મુંબઇમાં રતન ટાટાના નશ્વરદેહને અંતિમ દર્શનાર્થે મુકાયો છે. લોકો મોટી સંખ્યામાં અંતિમ દર્શન કરવા ઉમટી રહ્યા છે. જેને કારણે મુંબઇ મરીન ડ્રાઇવ રોડ બંધ કરાયો છે. મુંબઈના નેશનલ સેન્ટર ફોર પરફોર્મિંગ આર્ટ્સ હોલમાં અંતિમ દર્શનાર્થે દિગ્ગજો આવી રહ્યા છે. ત્યારે રતન ટાટાના નિધનને લઇને મહારાષ્ટ્ર સરકાર દ્વારા રતન ટાટાને ભારત રત્ન આપવાની માગ કરવામાં આવી છે.
મહારાષ્ટ્ર કેબિનેટમાં પ્રસ્તાવ કરાયો પાસ
મહારાષ્ટ્ર કેબિનેટની બેઠક મળી હતી. આ બેઠકમાં સૌ પ્રથમ રતન ટાટાને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. ત્યારબાદ રતન ટાટાને ભારત રત્ન આપવા માટેનો પ્રસ્તાવ પાસ કરવામાં આવ્યો. મહારાષ્ટ્ર સરકાર હવે આ પ્રસ્તાવ કેન્દ્ર સરકારને મોકલશે. મહત્વનું છે કે આ પહેલા શિંદે જૂથના નેતા રાહુલ કનાલે આ માગ કરી હતી. રાહુલ કનાલે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેને પત્ર લખ્યો હતો. જેમાં તેમણે માગ કરી હતી કે મહારાષ્ટ્ર સરકારે ભારત રત્ન માટે રતન ટાટાના નામનો પ્રસ્તાવ પસાર કરવો જોઇએ આ જ તેમને સાચી શ્રદ્ધાંજલિ હશે.
રતન ટાટા હંમેશા યાદ આવશેઃ લાલકૃષ્ણ અડવાણી
બીજેપીના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીએ રતન ટાટાને તેમના નિધન પર શ્રદ્ધાંજલિ આપતા કહ્યું કે તેમની સાથે મારી છેલ્લી વાતચીત આ વર્ષે ફેબ્રુઆરીમાં થઈ હતી, જ્યારે તેમણે મને ભારત રત્ન મળવા પર અભિનંદન પાઠવ્યા હતા. તેમની હૂંફ, ઉદારતા અને દયા હંમેશા યાદ કરવામાં આવશે.
મહારાષ્ટ્રમાં એક દિવસનો રાજ્ય શોક
મહારાષ્ટ્ર સરકારે રતન ટાટાને શ્રદ્ધાંજલિ આપવા માટે ગુરુવારે રાજ્યમાં એક દિવસના શોકની જાહેરાત કરી છે. મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ જણાવ્યું હતું કે મહારાષ્ટ્રમાં સરકારી કાર્યાલયોમાં રાષ્ટ્રધ્વજ 10 ઓક્ટોબરે શોકના પ્રતીક તરીકે અડધી કાઠીએ લહેરાશે.
86 વર્ષની વયે દુનિયાને અલવિદા કહી દીધું
રતન ટાટાનું બુધવારે રાત્રે નિધન થયું હતું. તેમણે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં 86 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા હતા. આજે તેમના અંતિમ સંસ્કાર વરલીના પારસી સ્મશાન ભૂમિમાં કરવામાં આવશે. તેમને રાજકીય સન્માન સાથે અંતિમ વિદાય આપવામાં આવશે. હાલમાં તેમના નશ્વર દેહને નેશનલ સેન્ટર ફોર પરફોર્મિંગ આર્ટ્સ, નરીમાન પોઈન્ટ, મુંબઈ ખાતે રાખવામાં આવ્યો છે. સાંજે 4 વાગ્યે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.