અંબાજી મંદિરથી ગબ્બર સુધી બનશે ‘શક્તિ કૉરિડોર’

બનાસકાંઠાના દાંતા તાલુકાની આરામદાયક અરવલ્લી પર્વતશૃંખલાઓ વચ્ચે આવેલા શ્રી અંબાજી યાત્રાધામને આગામી 50 વર્ષોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખી બે તબક્કામાં વિકસાવવાનો આરંભ થયો છે. પ્રથમ તબક્કાનું નિર્માણ ટૂંક સમયમાં હાથ ધરાશે.
આ સમગ્ર પ્લાન હેઠળ યાત્રાધામના વિવિધ વિભાગોને સંકલિત કરીને યાત્રાળુઓ માટે સુવિધાઓમાં ઉન્નતિ લાવવાનો પ્રયાસ છે અને ધાર્મિક સ્થળોને એક નવી ઓળખ અપાવવાનો ઉદ્દેશ છે. આ યોજનાનું કાર્ય ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા હાથ ધરાશે.
આ માસ્ટર પ્લાનના કેન્દ્રમાં અંબાજી મંદિર તથા ગબ્બર પર્વત છે, જ્યાં દેવી સતીનું હૃદય પડ્યું હોવાનું માનવામાં આવે છે. અહીં વિશા યંત્ર સ્થાન પામ્યું છે. બંને પવિત્ર સ્થળોને આધ્યાત્મિક રીતે એકીકૃત કરવા માટે ભવ્ય કોરિડોર ઊભો કરાશે. આ કૉરિડોર યાત્રાને વધુ દિવ્ય અને અનુભૂતિભર્યા માર્ગમાં બદલી દેશે.
ચાચર ચોક અને ગબ્બર પર્વતનું રીડેવલપમેન્ટ થશે
બોર્ડ દ્વારા મળેલી માહિતી અનુસાર અંબાજી મંદિર માટે એક વ્યાપક અને ટકાઉ વિકાસ યોજના બનાવવામાં આવી છે જે પર્યાવરણીય જવાબદારી સાથે 50 વર્ષીય દૃષ્ટિકોણ ધરાવે છે. માતાજીનું હૃદય જ્યાં પડ્યું એવું ગબ્બર તથા વિશા યંત્ર સ્થાન તરીકે ઓળખાતું અંબાજી મંદિર એક કોરિડોરથી જોડાશે. સાથે ચાચર ચોક અને ગબ્બર વિસ્તારનો પણ વિશેષ વિકાસ થશે. આ કાર્યમાં ટેક્નોલોજી દ્વારા યાત્રાળુઓની યાત્રાને વધુ સ્મૃતિજનક બનાવાશે.
આ માસ્ટર પ્લાનમાં લગભગ રૂ. 1632 કરોડના ખર્ચ સાથે બે તબક્કામાં અમલમાં મુકાશે. પ્રથમ તબક્કામાં રૂ. 950 કરોડના ખર્ચે શક્તિ કૉરિડોર સહિત મુખ્ય માળખાકીય વિકાસ હાથ ધરાશે. આ કૉરિડોર ગબ્બર પર્વત, અંબાજી મંદિર અને માનસરોવર જેવા સ્થળોને ભવ્ય રીતે જોડશે.
શક્તિ ચોકથી શરૂ થતું નેટવર્ક ગબ્બર દર્શન ચોક સુધી વિસ્તૃત થશે. પ્રોજેક્ટમાં અંડરપાસ, યાત્રાળુ માટે યાત્રી ભવન, મલ્ટી લેવલ પાર્કિંગ, દિવ્ય દર્શન પ્લાઝા, અંબાજી ચોક, સતી ઘાટ અને ગબ્બર પ્લાઝા જેવા અનેક નવા વિકાસ કાર્યોનો સમાવેશ થાય છે.
બીજા તબક્કામાં ગબ્બર મંદિર અને આસપાસના વિસ્તારોના વિકસાવાના કામ માટે રૂ. 682 કરોડનો અંદાજ છે, જેમાં સતી સરોવર અને માનસરોવર વિસ્તાર પણ આવરી લેવાશે.