કાશ્મીર વિધાનસભા ચૂંટણી માટેના પ્રચારકાર્યમાં ગરમાવો આવી રહ્યો છે. રાજકીય પક્ષો આરોપ-પ્રતિઆરોપ કરી રહ્યા છે. પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી(પીડીપી)ના વડા મહેબૂબા મુફ્તીએ જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યપ્રધાન ઉમર અબદુલ્લા પર આરોપ લગાવ્યા છે કે તેમના કારણે રાજ્યમાં ફળતાફૂલતા શાહતૂશ શાલ ઉદ્યોગ પર પ્રતિબંધ લાગી ગયો.
તેમના કારણે જ વીતેલા બે દાયકાથી રાજ્યમાં શાહતૂશ શાલ બનાવનારાએ શાલ બનાવવાનું જ બંધ કરી દીધું. તેને કારણે હજારો લોકોને મળતી રોજગારી પ્રભાવિત થઈ છે. આ વખતે શાહતૂશ શાલ ચૂંટણી મુદ્દો બની રહ્યો છે. આ મુદ્દો રાજ્યમાં પ્રભાવશાળી મુદ્દો બની શકે છે.
હકીકતે બે દાયકા પહેલાં કાશ્મીરમાં શાહતૂશ શાલનો ઉદ્યોગ ફાલેલો ફૂલેલો હતો. તેને કારણે હજારો મહિલાઓને રોજગાર મળતો હતો. તેને કારણે રાજ્યમાં નાણાંની આવક પણ થતી હતી પરંતુ વર્ષ 2003થી શાહતૂશ ઉત્પાદનો પર પ્રતિબંધ લાગી ગયો. જે મહિલાઓને આ ઉત્પાદનથી આવક મળતી હતી તેમનામાં આ મુદ્દે નારાજગી પ્રવર્તી રહી છે. બે દાયકાથી આ મુદ્દે રાજ્યમાં અવાજ ઊઠતો રહે છે. આ ઉદ્યોગ પર લાગેલા પ્રતિબંધને ઉઠાવવા માગ થતી રહી છે. સ્થાનિક કક્ષાથી માંડીને સુપ્રીમ કોર્ટ સુધી કાનૂની લડાઈ પણ આપવામાં આવી છે પરંતુ તમામ સ્થાને નિરાશા હાથ લાગી અને શાહતૂશ શાલ ઉત્પાદન પરનો પ્રતિબંધ દૂર ના થઈ શક્યો. શાહતૂશ શાલ પશ્મીનાને પણ માત આપે છે. ચાલો તેના વિશે જાણકારી મેળવીએ.
કઈ રીતે મળે છે શાહતૂશ શાલ માટેનું ઊન?
હકીકતે શાહતૂશ તે એક પ્રકારનું ઊન છે. તે ઊન ખૂબ જ ગરમ અને મુલાયમ હોય છે. શાહતૂશનો અર્થ થાય છે ઊનનો રાજા. પશ્મીના કરતાં પણ આ ઊનને બહેતર માનવામાં આવે છે. ચિરુ નામના તિબેટી હરણ થકી તે ઊન મળે છે. કહેવાય છે કે તે માટે હરણને મારી નાખવામાં આવે છે. ચિરુ હરણ વિશે વાત કરવામાં આવે તો તેના નસકોરામાં ઓક્સિજન રહિત હવામાં શ્વાસ લેવા માટે વિશેષ થેલીઓ હોય છે. માઇનસ 40 ડિગ્રીમાં અસ્તિત્વ ટકાવી શકે તેવું ઊન તેની ચામડી પર હોય છે. બારીક રેશા કોઈપણ જાનવરના રેશા કરતાં માઇક્રો હોય છે.
શાહતૂશ શાલ પર પ્રતિબંધ શા માટે લાગ્યો?
એક કાળમાં કાશ્મીરમાં આ ચિરૂ હરણની સંખ્યા 10 લાખ આસપાસ હતી. હાલમાં ભારતથી માંડીને તિબેટ સુધી તેની સંખ્યા હાલમાં માત્ર 70 હજાર જેટલી જ બચી છે. કાશ્મીરમાં તો ગણતરીના સેંકડોની સંખ્યામાં જ આ હરણ બચ્યા છે. ભારતની વન્યજીવન સંરક્ષણ અધિનિયમની અનુસૂચિ-એક હેઠળ આ હરણને સર્વોચ્ચ સંરક્ષણ મળેલું છે. સંયુક્ત રાષ્ટ્રે લુપ્તપ્રાય જીવોમાંથી તૈયાર થતા ઉત્પાદનો કે ખરીદ વેચાણ સામે પ્રતિબંધ લાદેલો છે. વિશ્વભરમાં શાહતૂશ ઉનને સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે. વિકુના ઉન તે પછીના ક્રમે આવે છે.
