વિરમગામના વોર્ડ નં.1 ભોજવામાં પાણીનો બોર બંધ થવાથી છેલ્લા એક સપ્તાહથી લોકોને ઘર વપરાશ તેમજ પીવાના પાણી માટે વલખાં પડતા હોવા સાથે પાલિકા તંત્રના અણઘડ વહીવટના કારણે લાખોનો ખર્ચ પાણીમાં ગયાની લોક રાવ છે.
શહેરમાં 7 હજાર વસ્તી ધરાવતા ભોજવા વિસ્તારમાં ચબુતરા પાસે ત્રણેક વર્ષ પહેલાં રૂ. 10 લાખના ખર્ચે પાણીનો બોર બનાવવામાં આવ્યો હતો. પરંતુ તેને ઢાંકણ બંધ કરાયુ ન હતું અને ખુલ્લો મુકી દેવાયો હતો. બાદમાં દોઢ વર્ષ પછી લાઇટ જોડાણ અપાયુ હતુ. જેથી બોરનો વપરાશ નહીં થવાથી તેમજ કચરો જવાથી આ બોર ફેલ ગયો હતો અને તંત્રના વાંકે લાખો રૂપિયા ભુગર્ભ પાણીમાં વહી ગયા હતા. બસ સ્ટેન્ડ પાસે જુનો બોર ચાલુ હતો. એ પણ તાજેતરમાં બંધ થતા બસ સ્ટેન્ડ પાસેના વિસ્તાર, નવુ પરું, દરબાર વાસ, નીલકંઠ સોસાયટી વિસ્તાર, પ્રાથમિક શાળા વિસ્તાર સહિત અડધી પ્રજાને તાજેતરમાં પાણીની સમસ્યા સર્જાઈ છે. જેથી પોષણ વાળા લોકો પીવાના મિનરલ પાણી કેરબા મંગાવે છે. તો અન્ય કોઈના સીમ ખેતરોમાંથી અથવા પોતાના ખેતરમાં પાણીની વ્યવસ્થા હોય ત્યાંથી પાણી ભરી ભરીને લાવવા પડે છે. દિવસે ટ્રેકટરથી પાણી આવે છે. પરંતુ તે પુરતુ નહીં હોવાથી સ્થાનિકોની હાલત કફોડી બની છે.
Source link