Surat News : લ્યો બોલો: સુરતમાં સોસાયટીના બાંકડે બેઠેલા વૃદ્ધ સીધા ખાડામાં ખાબક્યા

સુરતના વેલેન્જા વિસ્તારમાં આવેલી શ્યામ રેસિડેન્સી સોસાયટીમાં એક વિચિત્ર ઘટના બની છે, જ્યાં સોસાયટીના ગેટ પાસે બાંકડા પર બેઠેલા એક વૃદ્ધ અચાનક ડ્રેનેજ લાઈન તૂટવાથી પડેલા ખાડામાં ગરકાવ થઈ ગયા હતા. આ ઘટનાથી સોસાયટીમાં ભય અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
ભારે જહેમત બાદ વૃદ્ધને સુરક્ષિત રીતે બહાર કઢાયા
આ ઘટનાની જાણ થતાં જ સોસાયટીના લોકોએ તરત જ ફાયર બ્રિગેડને જાણ કરી હતી. ફાયર વિભાગના જવાનો તાત્કાલિક સ્થળ પર પહોંચીને બચાવ કામગીરી શરૂ કરી હતી. ભારે જહેમત બાદ વૃદ્ધને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. સદનસીબે, તેમને કોઈ ગંભીર ઈજા પહોંચી નહોતી.
બાંધકામની નબળી ગુણવત્તા પર ગંભીર સવાલો ઊભા થયા
સ્થાનિકોએ આ ઘટના માટે ડેવલપરને જવાબદાર ગણાવીને તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે. લોકોનું કહેવું છે કે આ પ્રકારની ઘટનાઓ સોસાયટીના બાંધકામની નબળી ગુણવત્તા પર ગંભીર સવાલો ઊભા કરે છે.
તંત્ર દ્વારા તાત્કાલિક પગલાં લેવા સ્થાનિકોની માગણી
સદનસીબે આ ઘટનામાં કોઈ મોટી દુર્ઘટના થતા ટળી ગઈ હતી, જેના કારણે લોકોએ રાહતનો શ્વાસ લીધો. ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે તંત્ર દ્વારા તાત્કાલિક યોગ્ય પગલાં લેવામાં આવે તેવી સ્થાનિકોએ માંગણી કરી છે.