મહારાષ્ટ્રના પુણેમાં પાણીની ટાંકી ફાટવાથી ચાર મજૂરોના મોત થયા છે. જ્યારે સાત લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ ઘટના તે સમયે બની જ્યારે કામદારો સ્નાન કરી રહ્યા હતા. મળતી માહિતી મુજબ આ પાણીની ટાંકી ત્રણ દિવસ પહેલા જ બનાવવામાં આવી હતી. ત્યાં હાજર કર્મચારીઓએ જણાવ્યું કે, પાણીના પ્રેશરથી ટાંકી ફાટી હતી. ઘટનાની માહિતી મળતા જ પોલીસ, એસઆરપીએફ અને ફાયર બ્રિગેડ તેમજ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા.
પાણીની ટાંકીના કાટમાળ નીચે દબાઈ જવાથી ચાર મજૂરોના મોત
પુણે શહેરના ભોસારીમાં સવારે 6 વાગ્યાની આસપાસ પાણીની ટાંકી ફાટતા દુર્ઘટના સર્જાઈ હતી. આ દુર્ઘટનામાં પાણીની ટાંકીના કાટમાળ નીચે દબાઈ જવાથી ચાર મજૂરોના મોત થયા હતા. જ્યારે 7 લોકો ઘાયલ થયા છે. ઘાયલોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પોલીસે કેસ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે હાજર છે.
ઘાયલોને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા
આ ઘટના બાદ ત્યાં ચકચાર મચી ગઈ હતી. મૃતકોના મૃતદેહનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો છે. ઘાયલ કામદારોને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ મજૂરો ક્યાંથી આવ્યા? લેબર કેમ્પ કોણે બનાવ્યા? લેબર કોન્ટ્રાક્ટર કોણ છે? હાલ પોલીસ તેની તપાસ કરી રહી છે. આ માહિતી DCP સ્વપ્ના ગોરે આપી છે. મૃતક અને ગંભીર રીતે ઘાયલ થયેલા મજૂરોના નામ હજુ સ્પષ્ટ થયા નથી.
એક હજારથી વધુ મજૂરો રહે છે અહીંયા
ભોસારીના સદગુરુનગર સ્થિત લેબર કેમ્પમાં એક હજારથી વધુ મજૂરો રહે છે. કામદારોને સવારે વહેલા ઉઠીને કામ પર જવું પડે છે. આજે સવારે 6 વાગ્યાના સુમારે કેટલાક કામદારો ટાંકીમાંથી પાણી ભરીને સ્નાન કરી રહ્યા હતા. ત્યાર બાદ ટાંકી ફાટી અને કામદારો તેની નીચે ફસાઈ ગયા. જેમાં ચાર લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા અને સાત ગંભીર રીતે ઘાયલ થયા હતા. જેમાંથી બેની હાલત ગંભીર હોવાનું પોલીસે જણાવ્યું છે.
નબળી સામગ્રીથી બનેલી ટાંકી
સ્થાનિક લોકોએ જણાવ્યું કે, ટાંકીની દિવાલ ઘણી નબળી હતી જે પાણીનું દબાણ સહન કરી શકતી ન હતી અને પરિણામે દિવાલ ધરાશાયી થઈ હતી. બિલ્ડરે ટાંકીના બાંધકામમાં હલકી ગુણવત્તાની સામગ્રીનો ઉપયોગ કર્યો હતો. જેના કારણે આ અકસ્માત થયો હતો. હાલ પોલીસ આ મામલાની ગંભીરતાથી તપાસ કરી રહી છે.
Source link