જૂનાગઢમાં જોષીપરામાં રહેતા અને એસટી બસ સ્ટેન્ડ પાસે મોબાઇલ સર્વિસનો ધંધો કરતા હિમાંશુભાઈ ભુપતભાઈ ત્રિવેદીએ અગાઉ તેમના માતા-પિતાના સંયુક્ત નામે બસ સ્ટેન્ડ સામે આવેલી એસબીએસ બેન્કમાં લોકર હતું.
એસબીએસ બેન્કથી સોનાના દાગીના લઈને બેંક ઓફ બરોડાના લોકરમાં મુક્યા
પિતાના અવસાન પછી 31 જાન્યુઆરી 2024ના રોજ હિમાંશુભાઈ અને તેમના માતા અન્નપુર્ણાબેનના સંયુક્ત નામે રાણાવાવ ચોકમાં પુનિત શોપિંગ સેન્ટરમાં આવેલી બેંક ઓફ બરોડામાં લોકર ખોલાવ્યું હતું. તે સમયે હિમાંશુભાઈ બેન્કે ગયા નહોતા, પરંતુ તેમનો ભાઈ જિગ્નેશ ત્રિવેદી અને માતા અન્નપુર્ણાબેન એસબીએસ બેન્કથી સોનાના દાગીના લઈને બેંક ઓફ બરોડાના લોકરમાં મુકવા માટે ગયેલા હતા, બાદમાં લોકર બંધ કરી દીધું હતું. ત્યારથી 9 મહિના સુધી તેઓને દાગીનાની જરૂર પડી ના હતી, જેથી લોકર ખોલવામાં આવ્યું ના હતું, બેંકની સિસ્ટમ અનુસાર લોકરની એક ચાવી બેંક પાસે હોય અને બીજી ચાવી લોકરના ખાતેદાર પાસે હોય છે. બંને ચાવી લગાવ્યા પછી જ લોકર ખુલી શકે છે.
લોકરમાંથી 45 લાખના દાગીના થઈ ગયા ગુમ
તેવામાં 29 ઓકટોબર 2024ના રોજ ધનતેરસના દિવસે સોનાના દાગીનાની જરૂર પડતા અન્નપૂર્ણાબેન તેમના ભાણેજ શેલ્મ શુક્લા બંને બેંકમાં લોકરમાં દાગીના લેવા ગયેલા ત્યારે તેમનું લોકર નંબર 1395 ખોલીને જોયું તો અંદર રાખેલા સોનાના દાગીના ગાયબ હતા અને કોઈએ ચોરી કરી લીધાનું માલુમ પડતા આ મામલે ગઈકાલે હિમાંશુભાઈએ બી ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે જુના બીલ મુજબ રૂપિયા 13, 94, 384ની કિંમતના સોનાના દાગીના ચોરીની ફરિયાદ નોંધી છે, ખરેખર હાલની બજાર કિંમત પ્રમાણે તે સોનાના દાગીના 45 લાખના થાય છે.
બેન્ક રજીસ્ટરમાં એક શંકાસ્પદ એન્ટ્રી મળી
હાલ તો ચોરીનો ભેદ ઉકેલવા માટે સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવી રહ્યા છે અને બેન્કના કર્મચારીઓના નિવેદન લઈને પૂછપરછ કરવામાં આવી રહી છે. હાલ પ્રાથમિક તપાસમાં બેન્ક લોકર વિઝિટ રજીસ્ટર હોય છે, તેમાં અન્નપૂર્ણાબેનના લોકરના ખાતામાં ત્રણ એન્ટ્રી બતાવે છે, પહેલી જ્યારે તેઓ દાગીના મુકવા આવ્યા હતા અને ત્રીજી જ્યારે માલુમ પડ્યું કે, દાગીના ચોરાઈ ગયા, આ બંને એન્ટ્રી સાચી છે. પરંતુ આ વચ્ચેના સમયગાળા એક એવી એન્ટ્રી છે, જે શંકાસ્પદ મળી છે, જેમાં કોઈ તારીખ કે સમય દર્શાવવામાં આવ્યો નથી અને અન્નપૂર્ણાબેનની સહી કે તેમનું લખાણ પણ મેચ થતું નથી.
પોલીસે બેન્ક મેનેજરને આપી નોટીસ
જેથી કોઈએ ખોટી એન્ટ્રી કરી હોવાની શંકા છે. પરંતુ બે ચાવી લાગવાથી જ લોકર ખુલે તો આ કેસમાં કોણ સંડોવાયેલ છે, તેની તપાસ માટે કોઈપણ શંકાસ્પદ વ્યક્તિની પોલીસ લાઈવ ડિટેકશન ટેસ્ટ કરશે. છેલ્લે લોકર ખોલાયેલું ત્યારે લોકર ખોલવામાં થોડો સમય લાગતા વર્ગ-4ના કર્મચારીની મદદ લેવામાં આવી હોવાનું પણ સામે આવ્યું છે. પોલીસે અજાણ્યા વ્યક્તિ સામે ગુન્હો દાખલ કરીને હાલ સીસીટીવી ફૂટેજ કબજે કરીને બેન્કના કર્મચારીઓની પૂછપરછ શરુ કરી છે અને બેન્ક મેનેજરને નોટીસ આપીને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે.
Source link