મણિપુરમાં કુકી અને મૈતેઈ વચ્ચે મહિનાઓથી ચાલી રહેલો સંઘર્ષ હવે ઓછો થવાને બદલે વધી રહ્યો છે. ઈન્ટેલિજન્સ વિભાગના રિપોર્ટ અનુસાર આગામી દિવસોમાં આ સંઘર્ષ વધુ હિંસક બની શકે છે. આ અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે, પશ્ચિમ ઇમ્ફાલના સેકમે વિસ્તારમાં 27મી ઓગસ્ટે સાંજે 6 વાગે વિરોધીઓએ ફરી એક ધારાસભ્યના સુરક્ષાકર્મીઓ પાસેથી 3 SLR રાઇફલ અને ચાર મેગેઝિનની લૂંટી મચાવી હતી. વિરોધીઓ ફરીથી ઇમ્ફાલમાં સરકારી શસ્ત્રાગારને નિશાન બનાવીને લૂંટની યોજના બનાવી રહ્યા છે. આને લઈને ત્યાં સુરક્ષા વધારી દેવામાં આવી છે.
8 હજાર હથિયારો અને કારતુસની લૂંટ
અત્યાર સુધીમાં સરકારી શસ્ત્રાગારોમાંથી લગભગ 8 હજાર હથિયારો અને મોટા પ્રમાણમાં કારતુસ લૂંટવામાં આવ્યા છે. તેમાંથી માત્ર 30 ટકા જ રિકવરી થઈ છે. ભંડોળ માટે બન્ને સમુદાયો સાથે સંકળાયેલા અરાજકતાવાદીઓ આ વિરોધને વધુ ઉગ્ર બનાવવા માટે ઉદ્યોગપતિઓ પાસેથી બળજબરીથી નાણાં પડાવીને ભંડોળ એકત્ર કરવાનું કાવતરું કરી રહ્યા છે.
કન્સ્ટ્રક્શન કંપનીઓ અને ઉદ્યોગપતિઓ અરાજકતાવાદીઓના નિશાના પર
અરાજકતાવાદીઓના ટાર્ગેટ પર શહેરની અનેક કન્સ્ટ્રક્શન કંપની અને ઉદ્યોગપતિઓ છે. તાજેતરમાં જ એક બાંધકામ કંપનીના માલિક પાસેથી 1 કરોડ રૂપિયા વસૂલવામાં આવ્યા છે. બફર ઝોનમાં તૈનાત આસામ રાઈફલ્સને હટાવવાની સાથે જ બન્ને સમુદાયો એકબીજા પર હુમલો કરવાની યોજના બનાવી રહ્યા છે. આસામ રાઇફલ્સ ઘણા સંવેદનશીલ સ્થળોની મધ્યમાં હાજર છે, જ્યાં બન્ને સમુદાયોએ પોતપોતાની ફ્રન્ટ લાઇન બનાવી છે. આને બફર ઝોન કહેવામાં આવે છે.
પ્રદર્શનકારીઓને ફંડ આપી રહ્યું છે ચીન
ઈન્ટેલિજન્સ રિપોર્ટ્સ અનુસાર ચીન માત્ર પ્રદર્શનકારીઓને ફંડિંગ જ નથી કરી રહ્યું પરંતુ મ્યાનમારના રસ્તે હથિયારોની સપ્લાઈ પણ કરી રહ્યું છે. ચીનનો હેતુ મણિપુરમાં રમખાણો ભડકાવીને તણાવ જાળવી રાખવાનો છે. જેથી આ મુદ્દો આંતરરાષ્ટ્રીય મંચ પર ઉઠાવી શકાય. તાજેતરમાં આવી કેટલીક ઘટનાઓ પણ જોવા મળી છે, જ્યારે મ્યાનમાર બોર્ડર પરથી કેટલાક આતંકવાદી સંગઠનોએ રાતના અંધારામાં સરહદના પહાડોમાં સ્થિત ગામડાઓમાં રહેતા લોકોને નિશાન બનાવ્યા હતા. જેથી બે સમુદાયો વચ્ચે હિંસાની આગ ભડકાવી શકાય.
વિદ્યાર્થીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ બાદ પરિસ્થિતિ વધુ ખરાબ બની
મણિપુરમાં વિદ્યાર્થીઓ ડીજીપી અને રાજ્યના સુરક્ષા સલાહકારને હટાવવાની માંગ કરી રહ્યા છે. મંગળવારે રાજભવન તરફ કૂચ કરવાનો પ્રયાસ કરી રહેલા વિદ્યાર્થીઓની સુરક્ષા દળો સાથે અથડામણ થઈ હતી. આ પછી સ્થિતિ વધુ ખરાબ બની ગઈ હતી. જોકે, પોલીસનું કહેવું છે કે સ્થિતિ કાબૂમાં છે. સરકારે મંગળવારે સાંજે આદેશ જારી કર્યો હતો. તેમાં કહેવામાં આવ્યું છે કે, વિદ્યાર્થીઓના ઉગ્ર આંદોલનને જોતા રાજ્યના માત્ર પાંચ જિલ્લામાં જ ઈન્ટરનેટ સેવા સ્થગિત રહેશે.
Source link