લૂંટ અથવા ધાડ પાડવાની તૈયારી કરી રહ્યા છે. તે બાતમીથી પીઆઈ વી.એમ. લગારીયાને વાકેફ કરાયા પછી પીએસઆઈ પી.એન. મોરી તથા એ.કે.પટેલ સહિતના સ્ટાફે મોડી રાત્રે વોચ રાખી હતી. તે દરમિયાન રાત્રે દોઢેક વાગ્યે કાલાવડથી રણુજા તરફ જવાના રસ્તા પર જીઆઈડીસી વસાહતના ગેઈટ નજીકથી પાંચ શખ્સ લાકડી, છરી, પાઈપ, ગણેશીયા, ડીસમીસ, કટર સાથે મળી આવ્યા હતા. આ શખસોના કબજામાંથી ત્રણ મોબાઈલ અને રૂપિયા 30 હજારની કિંમતનું હોન્ડા કંપનીનું સાઈન મોટરસાયકલ પણ કબજે કરાયું છે.

અગાઉ અનેક ગુનાઓ કર્યા હોવાની આપી કબૂલાત

આ શખ્સોની પૂછપરછ શરૂ કરાતા મૂળ દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના આંબલી ખજુરીયા ગામના વતની અને હાલમાં કાલાવડના મોટી માટલીમાં રહેતા કમલેશ બદીયાભાઈ પલાસ, છરછોડા ગામના અજય ધીરૂભાઈ પલાસ, ગોરધન ધીરૂભાઈ પલાસ, પંકેશ મથુરભાઈ પલાસ, ધોરાજીના જમનાવડમાં રહેતા રંગીત બાદરભાઈ મીનામા નામના આ શખ્સોએ એલસીબી સમક્ષ પોપટ બની જઈ કેટલાક ગુન્હાઓની કબૂલાત આપી છે. આ શખ્સોએ તાજેતરમાં પાંચ આસામીના શ્યામ વાટીકા સોસાયટીમાં આવેલા બંધ મકાનોમાં તાળા તોડી રૂપિયા 4 લાખ 41 હજારની મત્તા ચોરી કર્યાની કબૂલાત આપી છે.

આરોપીઓનો ગુનાહિત ઈતિહાસ

તેઓએ છેલ્લા સવા વર્ષમાં 10 ચોરી કર્યાની કેફિયત આપી છે. જેમાં 20 દિવસ પહેલા કાલાવડના આણંદપર નજીક ચાર કારખાનાના તાળા તોડી રોકડ, બાઈકની ચોરી કરવા ઉપરાંત મહિસાગરના અમથાણી ખાંડીવાવ ગામમાં દુકાનની ચોરી, સવા વર્ષ પહેલાં રાજકોટના બેડી નજીક કારખાનામાં ચોરી ઉપરાંત સાતેક દિવસ પહેલાં અમદાવાદના દસક્રોઈ ગામમાં કારખાનામાં ચોરી, પાંચેક દિવસ પહેલાં ધોરાજીમાં બંધ કારખાનામાં ચોરી સહિત દસ ચોરીને અંજામ આપ્યાનું કબૂલી લીધુ છે.

પાંચેય આરોપીઓને અલગ અલગ રાખી કરાયેલી પૂછપરછમાં આરોપી પંકેશ મથુરભાઈએ પોતાની સામે વર્ષ 2014થી અત્યાર સુધીમાં હત્યા, લૂંટ, હથિયાર ધારા, ચોરી, દારૂબંધી ભંગ, ગેરકાયદે મંડળી રચી હુમલો સહિતના 34 ગુન્હા નોંધાયેલા હોવાનું જણાવ્યું છે. જ્યારે કમલેશ બદીયાભાઈએ વર્ષ 2016થી અત્યાર સુધીમાં જુદા જુદા પોલીસ સ્ટેશનમાં 10 ગુન્હા અને ગોરધન ધીરૂભાઈએ વર્ષ 2019 અને ચાલુ વર્ષમાં ચોરી, હુમલાના બે ગુન્હા તથા અજય ધીરૂભાઈ સામે પણ ચોરીના બે ગુન્હા નોંધાયા હોવાની કબૂલાત આપી છે.

આ શખ્સો ચોરી કરતા પહેલાં જે તે મકાન અથવા કારખાનાને નજરમાં રાખી રેકી કર્યા પછી ડીસમીસ, કોશ, ગણેશીયા, કટર સાથે રાખી ચોરી કરી લેતા હતા. તે ઉપરાંત મોડીરાત્રિના સમયે અવાવરૂ જગ્યાએ એકલ દોકલ વ્યક્તિને લૂંટી પણ લેતા હતા અને લૂંટ કર્યા બાદ તમામ આરોપીઓ અલગ -અલગ જગ્યાએ બસ મારફતે જુદા-જુદા સ્થળે ચાલ્યા જતા હતા. આ ગૅંગનો એકપણ સભ્ય કોઈ દિવસ સાથે ફરતા ના હતા અને ગેંગનો મુખ્ય શખ્સ બજારમાં અને બંધ ઘરો અને સોસાયટીમાં રેકી કરતો હતો. પોલીસ દ્વારા કુલ રૂપિયા 1,56,290નો મુદ્દામાલ કબજે કરી છે અને આ ગેંગ ઝડપાયાની દ્વારકા, રાજકોટ, અમદાવાદ ગ્રામ્ય, ખેડા, આણંદ, મહિસાગર, દાહોદ, રાજકોટ ગ્રામ્ય, પંચમહાલ, અમદાવાદ શહેર પોલીસને જાણ કરી છે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button