બી.ઝેડના કરોડોના કૌભાંડની સમગ્ર રાજ્યમાં ચર્ચા છે. આ ગ્રૂપ દ્વારા 14 હજાર કરતાં વધુ રોકાણકારો પાસેથી કરોડો રૂપિયા ઉઘરાવવામાં આવ્યા છે અને હવે તેનો સંચાલક ભૂપેન્દ્ર ઝાલા ભૂગર્ભમાં ઉતરી જતાં રોકાણકારોની હાલત કફોડી બની ગઈ છે. છેલ્લા બે વર્ષમાં જ ઉત્તર ગુજરાતમાં બી.ઝેડ જેવા અડધો ડઝનની વધુ ગ્રૂપોએ પોન્ઝિ સ્કિમો શરૂ કરી લોકોને રાતપાણીએ રોવડાવ્યા છે.
આ તમામ કંપનીઓ રાતોરાત ઉભી થઈ નથી અને કલાકોમાં રોકાણકારો પાસેથી નાણાં ઉઘરાવ્યાં નથી. છેલ્લા બે વર્ષથી બોગસ કંપનીઓ ચાલી રહી હતી અને વ્યવસ્થિત રીતે આખુ કૌભાંડ આચરવામાં આવ્યુ છે. પરંતુ સ્થાનિક તંત્રનું રૂવાડું પણ ફરક્યુ નથી. પોતાના વિસ્તારોમાં વાર્ષિક 36 ટકા આપતી કંપની ખુલી હોય અને લોકોને લૂંટી રહી હોય તેમ છતાંય કોઈ દિવસ તપાસ કરવામાં આવી નથી. સામાન્ય માણસો ઉપર કાયદાનો દંડો ઉગામતા તંત્રએ આરબીઆઈના નિયમો વિરૂધ્ધ વ્યાજની લાલચ આપી પોન્ઝિ સ્કિમો સામે શરૂઆતથી જ પગલાં ભરવાનાં શરૂ કર્યા હોત તો હજારો રોકાણકારોની જીવનભરની મૂડી ડૂબી ગઈ છે તે બચી શકી હોત તેવુ લોકો માની રહ્યા છે.
ઉત્તર ગુજરાતમાં તંત્રના નાક નીચે પોન્ઝિ સ્કિમોનો રાફડો ફાટયો છે. છેલ્લા બે વર્ષમાં અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લામાં બી.ઝેડ,આર.કે.એન્ટ પ્રાઈઝ, હરિસિધ્ધ ફાઈનાન્સ સહિતના ગ્રૂપોએ વૈભવી ઓફિસો શરૂ કરી એજન્ટો મારફતે નાણાં ઉઘરાવ્યાં હતાં. રોકાણકારોને લાલચ આપનાર એજન્ટોને તગડુ કમિશન અને મોંઘીદાટ ગિફ્ટો અને વિદેશ પ્રવાસના પેકેજ આપવામાં આવતા હતા. જેના કારણે એજન્ટોએ રાત દિવસ દોડી હજારો લોકોને રાતોરાત કરોડપતિ બની જવાના ખોટા સ્વપ્ન દેખાડી રોકાણ કરાવ્યુ હતું. આ તમા સ્કિમોના સંચાલકોએ ગાંધીનગર સીઆઈડી ક્રાઈમે ગુના નોંધી પરપોટા ફોડી નાખ્યા છે. બનાસકાંઠામાં નાઉ સ્ટાર્ટ ટેક ઈન્ડિયા મેનેજમેન્ટ કન્સલટન્સી ગ્રૂપ દ્વારા પણ 39 લાખ કરતાં વધુ રૂપિયા ઉઘરાવવામાં આવ્યા હોવાની ફરિયાદ થઈ છે. બનાસકાંઠામાં પ્રસિદ્ધિ મલ્ટી ગ્રૂપને પણ હવે તાળાં લાગી ગયાં છે. પોન્ઝિ સ્કિમોના સંચાલકો વિરૂધ્ધ પોલીસ ફરિયાદો બાદ પણ નવાઈની વાત એ છે કે હજુ માસિક 11 ટકા વળતરની લાલચ આપતી સ્વામ નામની કંપની ધમધમી રહી છે અને એજન્ટો રોકાણકારોને નાણાં રોકવા લલચાવી રહ્યા છે. આવી બોગસ સ્કિમો મોડાસા, હિંમતનગર, મહેસાણા, પાલનપુર સહિતના વિસ્તારોમાં ચાલી રહી હતી અને પોન્ઝિ સ્કિમો ચલાવનારાઓએ વૈભવી ઓફિસો ખોલી લોકો સાથે રીતસર લૂંટ ચલાવી હોવા છતાં સ્થાનિક તંત્ર કેમ અંધારામાં રહ્યુ તે સવાલ લોકોને સતાવી રહ્યો છે. બેંક કરતાં ઉંચા વ્યાજની લોકોને લાલચો આપવામાં આવી રહી હતી તેમ છતાંય સરકાર કે આરબીઆઈની કોઈ મંજુરી આવા ગ્રૂપો પાસે છે કે કેમ તેની તપાસ કરવાની કોઈને કેમ ફૂરસદ જ ન મળી? જો ગાંધીનગર સીઆઈડી ક્રાઈમ દ્વારા દરોડા પાડવામાં ન આવ્યા હોત તો પોન્ઝિ સ્કિમોની હાટડીઓ હજુય ચાલુ રહેતી તેવા સવાલો પણ લોકો કરી રહ્યા છે. ઉત્તર ગુજરાતના દરેક જિલ્લાઓમાં લોકોને ચૂનો લગાવતી સ્કિમો ચાલી રહી હોવા છતાં તંત્ર અંધારામાં રહ્યુ હોય અને કરોડોનું કૌભાંડ થઈ જાય તે વાત લોકોના ગળે પણ ઉતરતી નથી.
દરેક ગ્રૂપની એક જ મોડસ ઓપરેન્ડી, રોકાણકાર બીજાને રોકાણ કરાવે તો કમિશન અપાતું
ઉત્તર ગુજરાતમાં પોન્ઝિ સ્કિમોના સંચાલકોએ એજન્ટો રોકી નાણાં ઉઘરાવ્યા છે. જેમાં એજન્ટોને પાંચથી માંડી 25 ટકા સુધીનું કમિશન આપવામાં આવતું હતું અને વિદેશ પ્રવાસ કરાવવામાં આવતો હતો. રોકાણકાર બીજા કોઈ પાસે રોકાણ કરાવે તો એક ટકો કમિશન આપવામાં આવતુ હતુ. આમ લૂંટ ચલાવવાની આખી યોજનાઓ બનાવવામાં આવી હતી. ઉત્તર ગુજરાતમાં જેટલી પણ પોન્ઝિ સ્કિમો ચાલી છે. તમામના સંચાલકોએ આ પ્રકારની જ મોડસ ઓપરેન્ડીથી લોકોનાં નાણાં ઉઘરાવ્યા છે. પરંતુ ફરિયાદો થતાં તમામ રોકાણકારોનાં નાણાં અત્યારે સલવાઈ ગયાં છે.
