- મેગા હરાજી IPL ટીમોમાં મોટા ફેરફારો જોવા મળશે
- કેપ્ટન અને કોચને બદલવાની તૈયારીમાં ઘણી ટીમો
- કેએલ રાહુલ પાસેથી ટીમની છીનવાઇ શકે છે કેપ્ટન્સી
IPL 2025ની મેગા હરાજી પહેલા ટીમોમાં મોટા ફેરફારો જોવા મળશે. આ મેગા ઓક્શન પહેલા ઘણી ટીમો પોતાના કેપ્ટન અને કોચને બદલવાની તૈયારી કરી રહી છે, જેના કારણે ફ્રેન્ચાઈઝીના કેમ્પમાં સતત મંથન ચાલી રહ્યું છે. આ દરમિયાન લખનૌ સુપર જાયન્ટ્સની અંદરથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે આ વખતે ફ્રેન્ચાઇઝી સ્ટાર વિકેટકીપર બેટ્સમેન કેએલ રાહુલ પાસેથી ટીમની કેપ્ટન્સી છીનવાઇ શકે છે.
રાહુલ ટીમ સાથે જોડાયેલા રહેશે
એક રિપોર્ટમાં દાવો કરાયો છે કે IPLની આગામી સિઝન માટે લખનૌ સુપર જાયન્ટ્સ સ્ટાર વિકેટકીપર બેટ્સમેન કેએલ રાહુલને જાળવી રાખશે. તેને ટીમમાં જાળવી રાખવામાં આવશે પરંતુ તે આગામી સિઝનમાં ટીમના કેપ્ટનની ભૂમિકામાં રહેશે નહીં. રિપોર્ટ અનુસાર, કેએલ રાહુલ પોતે આ ભૂમિકા છોડી દેવા માટે તૈયાર છે કારણ કે તે પોતાના બેટથી ટીમ માટે શાનદાર પ્રદર્શન કરવા માંગે છે.
બેઠકમાં કેપ્ટન વિશે ચર્ચા થઈ
રિપોર્ટમાં ફ્રેન્ચાઈઝીના નજીકના સૂત્રોને ટાંકીને જણાવ્યું હતું કે CEO સંજીવ ગોએન્કાએ સોમવારે સત્તાવાર બેઠક યોજી હતી. જેમાં ટીમની કેપ્ટનશિપ અને રિટેન્શન જેવા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. ગોએન્કાને રાહુલ પર પૂરો વિશ્વાસ છે, તેથી તેઓ તેને એક ખેલાડી તરીકે ટીમમાં રાખવાના પક્ષમાં છે. પરંતુ ટીમની કમાન અન્ય કોઈ ખેલાડીને આપવા અંગે વિચારણા ચાલી રહી છે.
કોણ છે કેપ્ટનશિપની રેસમાં?
IPL-2025 માટે ટીમની કપ્તાની કોને સોંપવામાં આવશે તે અંગે પણ ચર્ચાઓ ચાલી રહી છે. રિપોર્ટ અનુસાર આ રેસમાં કૃણાલ પંડ્યા અને નિકોલસ પુરનનું નામ સૌથી આગળ છે.
ગયા વર્ષે થયો હતો મતભેદ
IPLની ગત એડિશનમાં કેએલ રાહુલની ટીમના માલિક સંજીવ ગોયન્કા સાથે ફેન્સની સામે ઝઘડો થયો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર, એલએસજીના માલિકો રાહુલની કેપ્ટનશિપથી ખુશ ન હતા કારણ કે લખનૌ સુપર જાયન્ટ્સ સારી સ્થિતિમાં હોવા છતાં પ્લેઓફ માટે ક્વોલિફાય કરી શકી ન હતી.