- મહારાષ્ટ્રમાં નર્સિંગની વિદ્યાર્થીની સાથે જાતીય સતામણી
- રસ્તા પર ઉતર્યા નર્સિંગના વિદ્યાર્થીઓ
- બેભાન અવસ્થામાં મળી આવી હતી વિદ્યાર્થીની
છેલ્લા ઘણા સમયથી મહિલાઓ વિરુદ્ધ અત્યાચારના ચોંકાવનારા કિસ્સા સામે આવી રહ્યા છે. મહારાષ્ટ્રના બદલાપુરની ઘટના, કોલકાતા ડોક્ટર રેપ કેસ અને હવે વધુ એકવાર આવી જ ઘટના સામે આવી છે. રત્નાગિરીમાં નર્સિંગની વિદ્યાર્થીની સાથે જાતીય સતામણીનો ચોંકાવનારો કેસ સામે આવ્યો છે. તે વિદ્યાર્થીની બેહોશ હાલતમાં મળી આવી હતી. હાલ તેની સરકારી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. આ ઘટનાને લઇને નર્સિંગના વિદ્યાર્થીઓ દ્વારા રોષ જોવા મળી રહ્યો છે.
હોસ્પિટલ સામે વિરોધ
પોલીસના જણાવ્યા અનુસાર નર્સિંગની વિદ્યાર્થીની રત્નાગીરીના ચંપક મેદાનમાં બેભાન અવસ્થામાં મળી આવી હતી. શરીર પર ઘાના નિશાન પણ જોવા મળ્યા હતા.પોલીસે તેને સારવાર માટે જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરી છે. આ ઘટના બાદ રત્નાગિરીમાં વાતાવરણ તંગ બની ગયું છે. ઘટનાના વિરોધમાં રોષે ભરાયેલા ટોળાએ હોબાળો મચાવ્યો હતો. આ ઘટનાના વિરોધમાં નાગરિકોએ સરકારી મેડિકલ કોલેજ અને ડિસ્ટ્રિક્ટ જનરલ હોસ્પિટલ (સિવિલ હોસ્પિટલ) સામે દેખાવો પણ કર્યા હતા. દેખાવકારોએ સૂત્રોચ્ચાર કરી બંને બાજુથી જયસ્તંભ અને મારુતિ મંદિર તરફ જતો ટ્રાફિક અટકાવી દીધો હતો.
સીસીટીવી ફૂટેજ કર્યા જપ્ત
આ મામલે સબ ડિવિઝનલ પોલીસ ઓફિસર નિલેશ માઈનકર અને સિટી પોલીસ ઈન્સ્પેક્ટર મહેશ તોરસકરે ગુસ્સે ભરાયેલા ટોળા સાથે ચર્ચા કરી અને તપાસ માટે થોડો સમય આપવા કહ્યું. યુવતીના નિવેદનના આધારે કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસને કેટલાક CCTV ફૂટેજ મળ્યા છે, જેનો ઉપયોગ તપાસમાં કરવામાં આવશે. પોલીસનું કહેવું છે કે ટૂંક સમયમાં આરોપીઓને પકડી લેવામાં આવશે.
Source link