GUJARAT

Junagadh: ગણેશ ગોંડલ સહિત પાંચ આરોપીઓ ચાર મહિના બાદ જેલમુક્ત

હાઈકોર્ટે જૂનાગઢના અપહરણ, હત્યા પ્રયાસ, એટ્રોસિટી, આર્મ્સ એક્ટ સહિતની ગંભીર કલમો હેઠળ દાખલ થયેલ ગુનામાં ધારાસભ્યના પુત્ર ગણેશ ગોંડલ સહિત પાંચ આરોપીના જામીન હાઈકોર્ટે મંજૂર કર્યા હતા. જે બાદ આજે ગણેશ ગોંડલ સહિત પાંચ આરોપીઓ જેલમુક્ત થયા છે. હાઈકોર્ટે ગણેશ ગોંડલના શરતી જામીન મંજૂર કર્યા છે. ગણેશ છ મહિના સુધી જૂનાગઢ જિલ્લામાં પ્રવેશ કરી શકશે નહીં. આ કેસની વિગત મુજબ, વાહન અથડાતા સહેજમાં રહી જવા બાબતે માથાકૂટ થઈ હતી જેમાં જૂનાગઢના યુવા આગેવાન સંજય સોલંકીનું અપહરણ કરવામાં આવ્યું હતું. સંજયને એક ફાર્મ હાઉસ પર લઈ જવાયો હતો. જ્યાં તેના કપડા કાઢી ઢોર માર મારવામાં આવ્યો હતો. એટલું જ નહીં આરોપીઓ દ્વારા તેની પાસે માફી મંગાવતો વીડિયો પણ વાયરલ કરાયો હતો.

આ પછી જુનાગઢ એ ડિવીઝન પોલીસ મથકમાં અપહરણ, હત્યા પ્રયાસ, આર્મ્સ એકટની કલમ-25(1-બી)(એ) અને એટ્રોસીટી એકટની કલમ-3(2)(5) મુજબની ફરિયાદ નોંધાઇ હતી. જેમાં આરોપી તરીકે જ્યોતિરાદિત્યસિંહ (ગણેશ) જયરાજસિંહ જાડેજા, જયપાલસિંહ ક્રિપાલસિંહ રાણા(જે.કે. રાણા), ઇન્દ્રજીતસિંહ (ઇન્દુભા) દાદુભા જાડેજા, પૃથ્વીરાજસિંહ (પથુભા) રેવતુભા જાડેજા, દીપાલસિંહ (દિગુભા) કેસરીસિંહ જાડેજાની જૂનાગઢ પોલીસે અટકાયત કરી હતી અને જેલ હવાલે કર્યા હતા.

જૂનાગઢ સેશન્સ કોર્ટે તમામ આરોપીઓની જામીન અરજી ફગાવી હતી

આ કેસમાં જૂનાગઢ સેશન્સ કોર્ટે તમામ આરોપીઓની જામીન અરજી ફગાવી દેતાં ગણેશ ગોંડલ સહિત પાંચેય આરોપીઓએ હાઇકોર્ટમાં જામીન અરજી કરી હતી. આરોપીઓના વકીલ પ્રશાંત ખંઢેરીયાએ હાઇકોર્ટમાં દલીલ કરી હતી કે, કેસની તપાસ પૂરી થઈ ગઇ છે. ચાર્જશીટ પણ ફાઇલ થઈ ગયુ છે ત્યારે હાઇકોર્ટે અરજદારના જામીન મંજૂર કરવા જોઈએ.

જ્યારે સામાપક્ષે ગણેશ ગોંડલની જામીન અરજીનો સખત વિરોધ કરતો જવાબ ફરિયાદપક્ષ દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો. જેમાં જણાવ્યું હતું કે, પ્રસ્તુત કેસમાં હજુ પોલીસની તપાસ ચાલુ છે અને નાજુક તબક્કામાં છે, તેથી હાઇકોર્ટે કેસની તપાસ પહેલાં પૂરી થવા દેવી જોઇએ અને ત્યાં સુધી આરોપી ગણેશ ગોંડલને જામીન આપવા જોઈએ નહી. પક્ષકારોને સાંભળ્યા બાદ હાઈકોર્ટે ગણેશ ગોંડલ અને બીજા આરોપીઓના શરતી જામીન મંજૂર કર્યા હતા. પરંતુ તેને જૂનાગઢ જિલ્લામાં છ મહિના સુધી પ્રવેશવા પર પ્રતિબંધ ફરમાવ્યો હતો. આ કેસમાં આરોપીઓ વતી હાઇકોર્ટના એડવોકેટ પ્રશાંત ખંઢેરીયા રોકાયેલા હતા.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button