ભારતના પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના નિધનથી સમગ્ર દેશ શોકમાં છે. રાજનીતિથી લઈને બોલિવૂડ સુધી દરેક ક્ષેત્રના લોકો તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે અને તેમના જીવનને યાદ કરી રહ્યા છે. હવે અભિનેતા અનુપમ ખેરે પૂર્વ વડાપ્રધાનના નિધન પર એક વીડિયો શેર કર્યો છે.
અનુપમ ખેરએ વ્યક્ત કર્યુ દુઃખ
મહત્વનું છે અભિનેતા અનુપમ ખેરએ બાયોપિક ‘ધ એક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર’માં મનમોહન સિંહની ભૂમિકા ભજવી હતી. પૂર્વ પીએમના નિધન પર અનુપમે તેમને શ્રદ્ધાંજલિ આપતા કહ્યું કે હાલ તેઓ દેશની બહાર છે અને મનમોહન સિંહના નિધનથી ખૂબ જ દુખી છે. તેમણે કહ્યું, ‘ડો. મનમોહન સિંહના જીવન સાથે હું દોઢ વર્ષ જીવ્યો છું. તેમના વિશે અભ્યાસ કરતી વખતે તેમના કેરેક્ટરને તેમના વર્તનને. એક એક્ટર જ્યારે કેરેક્ટર નિભાવે છે ત્યારે ફિઝિકલ લુકનો સ્ટડી તો કરે જ છે પરંકુ એક કેરેક્ટરને સચ્ચાઇથી નિભાવવા માટે તે વ્યક્તિની અંદર જવુ પડે છે. ડૉ. મનમોહનસિંહ એક સજ્જન, બ્રાઇટ અને ઇન્ટેલિજન્ટ અને વિનમ્ર માણસ હતા.
મે આ ફિલ્મ માટે ના પાડી દીધી હતી- અનુપમ ખેર
અનુપમે કહ્યું કે પહેલાં જ્યારે મને આ ફિલ્મની ઓફર કરવામાં આવી હતી, ત્યારે મેં ઘણા કારણોસર ના પાડી દીધી હતી. રાજકીય કારણોસરને લીધે પણ ના પાડી દીધી હતી. પણ મેં વિચાર્યું કે જો હું આ રોલ કરીશ તો લોકો કહેશે કે મેં આ ફિલ્મ તેમની મજાક ઉડાવવા માટે કરી છે. પરંતુ જો મારી લાઇફના 3-4 કેરેક્ટરની પસંદગી કરવાની હોય તો આ પાત્ર ચોક્કસ તેમાંથી એક હશે.
વધુમાં તેમણે કહ્યું કે તેમની સૌથી સારી ક્વોલિટી તેમની સાંભળવાની શક્તિ હતી. તેમના કાર્યકાળ દરમિયાન એવી ઘટનાઓ બની હતી જે વિવાદાસ્પદ હતી. પરંતુ તેઓ એક વ્યક્તિ તરીકે પણ પ્રમાણિક હતા અને દેશની અર્થવ્યવસ્થા માટે ઘણું કામ કર્યું હતું.
અનુપમ ખેરે મનમોહન સિંહનું કેરેક્ટર ભજવ્યું હતું
અનુપમે જણાવ્યું કે જ્યારે તેઓ ‘ધ એક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર’ કરી રહ્યા હતા ત્યારે તેઓ મનમોહન સિંહના વ્યક્તિત્વના મોટા ભાગના પાસાઓને પોતાના પાત્રમાં સામેલ કરવામાં સફળ રહ્યા હતા, પરંતુ એક વાત થોડી મુશ્કેલ હતી. આખરે જ્યારે ફિલ્મ બની ત્યારે હું ખૂબ જ ખુશ હતો કે હું આ પાત્ર સાથે ન્યાય કરી શકીશ. ફિલ્મનો વિષય વિવાદાસ્પદ હોઈ શકે છે, પરંતુ વ્યક્તિ વિવાદાસ્પદ નહોતા.
મનમોહન સિંહની પ્રતિકાત્મક વાદળી પાઘડીનો ઉલ્લેખ કરતા અનુપમે તેમને શ્રદ્ધાંજલિ આપી અને કહ્યું, ‘હું વાદળી પાઘડીવાળા માણસને ખૂબ જ મિસ કરીશ. આજે દેશે એક સાચા વ્યક્તિ અને મહાન નેતાને ગુમાવ્યો છે.
ઉલ્લેખનીય છે કે અનુપમ ખેર સ્ટારર મનમોહન સિંહની બાયોપિક ‘ધ એક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર’ 2019 માં રિલીઝ થઈ હતી. તેમાં અક્ષય ખન્ના, અર્જુન માથુર અને આહાના કુમરા પણ હતા. ફિલ્મને મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો પરંતુ પૂર્વ પીએમ મનમોહન સિંહના રોલમાં અનુપમ ખેરના અભિનયને ખૂબ પસંદ કરવામાં આવ્યો હતો.
ગઇકાલે રાત્રે થયુ નિધન
ભારતના પૂર્વ PM મનમોહન સિંહનું દિલ્હીની AIIMS હોસ્પિટલમાં નિધન થયું છે. ગુરુવારે રાત્રે 9:51 કલાકે એમ્સમાં તેમનું નિધન થયું હતું. ગુરુવારે સાંજે બેહોશ થઈ જતાં તેમને એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા. પૂર્વ પીએમ ડૉ.મનમોહન સિંહ લાંબા સમયથી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો સામનો કરી રહ્યા હતા. આ પહેલા પણ તેમને સ્વાસ્થ્ય સંબંધી કારણોસર ઘણી વખત હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.