મૂર્તિકાર જયદીપ આપ્ટેની મહારાષ્ટ્રના કલ્યાણથી ધરપકડ કરવામાં આવી છે. આપ્ટેએ માલવણ સ્થિત રાજકોટ કિલ્લામાં છત્રપતિ શિવાજી મહારાજની 35 ફૂટ ઊંચી મૂર્તિ બનાવી હતી જે ગત 26 ઓગસ્ટના રોજ તૂટી ગઇ હતી. મહારાષ્ટ્રની વિપક્ષી પાર્ટીઓએ તે ઘટનાનો જોરદાર વિરોધ કર્યો હતો. મૂર્તિના નિર્માતાને પકડવા માટે પોલીસે પાંચ ટીમ બનાવી હતી. આપ્ટે એક અઠવાડિયા કરતા પણ વધારે સમયથી ફરાર હતો અને તેની સામે લૂક આઉટ સર્ક્યુલર પણ જારી કરાયુ હતું.
4 સપ્ટેમ્બરની રાત્રે આપ્ટેની ધરપકડ તે વખતે કરાઇ હતી જ્યારે તે પોતાના પરિવારને મળવા માટે આવ્યો હતો.
અહેવાલો અનુસાર આપ્ટે માસ્ક પહેરીને અંધારામાં પોલીસથી બચતો પોતાની પત્ની અને માતાને મળવા માટે પોતાના ઘરે પહોંચ્યો હતો. પરંતુ ત્યાં ફરજ બજાવી રહેલા પોલીસકર્મીઓને શંકા જતા તેને અટકાવીને તેની પૂછપરછ કરી હતી અને તે આપ્ટે હોવાનું જણાતા તેની ધરપકડ કરી હતી. આપ્ટેના પરિવારના અનુસાર તે 26 ઓગસ્ટે માલવણ જવા માટે નીકળ્યો હતો અને ત્યારબાદથી તેનો પરિવાર સાથે કોઇ સંપર્ક નહોતો. પોલીસ તેને પકડવા માટે તપાસ કરી રહી હતી.
આપ્ટેની ધરપકડ કે સરેન્ડર?
જયદીપ આપ્ટેની ધરપકડ બાદ તેમના વકીલ ગણેશ સોવનીએ દાવો કર્યો હતો કે આપ્ટેએ સ્વયં જ પોલીસ સામે સરેન્ડર કર્યુ છે. વકીલે દાવો કર્યો હતો કે રાજ્યના ગરમ થઇ રહેલા રાજકીય વાતાવરણને જોતા આપ્ટેના પરિવારે તેમના સરેન્ડરનો નિર્ણય કર્યો હતો. ઉલ્લેખનીય છે કે શિવાજી મહારાજની પ્રતિમાનું હજુ ગત ડિસેમ્બર મહિનામાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નેવી ડે પ્રસંગે અનાવરણ કર્યુ હતું. આપ્ટે અને તે મૂર્તિના સ્ટ્રક્ચરલ કન્સલ્ટન્ટ ચેતન પાટિલ વિરુદ્ધ વિવિધ કલમો હેઠળ એફઆઇઆર દાખલ કરાવાઇ હતી.
Source link