GUJARAT

Jamnagar સહિત અન્ય જિલ્લામાંથી ATMમાંથી 50થી વધુ ચોરી કરનાર આંતરરાજ્ય ગેંગ ઝડપાઈ

ગુજરાત, રાજસ્થાન, કર્ણાટક, મધ્યપ્રદેશ સહિત રાજ્યમાં અલગ અલગ જિલ્લામાં એટીએમમાં છેડછાડ કરીને 50થી વધુ ચોરીને અંજામ આપનાર ગેંગને જામનગર એલસીબી દ્વારા પકડવામાં આવી છે.

LCBએ પકડી પાડી શખ્સો સામે કેસ નોંધ્યો

ઉલ્લેખનીય છે કે જામનગરના સેકશન રોડ અને ખોડીયાર કોલોની વિસ્તારમાં આવેલા એટીએમમાં છેડછાડ કરીને ખાતામાંથી રોકડ રકમને તફડાવી લેવાની ફરિયાદો દાખલ થઈ હતી, ત્યારબાદ એલસીબીની ટુકડીએ સીસીટીવી ફુટેજના આધારે તપાસ કરીને આંતરરાજ્ય ગેંગને પકડી પાડી છે. આ શખ્સો સામે ગેંગ કેસ હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે.

છેલ્લા થોડા સમયથી એટીએમ મશીનમાં છેડછાડ કરીને રૂપિયા કાઢી લેતા હોવાના બનાવો સામે આવતા એસપી પ્રેમસુખ ડેલુ, ઈન્ચાર્જ એસપી વી.કે. પંડયાના માર્ગદર્શન હેઠળ, એલસીબી પીઆઇ અને સ્ટાફ દ્વારા આ દિશામાં સધન કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જે દરમિયાન એલસીબીને બાતમી મળેલી કે એટીએમના કેસ ડીસ્પેન્શરમાં છેડછાડ કરીને રૂપિયા ચોરી કરી ગેંગના ત્રણ ઈસમો સંગઠીત ટોળકી બનાવીને સેલ્ટોસ કાર નં. જીજે18બીએમ-6869 લઈને શહેરના પંચવટી કોલેજના ખુણા પાસે ગોલ્ડન ક્રાઉન હોટલ પાસેના રોડ પર આવેલા છે અને અહીં એટીએમમાંથી પૈસા કાઢવાની તૈયારી કરવા આંટાફેરા કરે છે.

ગુજરાત, રાજસ્થાન, કર્ણાટકમાંથી નાણા ચોરી કર્યા

જેથી આ બાતમીના આધારે ત્યાં દોડી જઈ રાજસ્થાન બીકાનેરના ડુંગરગઢ તાલુકાના કલ્યાણસર ગામના પુનમખાન ડયાલખાન માલીયા, કલ્યાણસરના રામપ્રકાશ રામકરણ ગોદારા, રાજસ્થાનના બાડસર ગામના ગૌરીશંકર ગીરધરલાલ સુથારને પકડી લીધા હતા. તપાસમાં ધાનેરુ ગામના હરમનરામ નથુરામ ભાકરની સંડોવણી ખુલી હતી, જેની તપાસ જામનગર એલસીબી દ્વારા ચાલુ છે. પોલીસ તપાસમાં એલસીબીએ 47,500ની રોકડ, સેલ્ટોસ કાર, ડીસમીસ, સેલોટેપ, કટર, ફેવિક્વિક, પીવીસી પટ્ટીઓ, એટીએમ કાર્ડ, 3 મોબાઇલ સહિતનો મુદામાલ કબ્જે કર્યો હતો.

આરોપીઓ દ્વારા અલગ અલગ જિલ્લાના 50થી વધુ એટીએમ મશીનમાં છેડછાડ કરીને આશરે સાડા ચાર લાખથી વધુની રકમ ચોરી કર્યાનું તપાસમાં ખુલ્યુ છે. આરોપી ગૌરીશંકર બારડોલી અને નવસારીમાં બે ગુનામાં સંડોવાયેલો છે અને એ ગુન્હામાં જેલવાસ ભોગવી ફરી આવા ગુન્હાને અંજામ આપતા પોલીસના સકંજામાં આવી ગયો છે.

ભેજાબાજ ટોળકીની ચોરી કરવાની મોડ્સ ઓપરેન્ડી

આ ટોળકી ભેગા મળી કોઈ એટીએમને ટાર્ગેટ કરે પછી એટીએમના કેસ ડીસ્પેન્સર પર તેના માપની અને તેને મળતી કલરની પ્લાસ્ટીકની પટ્ટી ફેવિકિ્વક વડે ચોંટાડી દેતા અને કોઈ એટીએમ ધારક ATMમાં રૂપિયા ઉપાડવા કાર્ડ નાખતા અને રૂપિયા કેશ ડીસ્પેન્શરમાંથી બહાર ન નીકળતા, કંટાળીને ATM ધારક એટીએમમાંથી બહાર નીકળી જાય પછી આરોપીઓ એટીએમમાં જઈને પોતે લગાવેલી પ્લાસ્ટીકની પટ્ટી ઉખેડી કેશ ડીસ્પેન્શરમાંથી રૂપિયા લઈને ચોરી કરી જતા હતા. આ ગેંગના ત્રણેય આરોપીઓ પ્લેન મારફતે અન્ય રાજ્યમાં ATMમાં ચોરી કરવા જતા હતા.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button