તપાસના 13 દિવસ વીતી જવા છતાં પણ બી.ઝેડના ભૂપેન્દ્ર ઝાલાની ધરપકડ થઈ નથી
સીઆઈડી ક્રાઈમે બી.ઝેડની સાબરકાંઠામાં રણાસણ, હિંમતનગર, વિજાપુર, મોડાસા, ગાંધીનગર, વડોદરા અને માલપુર ખાતે આવેલી ઓફિસો ખાતે દરોડા પાડી કોમ્પ્યુટર,લેપટોપ સહિતના દસ્તાવેજો જપ્ત કર્યા હતા. જયારે માલપુરના એક એજન્ટ તેમજ કર્મચારીઓ મળી સાત વ્યકિતઓની ધરપકડ કરી છે. પરંતુ ફરિયાદ નોંધાયાના 13 દિવસ બાદ પણ ભૂપેન્દ્ર ઝાલા હજુ પોલીસના હાથ લાગ્યો નથી. હજારો લોકો પાસેથી નાણાં ઉઘરાવનાર બી.ઝેડનો સંચાલક ક્યાં છે. તેનો જવાબ સીઆઈડી ક્રાઈમ પાસે પણ નથી અને માત્ર તપાસ ચાલી રહી હોવાનું રટણ ચાલી રહ્યુ છે. આ ઉપરાંત ઉત્તર ગુજરાતમાં ચાલતી અન્ય ચાર પોન્ઝિ સ્કિમો વિરૂધ્ધ પણ પોલીસ ફરિયાદો દાખલ કરવામાં આવી છે. પરંતુ એકય સંચાલક હજુ પોલીસના હાથમાં આવ્યો નથી.
સંચાલકોએ ઘરોબો કેળવતા નેતાઓ અને અભિનેતાઓ વખાણ કરતા રહ્યા અને સામાન્ય લોકો લૂંટાતા રહ્યા
પોન્ઝિ સ્કિમના સંચાલકોએ રોલો પાડવા અને પોતાની પ્રસિધ્ધી માટે લાખો રૂપિયાનો ખર્ચ કર્યો હોવાનું સામે આવ્યુ છે. અરવલ્લી અને સાબરકાંઠામાં પોન્ઝિ સ્કિમોના સંચાલકોએ નેતાઓ સાથે ઘરોબો કેળવી રાખ્યો હતો અને સ્ટેજ ઉપર સાથે જોવા મળ્યા હતા. નેતાઓએ પણ કૌભાંડીઓના મોંફાટ વખાણ કર્યા હતા. અભિનેતાઓ અને ડાયરાના કલાકારોએ પણ વખાણ કરવામાં કોઈ કસર છોડી ન હતી. પરિણામે લોકોએ અંજાઈ જઈ નાણાંનું રોકાણ કરવા માંડયુ હતું. કરોડોના કૌભાંડમાં નેતાઓ, અધિકારીઓ અને ક્રિકેટરોના પણ રોકાણ હોવાનું ચર્ચાઈ રહ્યુ છે. કેટલાક લોકોની મરણમૂડીનું આવા ગ્રૂપોમાં રોકાણ છે,જ્યારે કેટલાકનાં કાળાં નાણાં પણ રોકાયેલા હોવાનું મનાઈ રહ્યુ છે. ત્યારે ભ્રષ્ટાચાર આચરીને રોકાણ કરનારાઓ તો કોઈને ફરિયાદ પણ ન કરી શકે તેવી સ્થિતિમાં મુકાઈ ગયા છે.
એજન્ટો હવામાં ઓગળી ગયા હોય તેમ કેમ પકડાતા નથી ?
સીઆઈડી ક્રાઈમ બ્રાન્ચે પોન્ઝિ સ્કિમો ચલાવનારાઓ તેમજ એજન્ટો વિરૂધ્ધ પોલીસ ફરિયાદો તો દાખલ કરી દીધી છે. પરંતુ સમ ખાવા પુરતો માલપુરનો જએજન્ટ મયુર દરજી પકડાયો છે. બી.ઝેડના અનેક એજન્ટો હોવા છતાં હજુ પોલીસના હાથ લાગ્યા નથી. અન્ય ગ્રૂપોના પણ એકેય એજન્ટને પોલીસ પકડી શકી નથી. બે અઠવાડિયાં વિતી જવા છતાં હજુ એજન્ટો જ નથી પકડાયા ત્યારે સંચાલકો ક્યારે હાથમાં આવશે તે સવાલ છે. જો આ રીતે ધીમી ગતિએ તપાસ ચાલશે તો હજારો લોકોને વળતર ક્યારે મળી રહેશે તે પણ સવાલ છે.
Source link