મોડાસા તાલુકાના બોલુંદરા ગામે મંગળવારે રાત્રે તસ્કરો ત્રાટક્યા હતા. એક નિવૃત્ત શિક્ષકના ઘરમાંથી 11.35 લાખના દાગીના તેમજ અન્ય બે મકાનમાંથી સોના-ચાંદીના દાગીના મળી 12.66 લાખ રૂપિયાની તસ્કરોએ ચોરી કરી હતી.
શહેરો બાદ હવે ગામડાઓમાં તસ્કરોએ હાથ ફેરો શરૂ કર્યો છે અને લાખો રૂપિયાની ચોરી કરતાં લોકોમાં ફફડાટ ફેલાયો છે. બનાવ અંગે ટીંટોઈ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.બોલુંદરા ગામના નિવૃત્ત શિક્ષક દિનેશભાઈ મોનાભાઈ સોલંકીના ઘરમાં તસ્કરો ત્રાટક્યા હતા. તેઓના ઘરમાં છાજલીના ઉપરના ભાગે મુકેલ પતરાની પેટીમાં પત્નીના તથા છોકરાઓની વહુઓ માટે કરાવેલા સોના-ચાંદીના દાગીના મુકેલા હતા. તે પેટી બુધવારે સવારે જોવા મળી ન હતી. જેના પગલે ઘરની આસપાસ તપાસ કરતાં શાળાના કંપાઉન્ડમાંથી નકૂચો તૂટેલી ખુલ્લી પેટી મળી આવી હતી. જ્યારે તેમાં મુકેલ 5.20 લાખનો સોનાનો સેટ,2.27 લાખનું મંગળસૂત્ર,45 હજારનું સોનાનું ડોકિયુ,સોનાની ચાર જોડ બુટ્ટી,1.17 લાખ રૂપિયાનું લોકીટ,સોનાની ચુનીઓ,કડીઓ અને ચાંદીના દાગીના મળી 11.35 લાખ રૂપિયાની ચોરી થયાનું જણાઈ આવ્યુ હતુ.
જ્યારે ફળિયામાં આવેલ મનુભાઈ હિરાભાઈ પરમારના ઘરનું તાળુ તોડી તસ્કરો 52 હજારનો સોનાનો દોરો,32 હજારની બુટ્ટી અને 20 હજાર રોકડ મળી એક લાખથી વધુની મત્તા ચોરી ગયા હતા. તેમના મોટાભાઈ લલીતભાઈ હિરાભાઈ પરમારના ઘરમાંથી 12600ના ચાંદીના પાયલ,9750 રૂપિયાની સોનાની વીંટી અને પાંચ હજાર રોકડ મળી 27350 રૂપિયાની ચોરી તસ્કરોએ કરી હતી. એક જ રાતમાં ગામના ત્રણ મકાનમાંથી 12.66 લાખ રૂપિયાની કિંમતના દાગીના ચોરાતાં ખળભળાટ મચી ગયો છે. તસ્કરોના તરખાટથી ગામડાઓમાં લોકો ફફડી ઉઠયા છે અને સમગ્ર પંથકમાં ચોરીઓનો ભય ઉભો થયો છે.
Source link