ઉદ્યોગપતિ ગૌતમ અદાણી પર અમેરિકામાં રોકાણકારોને છેતરવાનો આરોપ છે. અદાણી પર ભારતીય ઉપખંડમાં સોલાર પ્રોજેક્ટ્સ માટે કોન્ટ્રાક્ટ મેળવવા અને ભંડોળ મેળવવા માટે મોટા પાયે લાંચ આપવાનો આરોપ છે. હવે આ મામલે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની પ્રતિક્રિયા સામે આવી છે. રાહુલગાંધીએ આ મામલે ગૌતમ અદાણીની ધરપકડ થવી જોઇએ તેમ જણાવ્યું.
સંસદમાં મુદ્દો ઉઠાવીશું- રાહુલ ગાંધી
રાહુલ ગાંધીએ આ મામલે જણાવ્યું કે અમે આ મુદ્દાને સંસદમાં ઉઠાવીશું. અદાણી હજુ જેલની બહાર કેમ છે. અદાણીની ધરપકડ થવી જોઇએ. વધુમાં કહ્યું કે મને આશ્ચર્ય થાય છે કે અદાણી આ દેશમાં આઝાદ માણસની જેમ કેમ ફરે છે. મુખ્યમંત્રીઓની ધરપકડ કરવામાં આવે છે પણ અદાણીએ જે દેખીતી રીતે રૂ. 2000 કરોડનું કૌભાંડ કર્યું છે અને સંભવતઃ અન્ય ઘણા કૌભાંડો કર્યા છે તેમ છતાં તેઓ ડર્યા વિના દેશમાં ફરી રહ્યા છે.
સત્ય સામે આવીને રહેશે- રાહુલ ગાંધી
રાહુલગાંધીએ વધુમાં કહ્યું કે માધવી બુચની પણ તપાસ થવી જોઈએ. માધવી બુચને પદ પરથી હટાવવા જોઈએ. વધુમાં કહ્યું કે આ આરોપ મારા નથી, અમેરિકાની એજન્સીના છે. જ્યાં ભ્રષ્ટાચાર થયો છે ત્યાં લોકોને પકડો. ભ્રષ્ટાચારની તપાસ થવી જોઈએ. તેમણે એમ પણ કહ્યું કે સત્ય તો સામે આવીને રહેશે અમે પીછો નહીં છોડીએ.