કાલોલ હાલોલ હાઈવે સ્થિત મધવાસ ચોકડી પાસે શનિવારે અજાણ્યા ક્રેઈન ચાલકે ગફ્લતભરી રીતે હંકારી જતાં ક્રેઈન વડે ટોઇંગ કરેલ મિક્ષર મશીન સહિત પાછલા ભાગેથી સાઈડમાં ચાલતી મોટરસાયકલને ટક્કર મારી દેતાં ફ્ંગોળાયેલ મોટરસાયકલ પર સવાર શહેરાના બાપ બેટાનું મોત નિપજ્યું હતું જ્યારે ઈજાગ્રસ્ત મોટરસાયકલ ચાલકને હાલ સારવાર હેઠળ રાખવામાં આવ્યો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર પંચમહાલ જિલ્લાના શહેરાના સિંધી બજારમાં રહેતા ભાનુપ્રસાદ કનુભાઈ પરમાર સુરત ખાતે ખાનગી કંપનીમાં નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવતા હોય ભાનુપ્રસાદ પરમાર 19 ઓક્ટોબરે સુરતથી વતન શહેરા આવ્યા હતા. ત્યારે બપોરે પોતાના સાત વર્ષિય પુત્ર સાથે હાલોલ તાલુકાના ઘનસરની મુવાડી ગામે રહેતા માસી સાસુને મળવા માટે પિતા પુત્ર ગયા હતા. જ્યાં સાંજે બન્ને શહેરા પરત ફરતા માસી સાસુના પુત્રએ બન્નેને શહેરા છોડી દેવા માટે ત્રણેય મોટરસાયકલ પર શહેરા તરફ્ જવા નીકળ્યા હતા. ત્યારે સાંજે મધવાસ ચોકડી પાસેથી પસાર થતા સમયે આગળ ક્રેઈન ચાલકે ગફ્લતભરી રીતે હંકારી જતાં સમયે ક્રેનનો પાછલો ભાગ મોટરસાયકલને અડફેટે લેતાં મોટરસાયકલ રોડ પર ફેંકાઈ જતાં મોટરસાયકલ પર સવાર ત્રણેય રોડ પર પટકાતાં ગંભીર ઇજાઓ પહોંચી હતી. જ્યારે અકસ્માત સર્જનાર ક્રેન ચાલક પોતાનું વાહન ઘટનાસ્થળે છોડીને ભાગી ગયો હતો. જેથી આસપાસના રાહદારીઓએ 108 એમ્બ્યુલન્સ મારફ્તે ત્રણેય ઈજાગ્રસ્તોને વડોદરા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં રાત્રીના સુમારે સારવાર દરમ્યાન પહેલા 7 વર્ષિય માસુમ ધનેશનું મોત નિપજ્યું હતું અને તેના થોડીવાર પછી પિતા ભાનુપ્રસાદ (ઉ.વ 36)નું પણ મોત નિપજ્યું હતું. જ્યારે માસી સાસુનો પુત્ર દલસુખભાઈ મકવાણા(રહે. ઘનસરની મુવાડી)ને ગંભીર હાલતમાં હાલ સારવાર હેઠળ રાખવામાં આવ્યા હતા. સમગ્ર અકસ્માત ઘટના અંગે કાલોલ પોલીસે બિનવારસી હાલતમાં ક્રેન છોડીને ફરાર અજાણ્યા ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
Source link