Mig-21 એ 62 વર્ષ પછી ભારતીય વાયુસેનાને વિદાય આપી, હવે તેજસની રાહ જોવાઈ રહી છે

ભારતમાં HAL દ્વારા લાઇસન્સ હેઠળ ઉત્પાદિત મિગ-21 એ ભારત માટે ટેક્નોલોજીકલ વિકાસનો પાયો નાખ્યો. ભારતે કુલ 874 મિગ-21 ખરીદ્યા હતા, જેમાંથી 600 જેટલાં દેશમાં જ બનાવાયા. મિગ-21 એ 1965 અને 1971ના યુદ્ધો, કારગિલ યુદ્ધ અને 2019ના બાલાકોટ એરસ્ટ્રાઈકમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી.
અભિનંદન વર્ધમાને મિગ-21 ઉડાડીને પાકિસ્તાની F-16 વિમાનને પણ પછાડ્યું હતું. જેમ જેમ સમય વીત્યો, તેમ તેમ મિગ-21 જૂનુ પડતું ગયું. એન્જિન, મિસાઈલ સિસ્ટમ અને રડાર જેવી સુવિધાઓ પર્યાપ્ત નહોતી. ભવિષ્યના યુદ્ધ માળખાં માટે તે યોગ્ય ન રહ્યું. તેમ છતાં તેનો યોગદાન અમૂલ્ય રહ્યો છે.
દુર્ઘટનાઓથી ‘ઉડતી શબપેટી’નું ઉપનામ
છેલ્લા છ દાયકામાં 400 કરતાં વધુ મિગ-21 વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયા છે અને લગભગ 200 પાઇલટોએ જીવ ગુમાવ્યા છે. 2010 પછી પણ અનેક દુર્ઘટનાઓ નોંધાઈ. જૂની ટેક્નોલોજી, જાળવણીમાં મુશ્કેલી અને તાલીમમાં ખામીઓના કારણે મિગ-21નું સલામતી રેકોર્ડ નબળું રહ્યું. આમ છતાં, તેનાથી તાલીમ અને યુદ્ધ માટેનો અનુભવ મળ્યો એ અણમોલ છે.
વિલંબને કારણે તેનું ઉત્પાદન ધીમું
મિગ-21 ને બદલવા માટે ભારતે HAL દ્વારા વિકસિત તેજસ Mk1A પર ભરોસો મૂક્યો છે. જોકે, એન્જિન સપ્લાય અને ટેસ્ટિંગમાં વિલંબને કારણે તેનું ઉત્પાદન ધીમું થયું છે. GE F404 એન્જિન અમેરિકાથી વિલંબથી આવી રહ્યાં છે. હાલમાં HALએ 6 તેજસ Mk1A બનાવ્યાં છે, પણ એન્જિન ન મળતાં તે ઉડી શકતાં નથી. HALએ નાસિક અને બેંગલુરુમાં ઉત્પાદન લાઈનો શરૂ કરી છે. 2026 સુધી દર વર્ષે 16 વિમાનો આપવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. પ્રથમ તેજસ સ્ક્વોડ્રન નાલ એરબેઝ, બિકાનેરમાં કાર્યરત થશે.
વાયુસેનાની તાકાતમાં ખોટ
મિગ-21ની નિવૃત્તિ બાદ વાયુસેનાની સ્ક્વોડ્રન સંખ્યા 29 પર પહોંચી જશે, જ્યારે જરૂરિયાત 42 સ્ક્વોડ્રનની છે. પાકિસ્તાન અને ચીન જેમના યુદ્ધવિમાનો પર ઝડપથી કામ કરી રહ્યાં છે, તેવી સ્થિતિમાં આ ખોટ ચિંતાજનક છે. સુખોઈ-30, રાફેલ, તેજસ Mk1 જેવી મોજુદા શક્તિ પૂરતી નથી, કારણ કે મિરાજ-2000 અને જગુઆર પણ 2030 સુધીમાં નિવૃત્ત થવા જઈ રહ્યાં છે.
ભવિષ્યની તાકાત: MRFA, Mk2 અને AMCA
IAF પોતાની ક્ષમતા વધારવા વિવિધ યોજનાઓ લઈ રહી છે:
– તેજસ Mk2: મિરાજ-2000ને બદલવા માટે વિકસિત શક્તિશાળી ફાઇટર
– MRFA યોજના: 114 નવા વિમાનો ખરીદવાનું લક્ષ્ય
– AMCA: 5મી પેઢીનું સ્વદેશી સ્ટેલ્થ વિમાન, 2035 સુધી તૈયાર થવાની આશા
– ડ્રોન ટેક્નોલોજી: પિક્સેલ જેવા સ્ટાર્ટઅપ્સથી ડ્રોન ખરીદવાનું આયોજન
મિગ-21 એ માત્ર યુદ્ધ વિમાન નહોતું, તે ભારતીય વાયુસેનાનો પરિચય બની ગયું હતું. આ વિમાને કેવળ ઐતિહાસિક જીત જ નહીં, પણ અનેક વાયુસેનાના વડા પણ આપ્યા છે. મહિલા પાઇલટ્સની પ્રથમ સ્ક્વોડ્રનમાં પણ મિગ-21નો સમાવેશ રહ્યો હતો. હવે જ્યારે તે નિવૃત્ત થઈ રહ્યું છે, ત્યારે તેના યોગદાન અને સાહસો હંમેશાં યાદ રાખવામાં આવશે.