- કોલકાતામાં મહિલા ટ્રેની ડોક્ટરના મોતનો મામલે
- રેસિડેન્ટ ડોક્ટર્સની દેશવ્યાપી હડતાળ
- ઠેર ઠેર કરવામાં આવી રહ્યા છે વિરોધ પ્રદર્શન
કોલકાતાની આર.જી કર મેડિકલ કોલેજમાં મહિલા ડૉક્ટર સાથે કરવામાં આવેલી નિર્દયતાથી દેશભરના ડૉક્ટરો ગુસ્સે છે. દિલ્હી, રાંચી, જયપુર સહિત દેશના વિવિધ ભાગોમાં ડોક્ટરો રસ્તા પર ઉતરી આવ્યા છે. આ કેસમાં મમતા સરકાર બેકફૂટ પર આવી ગઇ છે. બીજેપી આ કેસની તપાસ સીબીઆઈને સોંપવાનું કહી રહી છે ત્યારે સીએમ મમતાએ કહ્યું છે કે આરોપીઓને ફાંસી આપવામાં આવે. આ ગંભીર મામલામાં કાયદાકીય કાર્યવાહીની સાથે રાજકારણ પણ એટલુ જ તેજ બની રહ્યુ છે. ત્યારે આ મામલે બીજેપી નેતા સુંધાશુ ત્રિવેદીએ પ્રેસ કોન્ફરન્સ સંબોધીને મમતા સરકાર સામે સવાલો કર્યા.
પ્રિન્સિપાલ પ્રત્યે સહાનુભૂતિ કેમ ?
સુધાંશુ ત્રિવેદીએ પ્રેસ કોન્ફરન્સ કરતા આ મામલે જણાવ્યું કે કોલકાતાની ઘટનામાં જે રીતે આરોપીઓને સંરક્ષણ આપવામાં આવી રહ્યુ છે તે ઘણુ દુઃખદ છે. જે રીતે પ્રિન્સિપાલ (આર.જી કર)ને 24 કલાકની અંદર બીજી કૉલેજના પ્રિન્સિપાલ બનાવવામાં આવ્યા, તે બંગાળ સરકારનું સમર્થન દર્શાવે છે. આનાથી બંગાળ સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલી તપાસ પર શંકા ઉદ્ભવે છે.
ટીએમસી સરકારને કર્યો સવાલ
તેમણે મમતા બેનર્જીને સવાલ કરતા કહ્યું કે હું પૂછવા માંગુ છું કે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી શા માટે તે આચાર્ય પ્રત્યે સહાનુભૂતિ ધરાવે છે ? મારો સીધો પ્રશ્ન ટીએમસી સરકારને છે કે આટલા દિવસો શા માટે આપવામાં આવે છે. શું કોઇ હેરફેર કરવા માટે ? સંદેશખાલીની ઘટનામાં આપણે આ જોયું છે. દેશની સર્વોચ્ચ તપાસ એજન્સી (CBI)ને તપાસ કેમ સોંપવામાં આવી નથી?…ઇન્ડિ ગઠબંધનના પક્ષો પરસ્પર અપરાધી તત્વોને ગુનાહિત કવચ પૂરું પાડી રહ્યા છે.
આ મામલે શું બોલ્યા મમતા બેનર્જી ?
મહત્વનુ છે કે ગઇકાલે સીએમ મમતા બેનર્જીએ પરિવાર સાથે મુલાકાત કર્યા બાદ મીડિયા સાથે વાતચીત કરતા પોલીસને કડક ચેતવણી આપી હતી. તેમણે કહ્યું કે જો રવિવાર 18 ઑગષ્ટ સુધી કેસનો ઉકેલ નહી આવે તો અમે આ કેસ સીબીઆઇને સોંપી દઇશું.
પીડાદાયક અને આઘાતજનક ઘટના
મમતા બેનર્જીએ વધુમાં કહ્યું હતું કે કે અમે કેસની તપાસ માટે ડોગ સ્ક્વોડ, વિડિયો વિભાગ અને ફોરેન્સિક વિભાગને તૈનાત કર્યા છે. જો કોલકાતા પોલીસ રવિવાર સુધીમાં કેસનો ઉકેલ લાવવામાં નિષ્ફળ રહી તો અમે કેસ સીબીઆઈને સોંપી દઇશું. વધુમાં જણાવ્યું કે આ ખૂબ જ દર્દનાક ઘટના છે. આ મામલામાં જે પણ સામેલ છે તેને તાત્કાલિક સજા મળવી જોઈએ. અમે ઇચ્છીએ છીએ કે આ કેસની સુનાવણી ઝડપથી થાય જેથી ન્યાયિક પ્રક્રિયા ઝડપી બનશે. હું આઘાતમાં છું કે હોસ્પિટલમાં નર્સો અને સુરક્ષા કર્મચારીઓની હાજરી હોવા છતાં આ ઘટના બની. તેમણે આ ઘટનાને પીડાદાયક અને આઘાત જનક ગણાવતા કહ્યું કે પીડિતાના માતા-પિતાએ આરોપ લગાવ્યો છે કે આ ગુનામાં કોઇ અંદરનું વ્યક્તિ પણ સામેલ છે.