સુરત જિલ્લાના છેવાડાના ઉમરપાડા તાલુકાનાં સટવાણ સહિત આઠથી નવ ગામડાંઓમાં મંગળવારે વહેલી સવારે ભૂકંપનાં હળવા આંચકા અનુભવાતા લોકોમાં દહેશત વ્યાપી ગઈ હતી. સુરત જિલ્લાનાં ઉમરપાડા તાલુકામાં 1500 જેટલી વસ્તી ધરાવતા સટવાણ ગામે મંગળવારે વહેલી સવારે 6:04 કલાકે લોકો મીઠીં નિંદર માણી રહ્યા હતા.
ત્યારે અચાનક ઘરમાં મુકેલા વાસણો, જાળીઓ સહિત ઘરનો સરસામાન ખખડવાનું શરૂ થયો હતો. લોકો ભૂકંપનાં હળવા આંચકા અનુભવતા ઘરોની બહાર નિકળી ગયા હતા. આવો જ અનુભવ ઉમરપાડા અને આસપાસના ઉમરગોટ, નાનાસુખડકા, હલધરી, વડપાડા, ચિમીપાતલ, ચવડા, ખોટારામપુરા, દીવતણ અને જુમાવાડી જેવા ગામડાંઓમાં પણ થયો હતો. આદિવાસી વસ્તી ધરાવતા ઉમરપાડામાં રહેતા વૃદ્ધ લોકોનાં જણાવ્યા અનુસાર ઉમરપાડાનાં સટવાણ સહિત અન્ય ગામડાંઓમાં સૌપ્રથમવાર ભૂકંપનાં આંચકાની અસર વર્તાઇ છે. ભૂકંપનું કેન્દ્ર બિન્દુ તાલુકાનાં સટવાણ ગામ હોવાનું સ્થાનિક તંત્ર દ્વારા જાણવા મળ્યું છે.
જોકે સમગ્ર ગંભીર ઘટનાની જાણ થતા ઉમરપાડા તાલુકા વિકાસ અધિકારી, મામલતદાર સહિતના અધિકારીઓને થતાં તેઓ સટવાણ ગામે દોડી ગયા હતા. આ ઘટનામાં કોઇ જાનહાની કે જાનમાલને નુકસાન થયાનું જાણવા મળ્યું નથી. ઉમરપાડા અને માંગરોળનાં ધારાસભ્ય ગણપત વસાવાને હળવા ભૂકંપની જાણ થતા તેમણે સ્થાનિક વહીવટી તંત્ર પાસેથી સમગ્ર ભૂકંપની ઘટનાં અંગેની જાણકારી મેળવી અધિકારીઓ સાથે પરામર્શ કરી જરુરી સુચનાઓ આપી હતી.
Source link