મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં ઘણી બધી બેઠકો પર રોમાંચક મુકાબલો થવાની શક્યતા છે. મુખ્યમંત્રી એકનાથ શિંદેના નેતૃત્વવાળા શિવસેના જૂથે રાજ્યસભાના સાંસદ મિલિંદ દેવડાને વરલીની બેઠકની ટિકિટ આપી છે.
દેવડાનો સામનો શિવસેના (યુબીટી)ના ઉમેદવાર આદિત્ય ઠાકરે સાથે થશે. આ ઉપરાંત મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાએ પણ પોતાનો ઉમેદવાર ઉતાર્યો હોવાથી અહીં ત્રિપાંખિયો જંગ ખેલાશે. આગામી વિધાનસભા ચૂંટણી માટે આદિત્ય ઠાકરેએ ઉમેદવારી નોંધાવ્યાના બીજા દિવસે શિવસેના (શિંદે જૂથ)એ દેવડાના નામની જાહેરાત કરી છે. મિલિંદ દેવડા અત્યારે રાજ્યસભા સાંસદ છે અને દક્ષિણ મુંબઈથી ત્રણ વાર સાંસદ રહ્યા છે. લોકસભા ચૂંટણી દરમિયાન વરલી ચૂંટણીક્ષેત્ર સંભાળવાની જવાબદારી દેવડાને મળી હતી. આદિત્યનું ક્ષેત્ર હોવા છતાં વરલી વિધાનસભામાં યુબીટીને માત્ર 6,500 મતોની સરસાઈ મળી હતી. વરલીની બેઠક પર મિલિંદ દેવડા અને આદિત્ય ઠાકરેનો સામનો મનસેના સંદીપ દેશપાંડે સાથે પણ થશે, તેમને મનસેએ ટિકિટ આપી છે. આ બધું જોતાં વરલીની બેઠક પર સૌથી વધારે રસાકસી રહેવાની શક્યતા છે.
મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી આદિત્ય ઠાકરેએ ગુરુવારે દક્ષિણમધ્ય મુંબઈના વરલી વિધાનસભા ક્ષેત્ર પર પોતાની ઉમેદવારી નોંધાવી હતી. મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના પુત્ર આદિત્યએ પોતાની ઉમેદવારી નોંધાવતાં પહેલાં રોડ શો કર્યો હતો. તેમણે લોઅર પરેલના એક મંદિરમાં પૂજાઅર્ચના પણ કરી હતી. આ પ્રસંગે આદિત્ય ઠાકરેએ પત્રકારોને કહેલું કે, લોકસભા ચૂંટણી દરમિયાન મહારાષ્ટ્રના લોકોને અનુભૂતિ થઈ ગઈ છે કે ભાજપ ખોટા વાયદાવાળી પાર્ટી છે.
Source link