દિવાળીના પાવન પર્વ બાદ નૂતન વર્ષે આવતી કારતક માસની શુક્લ પક્ષની એકાદશી જેને હિન્દુ પંચાગ અનુસાર દેવઉઠી અગિયારસ પણ કહેવામાં આવે છે. આજના દિવસે સંપુર્ણ વિધિવિધાનથી તુલસી વિવાહ મહોત્સવ યોજવાનું મહાત્મ્ય સમગ્ર રાજ્યમાં છે.
આજે ચાતુર્માસની પણ પુર્ણાહુતિ થાય છે અને ભગવાન વિષ્ણુના શાલીગ્રામ સ્વરૂપે માતા તુલસીજી સાથે વિવાહ થાય છે. ત્યારે તા.12 મીને મંગળવારે તુલસી વિવાહના અવસરની અમદાવાદ જિલ્લા ગ્રામ્યમાં રંગેચંગે ઉજવણી કરાઈ હતી. જેમાં માંડલ તાલુકાના ભરતપુર ગામે સમસ્ત ગ્રામવાસીઓ દ્વારા તુલસી વિવાહની ધુમધામપુર્વક ઉજવણી કરાઈ હતી.
માંડલ તાલુકાના ભરતપુર ગામે તુલસી વિવાહ પ્રસંગે વર-કન્યા પક્ષ અને મોસાળ પક્ષ તેમજ ભોજન પ્રસાદ અને તમામ પ્રસંગોના અલગ અલગ ખર્ચના, પ્રસંગોના યજમાનો થકી આખોય પ્રસંગ રંગેચંગે યોજાયો હતો. તુલસી વિવાહ મહોત્સવ અંતર્ગત કન્યાપક્ષનું મામેરું અમરતભાઈ ઈશ્વરભાઈ પરિવાર, વરપક્ષનું મામેરું સોમાભાઈ મૂળીવાસ પરિવાર, કન્યાદાન બળદેવભાઈ પ્રહલાદભાઈ પરિવાર,ભગવાનની જાન પ્રહલાદભાઈ લલ્લુભાઈ પરિવારના ઘરેથી વાજતેગાજતે આવી હતી. એવી જ રીતે ગોત્રેજના યજમાન નરસીભાઈ રામજીભાઈ પરિવાર,સુવર્ણદાન પ્રભુભાઈ શંકરભાઈ પરિવાર, ગૌદાન સુખરામભાઈ પરિવાર, ભુમિદાન ઈશ્વરભાઈ પરિવાર, રજતદાન બળદેવભાઈ પરિવાર, મંડપ-ચોરીના દાતા રમેશભાઈ ગોરધનભાઈ પરિવાર અને ડી.જે નગરના યુવાનો, બાળકો દ્વારા મંગાવવામાં આવ્યા હતા. જ્યારે ગણેશસ્થાપના અને ગ્રહશાંતિવિધિનો લાભ જયંતિભાઈ તથા નવીનભાઈ પરિવારને મળ્યો હતો. આ સમગ્ર પ્રસંગના મુખ્ય ભોજનદાતા રામજીભાઈ ભાયચંદભાઈ પરિવાર સહિત ગ્રામજનો અને વિવિધ પરિવારોના સહકારથી ભોજનપ્રસાદનું બંને ટાઈમ આયોજન કરાયું હતું. તુલસી વિવાહ પ્રસંગે નગરમાં તમામ પ્રસંગો રંગેચંગે ઉજવાયા હતા. નગરમાં ફટાકડા અને ડી.જે.ના તાલે નાચગાન કરતાં સૌ માતાબહેનો અને ભાઈ-યુવાનોમાં આનંદ, ઉલ્લાસ છવાયો હતો. આ પ્રસંગે વિશેષ વિસ્તારના ધારાસભ્ય સહિત ભાજપ સંગઠનના પ્રમુખ અને જેમનું વતન એવા દશરથભાઈ પટેલ, સરપંચ રાકેશભાઈ પટેલ સહિત વિવિધ અગ્રણીઓ અને મોટીસંખ્યામાં ભાવિકો, ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. આ વિધિવિધાનપુર્વક માતા તુલસીજી અને વિષ્ણુ ભગવાનના વિવાહ સંપન્ન કરાયાં બાદમાં પ્રસાદ લઈ કન્યા વિદાય સહિતના પ્રસંગો પણ યોજાયા હતા.
Source link