જૂનાગઢમાં એક જ સરખી નંબર પ્લેટ વાડી બે ટ્રાવેલ્સ આરટીઓ વિભાગે ઝડપી પાડી છે. પરિક્રમામાં ભાવિકોને લેવા મુકવા માટે આ બંને ટ્રાવેલ્સ આવી હોવાનું આરટીઓની તપાસમાં સામે આવ્યું હતું.
જુનાગઢમાં વાહન ચેકિંગ વખતે પકડાઈ બે ટ્રાવેલ્સ
આરટીઓ દ્વારા શિવશક્તિ અને શ્રીનાથ લખેલી બે ટ્રાવેલ્સ કે જેની એક જ સરખી નંબર પ્લેટ વાળી GJ-11-Z-O663 બે ટ્રાવેલ્સ પકડી પાડી છે. એટલું જ નહીં પરંતુ અગાઉ વલસાડ આરટીઓ દ્વારા આ જ નંબર પ્લેટ વાળી ત્રીજી ટ્રાવેલ્સ ડીટેઈન કરાયા હોવાનું પણ આરટીઓ તપાસમાં સામે આવ્યું છે. જુનાગઢ આવતા વાહનોના ચેકિંગ કરી રહ્યા હતા, તે સમયે એક જ નંબર પ્લેટ લગાવેલી બે ટ્રાવેલ્સ જોવા મળી હતી. જેને લઈ આરટીઓ અધિકારી અને પીઆઈ દ્વારા આ બંને ટ્રાવેલ્સને રોકી ડ્રાઈવરની પૂછપરછ કરવામાં આવી હતી.
તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો
ત્યારે શિવશક્તિ અને શ્રીનાથ લખેલી આ ટ્રાવેલ્સ એક જ નંબર પ્લેટની હોવાથી બંને ટ્રાવેલ્સને આરટીઓ કચેરી ખાતે લાવવામાં આવી હતી અને આરટીઓ દ્વારા તેની પૂછપરછ શરૂ કરવામાં આવી. જેમાં અગાઉ વલસાડ આરટીઓ દ્વારા પણ આ જ નંબર પ્લેટ લગાવેલી એક ટ્રાવેલ્સ ડીટેઈન કરાયાનું તપાસમાં ખુલ્યું હતું. ગુજરાતમાં પ્રથમ વખત એક જ નંબર પ્લેટ લગાવી ત્રણ ટ્રાવેલ્સ ચાલતી હોવાની બાબત સામે આવતા આરટીઓ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.
ટેક્સચોરી કરવા માટે ટ્રાવેલ્સ સંચાલકો આચરે છે કૌભાંડ
જુનાગઢ આરટીઓ દ્વારા પકડાયેલી બંને ટ્રાવેલ્સમાંથી કાયદેસર અને નિયમો મુજબની સાચી નંબર પ્લેટ વાળી ટ્રાવેલ્સને તપાસ કર્યા બાદ જવા દેવામાં આવી હતી તો બીજી તરફ ડુપ્લીકેટ નંબર લગાવી ટેક્સ ચોરી કરનાર ટ્રાવેલ્સ માલિક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે. જેમાં એક ગાડીના ચેસીસ નંબરની તપાસ કરતા એક બસના કાયદેસરના ચેસીસ નંબર જોવા મળ્યા હતા અને બીજી બસના ચેસીસ નંબર ન જણાઈ આવતા જુનાગઢ આરટીઓ કચેરી ખાતે લાવી બસને ડિટેઈન કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આમ, ટેક્સચોરી કરવા માટે ટ્રાવેલ્સ સંચાલકો દ્વારા આવા કૌભાંડ આચરતા હોવાનું ખુલ્યું છે અને પરિક્રમા દરમિયાન આ બંને ટ્રાવેલ્સ સામસામે આવી જતા તપાસ દરમિયાન સમગ્ર મામલાનો ઘટસ્ફોટ થયો હતો.
Source link