બેઠકને લઇને સીએમ મમતા બેનર્જીએ જણાવ્યું કે ડોક્ટર્સની શું માગો છે તે વિશે જાણ્યુ અને તેમાંથી કેટલીક માગો પર સહમતિ સાધવામાં આવી છે. તેમણે કહ્યું કે જુનિયર ડોક્ટર્સની 5 માગો હતી. પહેલી હતી કે આ મામલાની તપાસ સીબીઆઈ દ્વારા થવી જોઈએ, જે થઈ રહ્યું છે. આ સિવાય તેમની 4 માંગણીઓ હતી, જેમાં એક એવી હતી કે DME, DHS અને હેલ્થના પ્રિન્સિપલ સેક્રેટરીને હટાવવામાં આવે. અમે તેમને સમજાવ્યું કે બધાને એકસાથે દૂર કરવામાં આવે તો વહીવટ કેવી રીતે ચાલશે. તેમની માંગણીઓ અનુસાર અમે ડીએમઈ, ડીએચએસને હટાવવાનો નિર્ણય લીધો છે.
પોલીસ બેડામાં કરાયા આ ફેરફારો
આ સાથે તેમણે વધુમાં કહ્યું કે તેમની આગામી માગ છે કે સીપી વિનીત ગોયલને હટાવવા જોઈએ. વિનીત ગોયલે બેઠકમાં કહ્યું કે તેઓ પદ પરથી હટી જશે. વિનીત આવતીકાલે સાંજે 4 વાગ્યા પછી નવા સીપીને ચાર્જ સોંપશે. આવતીકાલે નવા સીપી અને પોલીસમાં કેટલાક વધુ ફેરફારો થશે જેના વિશે મુખ્ય સચિવ સાંજે 4 વાગ્યા પછી માહિતી આપશે. અમે તેમની 4માંથી 3 માંગણીઓ સ્વીકારી છે. ડીસી નોર્થને પણ દૂર કરવામાં આવશે અને આવતીકાલે નવા ડીસી અંગે નિર્ણય લેવામાં આવશે. આ સિવાય સુરક્ષા પર પણ સંપૂર્ણ ધ્યાન આપવામાં આવશે.
અમે મોટા ભાગની માગણી સ્વીકારી – મમતા બેનર્જી
મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પણ કહ્યું કે અમે જુનિયર ડોક્ટરોની વાત સાંભળી. અમે તેમને આરોગ્ય વિભાગ અને પોલીસ વિભાગમાં જે ફેરફારો અને ન્યાયની માંગણી કરી હતી તે આપવાનો પ્રયાસ કર્યો હતો. અમે સીપી બદલવાનો નિર્ણય કર્યો છે. આરોગ્ય વિભાગમાં તેમણે 3 અધિકારીઓને હટાવવાની વાત કરી હતી જેમાંથી અમે 2 અધિકારીઓને હટાવવા સંમતિ આપી છે. અમે તેમની 99 ટકા માંગણીઓ સ્વીકારી લીધી છે.
બેઠક બાદ ડોક્ટરોએ શું કહ્યું?
ઉલ્લેખનીય છે કે આંદોલનકારી તબીબોનો વિરોધ હજુ ચાલી રહ્યો છે. તેમનું કહેવું છે કે જ્યાં સુધી માંગણીઓ નહીં સંતોષાય ત્યાં સુધી કામ બંધ અને પ્રદર્શન ચાલુ રહેશે. ડોક્ટરોએ કોલકાતા પોલીસ કમિશનર વિનીત ગોયલને હટાવવાને નૈતિક જીત ગણાવી હતી. આંદોલનકારી ડોકટરે કહ્યું કે જ્યાં સુધી મુખ્યમંત્રીએ આપેલા વચનો પૂરા નહીં થાય ત્યાં સુધી અમે અમારું કામ બંધ રાખીશું અને સ્વાસ્થ્ય ભવનમાં વિરોધ ચાલુ રાખીશું. અમે મંગળવારે સુપ્રીમ કોર્ટમાં આરજી કર રેપ-મર્ડર કેસની સુનાવણીની પણ રાહ જોઈ રહ્યા છીએ. જે બાદ વિરોધ કરવો કે રોકવો તે અંગે નિર્ણય લેવાશે.