મોરબીમાં એક નિવૃત શિક્ષક ખરેખર ભિક્ષુક બન્યા છે, પરંતુ અબોલ જીવ માટે મોરબીના મહેન્દ્રનગર ગામે નિવૃત શિક્ષક રણછોડભાઈ ઓડિયા જાતે રીક્ષા લઈને અબોલ જીવો માટે અન્ન ઉઘરાવે છે અને જ્યાં પણ અબોલ જીવના સ્થાન હોય ત્યાં સુધી જઈને અબોલ જીવોને પેટભર અન્ન ખવડાવે છે.
અબોલ પશુઓ પણ રણછોડભાઈની રાહ જોઈને બેઠા હોય છે
તેમની આ સેવા બિરદાવવા લાયક છે કારણ કે ભિક્ષુક બનીને અન્ન માગવા જવું જોઈને ના ગમે પરંતુ રણછોડભાઈ આ અબોલ જીવો માટે દરરોજ ભિક્ષુક બને છે. મોરબીના સામાકાંઠા વિસ્તારમાં ગમે ત્યાં અબોલ પશુઓ બેઠા હોય અને ત્યાં એક રીક્ષા ત્યાં પહોંચે એટલે તરત જ બધા જ ઢોર તેમની તરફ દોડે છે કારણ કે તેમને ખબર જ હોય છે કે આ રીક્ષા તેમના માટે ખાવાનું લઈને જ આવી છે. સંદેશ ન્યુઝ ની ટીમ જ્યારે રીક્ષાની સાથે પીપળી ગામ પહોંચી ત્યારે રીક્ષા જોતા જ ગાય અને ખુંટીયા રીતસરના દોડ્યા અને રોટલા રોટલી જેવું અનાજ ખાવા લાગ્યા. બસ આ કામ છેલ્લા બે વર્ષથી ચાલી રહ્યું છે. મોરબીના મહેન્દ્રનગર ગામના રણછોડભાઈ ઓડિયા નિવૃત શિક્ષક એવા રણછોડભાઈ બે વર્ષથી દરરોજ સવારે પોતે રીક્ષા લઈને સોસાયટીઓમાં ફરે છે અને અન્ન ભેગું કરીને આ અબોલ જીવોને પહોંચાડે છે.
પરિવાર પાસે મંજૂરી માગી શરૂ કર્યુ આ કામ
રણછોડભાઈ નિવૃત થયા બાદ અબોલ જીવ માટે કઈક કરવાનો વિચાર તેમને આવ્યો હતો, બસ પછી તો પરિવાર પાસે પહેલા મંજુરી માગી કારણકે એક શિક્ષકે ભિક્ષુક બનવા જેવી વાત હતી, ભલે અબોલ જીવ માટે પણ ભિક્ષુકની જેમ ઘરે ઘરે ફરીને પશુઓ માટે અન્ન એકત્ર કરવાનું કામ હતું અને સમાજ શું વિચારશે એ સૌથી મોટો પ્રશ્ન હતો. પરંતુ રણછોડભાઈને પરિવારનો સાથ મળ્યો અને તેથી એક રીક્ષા ખરીદી લીધી બાદમાં સામાકાંઠા વિસ્તારની 8 જેટલી સોસાયટીમાં જુદી જુદી જગ્યાઓ પર ડોલ મૂકીને અન્ન એકત્ર કરવાની શરૂઆત કરી. સવારમાં રણછોડભાઈ રીક્ષા લઈને નીકળે અબોલ જીવ માટે ભિક્ષુક બનીને આ સોસાયટીઓમાં ફરીને ડોલમાં એકત્ર થયેલ રોટલા અને રોટલી ભેગા કરે બાદમાં ઢોરને બેસવાની જગ્યાઓ પર જાય અને તેમને જમાડે.
રણછોડભાઈને આ કામ માટે એક સાથી પણ મળ્યા
જેમ સફર શરુ કરો અને લોકો તેમાં જોડાતા જાય એમ રણછોડભાઈની આ સેવાકીય સફરમાં તેમને સાથ પણ મળતો ગયો, મોરબીના ઘનશ્યામભાઈ માલાસણાએ પણ શ્રમ દાન કરવાનું શરુ કર્યું, તેઓ પણ રણછોડભાઈ સાથે રીક્ષામાં નીકળે અને સોસાયટીઓમાં ફરીને અન્ન એકત્ર કરવાના કામમાં જોડાયા, તેથી રણછોડભાઈને સાથી મળ્યા અને ઘનશ્યામભાઈને પુણ્યનું ભાથું બાંધવાની તક, આ સેવાયજ્ઞ સતત ચાલી રહ્યો છે, હવે તો લોકો પણ રણછોડભાઈ માટે ખાસ રોટલા રોટલી બનાવીને ડોલમાં તૈયાર રાખે છે અને આ રીતે અનેક અબોલ જીવને પ્લાસ્ટિક ના બદલે સારો ખોરાક મળી રહ્યો છે.
Source link