લખતર તાલુકાના ઈંગરોળી ગામની સીમમાં આવેલ એક ખેતરના ભાગીયાએ ખેતરમાં વાવેતર કરેલ એરંડામાં જંતુનાશક દવાનો છંટકાવ કર્યો હતો. જેની અસરથી આસપાસના 8 ખેતરોમાં 100 વીઘાથી વધુ કપાસના પાકને વીપરીત અસર થતા પાંદડા કોકડુ વળી જતા પાક નીષ્ફળ ગયો હોવાની ખેડૂતોએ સુરેન્દ્રનગર જિલ્લા ખેતીવાડી વિભાગને રજૂઆત કરી છે.
લખતરના ઈંગરોળી ગામે આવેલ એક ખેતર મુળ પાટડી તાલુકાના લીંબડ ગામના લાલાભાઈ ચંદુભાઈ સાંકોડીયા ભાગવી રાખી ખેતી કરે છે. હાલ તેઓએ ખેતરમાં એરંડામાં વાવેતર કર્યુ છે. ત્યારે તેઓએ ખેતરમાં 2-4 ડી ઈથીલ એસ્ટર 38 ટકા ઈસી વીન્ડમાર-38 નામની જંતુનાશક દવાનો એરંડાના પાક પર છંટકાવ કર્યો હતો. આ જંતુનાશક દવાની આડ અસરથી આસપાસના ખેતરોમાં વાવેતર કરેલ 100 વીઘાથી વધુ કપાસના પાકને નુકશાન થયુ છે. આ અંગે ખેડૂતો લાલજીભાઈ મુળજીભાઈ પટેલ, વિપુલભાઈ ઠાકરશીભાઈ પટેલ, રસુલખાન સુમરાજી મલેક, કલ્યાણભાઈ હરજીભાઈ, બચુભાઈ મંગાભાઈ, ઠાકરશીભાઈ મંગાભાઈ, વાસુદેવભાઈ દેવજીભાઈ, મહેન્દ્રભાઈ દેવજીભાઈ સહિતનાઓએ જિલ્લા ખેતીવાડી વિભાગની કચેરીએ લેખીત રજૂઆત કરી છે. આ રજૂઆતમાં જણાવાયા મુજબ પોતાના એરંડાના પાકમાં લાલાભાઈ સંકોડીયાએ દવા છાંટતા અમારા 100 વીઘાથી વધુ કપાસના પાકને અસર થઈ છે. જેમાં છોડના પાંદડા કોકડુ વળી ગયા છે અને પાક નીષ્ફળ ગયો છે. આથી આ અંગે યોગ્ય કાર્યવાહી કરવા રજૂઆતના અંતે માંગણી કરાઈ છે.
Source link