ગળતેશ્વર તાલુકાના થર્મલ વિસ્તારમા દીપડાનો આતંક ધીમે ધીમે વધી રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી કોતર વિસ્તારમાંથી દીપડો સીમ વિસ્તારમાં ખોરાકની શોધમાં આવતા હોવાની ઘટના જોવા મળી રહી છે.
ત્યારે ગળતેશ્વરના સાંગોલના સીમ વિસ્તારમા છાપરું બાંધીને વસવાટ કરતા એક પરિવારને ત્યાં બાંધેલ એક પશુ પર દીપડાએ હુમલો કરી વધુ એક પશુનું મારણ કર્યું છે અને દીપડાના ફૂટપ્રિન્ટ પણ મળ્યા છે. જેથી લોકોમાં વધુ ભયનો માહોલ છવાયો છે.
ગળતેશ્વર તાલુકાના થર્મલ પાવર સ્ટેશન વિસ્તારમા છેલ્લા કેટલાક દિવસોથી દીપડાની દહેશતના કારણે રહીશોમાં ભય ફેલાયેલો છે. જેમાં દીપડાએ ગ્રામ્ય વિસ્તારોમાં પશુઓના મારણ પણ કર્યા છે. ત્યારે સાંગોલ સીમ વિસ્તારમા દીપડાએ વધુ એક પશુનું મારણ કરતાં પશુપાલકોમાં ફ્ફ્ડાટ જોવા મળી રહ્યો છે. બે અઠવાડિયામાં આ દીપડાએ ટેકરાના મુવાડા, કૂણી કોતર વિસ્તાર, દોલતપુરા અને સાંગોલ જેવા વિસ્તારોમા થઈને 4 પશુઓના મારણ કર્યા છે. ત્યારે વન વિભાગ નક્કર કામગીરીમાં નિષ્ફ્ળ નીવડયું હોય તેવું સ્થાનિકોને લાગી રહ્યું છે. ત્યારે જો વન વિભાગ નક્કર કામગીરી કરી દીપડાને પાંજરે નહીં પૂરે તો આગામી દિવસોમાં દીપડો માનવ વસ્તીમાં ધસી આવશે અને માણસો અને ખેડૂતો પર હુમલા કરે તો નવાઈ નહીં. માટે તાલુકા તેમજ જિલ્લા વન વિભાગ દીપડાને પાંજરે પૂરે એ જરૂરી છે. દીપડાએ અત્યાર સુધી 4 જેટલાં પશુનું મારણ કરતાં હવે લોકોમાં વધુ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે દીપડાને પાંજરે પુરવા માટે લોકો માંગ કરી રહ્યા છે. અત્યાર સુધી વન વિભાગ દ્વારા બે પાંજરા થર્મલ પાવર સ્ટેશન વિસ્તારમા મુક્યા હતા. પરંતુ સાંગોલમા પશુનું મારણ થતા થર્મલથી એક પાંજરું શિફ્ટ કરી સાંગોલમા મૂક્યું છે.દીપડો અલગ અલગ વિસ્તારમા ફરી રહ્યો છે અને પશુના મારણ કરી રહ્યો છે ત્યારે વન વિભાગની ટીમે માત્ર બે પાંજરા મૂકી સંતોષ માન્યો છે. છેલ્લા બે અઠવાડીયાથી અલગ અલગ વિસ્તારમા લટાર મારતો દીપડો વન વિભાગને હંફવી રહ્યો છે. ત્યારે વન વિભાગની કામગીરી પર પણ અનેક સવાલો ઉઠયા છે. ત્યારે લોકો પર હુમલો કરે તે પહેલા વન વિભાગ આ દીપડાને વહેલી તકે પાંજરે પુરે તે હવે જરૂરી બન્યું છે.
હવે સાંગોલ વિસ્તારમાં પાંજરું મુકાયું
આ બાબતે ઠાસરા રેન્જના આરએફ્ઓ વિજય પટેલનો ટેલિફેનિક સંપર્ક સાધતા તેઓએ જણાવ્યું હતું કે સાંગોલમા દીપડાએ એક પશુનું મારણ કર્યું છે. અને હવે આ વિસ્તારમા દીપડો વધુ ફ્રતો હોવાનું જણાતા અમે એક પાંજરું થર્મલથી શિફ્ટ કરી સાંગોલ વિસ્તારમા મૂક્યું છે. દીપડો એક જગ્યા પર છે નહીં સતત મુવમેન્ટ કર્યા કરે છે અને પાંજરાની નજીક પણ આવતો ન હોવાનું જણાવ્યું હતું.
Source link