ભાજપનાં પૂર્વમંત્રી જવાહર ચાવડાએ આજે જૂનાગઢ જિલ્લા ભાજપનાં પ્રમુખ કિરીટ પટેલ ઉપર લેટર બોમ્બ ફેંકતા ગંભીર આક્ષેપ કર્યો છે કે આ હોદ્દેદાર 9 વર્ષથી પ્રમુખ પદ ભોગવી રહ્યા છે સાથે તે માર્કેટ યાર્ડ અને જિલ્લ બેન્કના પણ પ્રમુખપદે છે. વડાપ્રધાનને લખેલા પત્રમાં ચાવડાએ કિરીટ પટેલ ઉપર ગેરકાયદે બાંધકામ, હપ્તાખોરી અને ભાજપના જ કાર્યાલયના બાંધકામમાં પણ નિયમો નેવે મૂકાયાનો આક્ષેપ કર્યો છે.
પત્રમાં જણાવાયુ છે કે આ કથા છે જુનાગઢ શહેરની નવ વર્ષની વ્યથાની, આપણા શિસ્ત ને વરેલા પક્ષમાં કેટલાક નિયમો છે. (એક વ્યક્તિ એક હોદ્દો, ત્રણ વર્ષનો કાર્યકાળ વિગેરે) આમ તો આ નિયમો દરેક કાર્યકર્તા કે હોદ્દેદારો ને સમાન રીતે લાગુ પડે છે પરંતુ જુનાગઢ આમા અપવાદ છે.જુનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ કીરીટ પટેલ છેલ્લા નવ વર્ષથી હોદ્દા પર છે અને આ સ્થાન પર રહી અને તેનો દુરુઉપયોગ કરીને બીજા સ્થાનોની પ્રાપ્તી કરેલ છે. એક જ સાથે ત્રણ હોદ્દા પણ ભોગવે છે, 1. જિલ્લા પ્રમુખ 2. બેન્ક માં પ્રમુખ 3. માર્કેટીંગ યાર્ડમાં પ્રમુખ બે જિલ્લાના ત્રણ તાલુકાઓના યાર્ડમાં પ્રમુખપદ ભોગવ્યુ, 1. તાલાળા 2. વિસાવદર 3. જુનાગઢ કદાચ ભારતમાં પહેલીવાર આટલા બધા પદ એ સત્તા લાલસાની પરાકાષ્ટા છે. કેટલાક તો એકસાથે ભોગવ્યા જેથી વિવિધ વિભાગો અને સ્થાનોમાં વસુલી કે હકતાખોરી કરીને ચરમસીમા વટાવેલ છે. આ અંગે મેં અને અન્ય આગેવાનો 1. કનુભાઈ ભાલાળા 2. ઠાકરશીભાઈ જાવિયા 3. માધાભાઈ બોરીચા વિગેરેએ વખતો વખત ફ્રીયાદ કરી હોવા છતા પણ આપના સમક્ષ આ વાત પહોચી નથી, આ પત્ર જાહેર એટલે કરવો પડે છે કે આપ સુધી આ વાત પહોંચે, કારણ કે આ માણસની ગુનાહિત બેદરકારી અને ભ્રષ્ટાચારે આપણા પક્ષને પણ નીચું જોવુ પડે એવા કૃત્યો કર્યા છે. જુનાગઢની પ્રજામાં નારજગી અને રોષ છે એ જણાવું તો. જીલ્લા પ્રમુખ હોવાના તોરમાં આ માણસે ભાજપ ના કાર્યાલયનું બાંધકામ પણ નિયમો ને નેવે મુકીને કરેલું છે.
કિરીટ પટેલના મુદ્દે પ્રદેશની કોઈ મજબૂરી હોય તો જણાવે : પૂર્વ કૃષિમંત્રી
જૂનાગઢ : પૂર્વ કૃષિ મંત્રી અને પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ કનુભાઈ ભાલાળાએ કહ્યું કે, જવાહર ચાવડાએ તેમના નામનો જે ઉલ્લેખ કર્યો છે, તે વાત સાચી છે, અમે પણ આજથી દોઢેક વર્ષ પહેલા રજૂઆત કરી હતી, ભાજપનું જે બંધારણ છે તેમાં સ્પષ્ટ કહ્યું છે, અને મૌખિક તેમજ જાહેર સભાઓમાં નેતાઓ દ્વારા કહેવામાં પણ આવ્યું છે કે, એક વ્યક્તિ, એક જ હોદ્દો, તો જૂનાગઢ જિલ્લાની વાત કરીએ તો કિરીટ પટેલ પાસે બે-ત્રણ હોદ્દા છે. આવડા મોટા જિલ્લામાં વર્ષ 1983-84 થી અમોએ લોહી રેડીને પાર્ટીને બેઠી કરી છે. જિલ્લામાં અન્ય આગેવાનો ના હોય તો બરોબર છે, પ્રદેશ સંગઠનની કોઈ મજબુરી હોય તો અમારી સાથે ચર્ચા કરવી જોઈએ. જૂનાગઢમાં અમે ભોગ દીધો છે, એનું શું, આવી રીતે અમારી મહેનત વેડફી નાખવાની છે.
જવાહર ચાવડાને ભાજપે કટ ટુ સાઈઝ કરી દીધા છે
જવાહર ચાવડા કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા બાદ ભાજપે તેને મંત્રીપદ આપેલુ પરંતુ વિધાનસભામાં એ હારી જતા ભાજપે ચાવડાને હરાવનાર કોંગ્રેસના લાડાણીને જ ભાજપમાં લઈ લેતા તે આ વખતે જીતી જતા જવાહર ચાવડા હવે ભાજપમાં કટ ટુ સાઈઝ થઈ ગયા છે.
ચૂંટણીમાં પક્ષ વિરોધી પ્રચારનો આક્ષેપ
ધારાસભ્ય લાડાણીએ પ્રદેશ ભાજપને પત્ર લખી જવાહર ચાવડાએ ચૂંટણીમાં પક્ષ વિરોધી પ્રવૃતિ કરી હોવાનો આક્ષેપ કર્યો હતો.
MLA,MP અને જિલ્લા પ્રમુખ સામે આક્ષેપ
જવાહર ચાવડાએ અગાઉ તેના મતવિસ્તાર માણાવદરમાં ભાજપના ધારાસભ્ય અરવિંદ લાડાણી બાદમા પોરબંદરના સાંસદ અને હવે જિલ્લા ભાજપ પ્રમુખ સામે આક્ષેપો કર્યા છે.
મારે કોઈ પ્રતિક્રિયા આપવી નથી : કિરીટ પટેલ
પૂર્વમંત્રી જવાહર ચાવડાના ગંભીર આક્ષેપો અંગે કિરીટ પટેલને પૂછવામાં આવતા તેમણે કહ્યુ કે મારે કોઈ પ્રતિક્રિયા આપવી નથી.
Source link