NATIONAL

NCRમાં પરાળી બાળવા સામે CAQMની સૂચના, અધિકારીઓ સામે પણ થશે કાયદેસરની કાર્યવાહી

કેન્દ્રના કમિશન ફોર એર ક્વોલિટી મેનેજમેન્ટ (CAQM)એ જિલ્લા વહીવટીતંત્રો અને રાજ્ય સરકારોને પાક કાપણીના મોસમ દરમિયાન ડાંગરના ભૂસાને બાળવા સામે તકેદારી વધારવાનો નિર્દેશ આપ્યો છે. આ અંતર્ગત જિલ્લા મેજિસ્ટ્રેટને દિલ્હી, પંજાબ, હરિયાણા અને ઉત્તરપ્રદેશ અને રાજસ્થાનના NCR વિસ્તારોમાં પરાળી બાળવા પર પ્રતિબંધનું પાલન કરવાનું કહેવામાં આવ્યું છે. તેમ કરવામાં નિષ્ફળ રહેલા અધિકારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવાનો અધિકાર પણ આપવામાં આવ્યો છે.

પંજાબ અને હરિયાણામાં 26 કેન્દ્રીય ટીમો તૈનાત

દિલ્હી-NCRમાં વાયુ પ્રદૂષણને અંકુશમાં લેવા માટે વ્યૂહરચના તૈયાર કરનારા CAQMએ કહ્યું કે, 15 સપ્ટેમ્બરથી 9 ઓક્ટોબરની વચ્ચે પંજાબમાં 267 અને હરિયાણામાં 187 પરાળી બાળવાની ઘટનાઓ નોંધાઈ હતી. CAQMએ પંજાબ અને હરિયાણામાં 26 કેન્દ્રીય ટીમો તૈનાત કરી છે. આ ઉપરાંત સંકલિત કાર્યવાહી અને દેખરેખ માટે ડાંગરના સ્ટ્રો મેનેજમેન્ટ સેલની સ્થાપના કરવામાં આવી છે.

બેદરકારી દાખવનાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવા આદેશ

CAQMએ જણાવ્યું હતું કે, NCR અને આસપાસના વિસ્તારોમાં એર ક્વોલિટી મેનેજમેન્ટ માટેના કમિશને NCR, પંજાબ, હરિયાણા, રાજસ્થાન અને ઉત્તરપ્રદેશના જિલ્લા અધિકારીઓને પરાળી સળગાવવાના મામલામાં નિષ્ક્રિયતા માટે અધિકારીઓ સામે કાર્યવાહી કરવા માટે સત્તા આપી છે.

પરાળી બાળવા પર અંકુશ મૂકવા સૂચના

એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ‘વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અને ક્ષેત્રીય સ્તરે કાર્ય યોજનાઓના અસરકારક અમલીકરણની ખાતરી કરવા માટે CAQMએ પંજાબ, હરિયાણા, દિલ્હી અને રાજસ્થાન તથા ઉત્તરપ્રદેશના NCR વિસ્તારોના જિલ્લા મેજિસ્ટ્રેટને તેમના સંબંધિત અધિકારક્ષેત્રમાં પરાળી બાળવા પર અંકુશ મૂકવા સૂચના આપી છે, સાથે જ અધિકારીઓની નિષ્ક્રિયતાના કિસ્સામાં અધિકારક્ષેત્ર ધરાવતા ન્યાયિક મેજિસ્ટ્રેટ સમક્ષ ફરિયાદ દાખલ કરવા માટે પણ અધિકૃત કરવામાં આવ્યા છે.

ચંદીગઢમાં પણ સ્પેશિયલ સેલની સ્થાપના કરાઈ

CAQMએ પણ જિલ્લા વહીવટી તંત્ર અને રાજ્ય સરકારોને પાક કાપણીની મોસમ દરમિયાન સતર્ક રહેવા જણાવ્યું છે. CAQMએ પંજાબ અને હરિયાણાના મુખ્ય જિલ્લાઓમાં 26 કેન્દ્રીય ટીમો તૈનાત કરી છે જેથી સ્થાનિક અધિકારીઓને પરાળીના મેનેજમેન્ટ માટે તમામ ઉપલબ્ધ સંસાધનોનો ઉપયોગ કરવામાં મદદ મળે. આ પ્રયાસો પર ઝીણવટભરી નજર રાખવા માટે ચંદીગઢમાં એક વિશેષ સેલની પણ સ્થાપના કરવામાં આવી છે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button