રાજ્યના ત્રીજા નંબરના સૌથી મોટા ડેમ કડાણા ડેમમાંથી 1 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. મહીસાગર જિલ્લામાં આવેલા કડાણા ડેમમાંથી સતત બીજા દિવસે 1 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. કડાણા ડેમમાં ઉપરવાસમાંથી 1 લાખ ક્યુસેક પાણીની આવક થઈ રહી છે.
કડાણા ડેમના 10 ગેટ 5 ફૂટ સુધી ખોલવામાં આવ્યા
કડાણા ડેમનું રૂલ લેવલ જાળવવા માટે ડેમમાંથી અત્યારે 1 લાખ ક્યુસેક પાણી મહીસાગર નદીના છોડવામાં આવી રહ્યું છે. કડાણા ડેમના 10 ગેટ 5 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે અને મહીસાગર નદીમાં 1 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવતા હાલમાં મહીસાગર નદીમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ છે.
તંત્ર દ્વારા જિલ્લાના 106 ગામોને એલર્ટ કરવામાં આવ્યા
બીજી તરફ 20,400 ક્યુસેક પાણી પાવર હાઉસ મારફતે મહીસાગર નદીમાં છોડવામાં આવતા પાવર હાઉસના 4 ટર્બાઈન કાર્યરત થતાં વીજ ઉત્પાદન થઈ રહ્યું છે. તંત્ર દ્વારા જિલ્લાના 106 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે, ઉપરાંત લોકોને નદી કિનારે ન જવા માટે પણ સૂચના આપવામાં આવી છે. કડાણા ડેમનું લેવલ અત્યારે 416.1 ફૂટ પર પહોંચ્યું છે, જ્યારે ડેમનું કુલ લેવલ 419 ફૂટ છે. કડાણા ડેમને હાલ એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે.
ગઈકાલે કડાણા ડેમમાં પાણીની કૂલ આવક 57,818 ક્યુસેક થઈ હતી
ગઈકાલે 3 સપ્ટેમ્બરે પણ મહિસાગરના કડાણા ડેમમાં પાણીની આવક થઈ હતી. કડાણા ડેમમાં પાણીની કૂલ આવક 57,818 ક્યુસેક થઈ હતી અને કડાણા ડેમ 94.81% ભરાતા પાણી છોડવામાં આવ્યું હતું. 45,180 ક્યુસેક પાણી મહીસાગર નદીમાં છોડવામાં આવ્યું હતું. ડેમના 5 ગેટ ખોલી પાણી છોડવામાં આવ્યું હતું. નદી કાંઠાના લોકોને તકેદારી રાખવા માટે પણ તંત્રએ અપીલ કરી હતી.
સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં પણ મોટો વધારો
ઉપરવાસમાં પાણીની આવકના કારણે સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં પણ વધારો થયો છે. ઉપરવાસમાંથી 2,14,091 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે અને નર્મદા ડેમની સપાટી 134.55 મીટરે પહોંચી છે. ડેમના 15 દરવાજા 2.25 મીટર સુધી ખોલવામાં આવ્યા અને નર્મદા નદીમાં કુલ 2,13,655 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. હાલમાં નર્મદા ડેમ 88 ટકા જેટલો ભરેલો છે.
Source link