કાલોલ શહેરના ભાગ્યોદય અને ચામુંડા સોસાયટી વિસ્તારમાં સમગ્ર ચોમાસા દરમિયાન વીજળીના ધાંધિયાથી પરેશાન બનેલા નગરજનોએ એમજીવીસીએલ કચેરી ખાતે પહોંચી નાયબ ઈજનેરને મળીને ઉગ્ર રોષભરી રજુઆત કરી હતી.
કાલોલના અસરગ્રસ્ત એવા ભાગ્યોદય તથા ચામુંડા સોસાયટીના રહીશોના જણાવ્યા અનુસાર છેલ્લા ઘણા સમયથી વારંવાર વીજ પુરવઠો ખોરવાઈ જવાની હાલાકીઓનો સામનો કરી રહ્યા છે. જેમાં ચાલુ વર્ષે વરસાદી સિઝનમાં વારંવાર વીજ પુરવઠો ખોરવાઈ જવાને કારણે તેમજ આવે ત્યારે ઓછા વધારે વોલ્ટેજને પગલે ફ્રિઝ, ટીવી જેવા ઈલેક્ટ્રોનિક ઉપકરણો ખોટકાઈ જવાના બનાવો બની રહ્યા છે.
ભાગ્યોદય સોસાયટી સહિતના વિસ્તારોમાં ડેરોલ સ્ટેશનના ફીડરમાંથી વીજ પુરવઠો આપવામાં આવે છે, જ્યારે તેમની પાસે શહેરી વિસ્તારનો વીજ ચાર્જ વસૂલ કરાય છે. જેથી એમજીવીસીએલ વિભાગ દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં કાલોલ શહેરી ફ્ડિરોમાંથી વીજ પુરવઠો પૂરો પાડવામાં આવે અથવા ગ્રામ્ય વિસ્તારના ડેરોલ સ્ટેશન ફ્ડિરની વીજ લાઈનો દૂરસ્ત કરી વીજપુરવઠો નિયમિત કરી ગ્રામ્ય વિસ્તારનો ચાર્જ વસૂલવામાં આવે તેવી લેખિતમાં રજૂઆત કરાઈ હતી. અસરગ્રસ્તોએ એમજીવીસીએલ વિભાગ વિરુદ્ધ ન્યાયિક વળતરનો કોર્ટ કેસ કરવા ચીમકી ઉચ્ચારી હતી.
Source link