શાહતૂશ શાલ 4-5 હરણનો ભોગ લે છે
ચિરૂ હરણ સરળાથી ઝડપાતું નથી. તેના વાળ કાઢવા તેથી ખુબ મુશ્કેલ બની રહે છે. ઉન કાઢવા તેને મારી નાખવામાં આવે છે. કહેવાય છે કે શાહતૂશ શાલ 4-5 હરણનો ભોગ લે છે. 20મી સદીના અંતભાગમાં ચિરૂ હરણની વસતીમાં 90 ટકા ઘટાડો થયો. વર્ષ 2016 સુધીમાં તો આ હરણ લુપ્તપ્રાય પ્રજાતિની યાદીમાં મુકાઇ ગયા. ગરમ કોટ,સ્કાર્ફ અને શાલ બનાવવા તેનો ઉપયોગ થતો હોય છે. જોકે 1979થી સીઆઇટીઇએસ હેઠળ શાહતૂશ ઉન ઉત્પાદન, વેચાણ ગેરકાયદે માનવામાં આવે છે. જોકે ચોરીછુપીથી ઉત્પાદન ચાલતું રહ્યું. કાળા બજારમાં શાહતૂશ શાલની કિંમત 4.5 લાખથી 18 લાખ સુધી બોલાતી હોય છે.
શાહતૂશ અને પશ્મીનાની તુલના
શાહતૂશ શાલ નામ જ રાજવીપદની યાદ અપાવે છે. આ શાલને અલૌકિક અને નાજુક માનવામાં આવે છે. પશ્મીનાની જેમ જ આ શાલ પણ હાથની વીંટીમાંથી નીકળી જાય તેવી હોય છે. વજન નહીવત હોય છે. એક સમયે ચિરૂ હરણના વધ વિના જ ઉન તૈયાર થતું હતું. તેના વાળ વીણી લેવાતા હતા. પરંતુ તે પછી લાલચ વધી અને લોકોએ હરણને મારવાનું શરૂ કર્યું. પશ્મીના અને પશ્મીના શાલ એક જેવી જ દેખાય છે. ચંગ્રા (પશ્મીના) નામની બકરીના અંદરના ભાગમાંથી પશ્મીના ઉન પ્રાપ્ત થાય છે. પુર્વ હિમાલયમાં મળી આવતી ચેગૂ વંશની બકરી થકી પશ્મીના ઉન મળતું હોય છે. પશ્મીના ઉન ખુબ મુલાયમ અને ગરમ હોવાનું કહેવાય છે, પરંતુ શાહતૂશ તેના કરતાં પણ ચઢિયાતું ઉન છે.
સુપ્રીમ કોર્ટ પણ પ્રતિબંધના પક્ષમાં
વર્ષ 2023માં સુપ્રીમ કોર્ટે ચુકાદો આપતાં શાહતૂશ શાલના ઉત્પાદન અને વેપાર પર કડક પ્રતિબંધ લાદી દીધો. તેમ છતાં દિલ્હી સહિતના સ્થાને દરોડા પાડતાં શાહતૂશ શાલ કે ઉત્પાદનો જપ્ત થતા હોય છે. તેના પરથી લાગે છે કે કાશ્મીરમાં તેના વેપારીઓ અને વણકરોનું ગુપ્ત નેટવર્ક કાર્યરત છે. 1970માં ચિરૂ હરણને મારવા સામે પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો. એક જમાનો હતો કે હોંગકોંગથી માંડીને ન્યૂયોર્કના શો રૂમ સુધી શાહતૂશ શાલ જોવા મળતી હતી. પરંતુ પ્રતિબંધ લાગતાં વેપાર ઠપ થઇ ગયો.
ખાનાબદોશનો પરંપરાગત ધંધો
ખાનાબદોશ લોકો સદીઓથી ઓશિયાભરમાં ચિરૂનો શિકાર કરીને તેની ખાલને કાશ્મીર મોકલતા હતા કારીગર તેના ઉનની મદદથી શાલ, સ્વેટર અને સ્કાર્ફ બનાવતા હતા. મોટા પરિવારો તેથી પોષાતા હતા. ઉનને ધોવાથી માંડીને કાંતણ, વણાટ, ભરતકામ સહિતના વિવિધ તબક્કામાંથી પસાર થયા પછી શાલ તૈયાર થતી હોય છે. મુઘલ બાદશાહો માટે તેના વસ્ત્રો તૈયાર થતા હતા. ઉત્તર ભારતમાં હાલમાં માત્ર 300 ચિરૂ બચ્યા છે. લદાખના અંતરિયાળ વિસ્તારોમાં જ તેનો વાસ છે. તિબેટમાં 75,000 ચિરૂ હરણનો વાસ છે.
Source link