અમદાવાદ સિવિલની કિડની હોસ્પિટલમાં મોટા ભાગના લીવર ટ્રાન્સપ્લાન્ટ ફેલ થયા છે, કારણ કે સિવિલની આઈકેડીઆરસીમાં એટલે કે કિડની હોસ્પિટલમાં વર્ષ 2015થી 2019 એમ નવ વર્ષમાં 469 લીવર ટ્રાન્સપ્લાન્ટ થયા છે, જે પૈકી હોસ્પિટલમાં જ 37 ટકા એટલે કે 173 દર્દીનાં મોત થયાં છે. કુલ કેટલા મોત થયા છે તે વિશે સરકારી રિપોર્ટમાં ફોડ પાડવામાં આવ્યો નથી.
બીજી તરફ આ જ અરસામાં 2,634 કિડની ટ્રાન્સપ્લાન્ટ થયા છે, જે પૈકી 5 ટકા એટલે કે 134 દર્દીનાં હોસ્પિટલ બિછાને જ મોત થયા છે. ટ્રાન્સપ્લાન્ટ પછી અંગોના અસ્વીકારના કારણે ટૂંકા ગાળામાં જ દર્દીના ધડાધડ મોત થયાનું હોસ્પિટલ તંત્ર કહે છે, જોકે હોસ્પિટલે ટ્રાન્સપ્લાન્ટ પછી મોતના કારણ શોધવા માટે એક સમિતિની રચના કરવાની ખાતરી આપી છે.
ગુજરાતમાં વધુમાં વધુ અંગદાન થાય અને લોકોને નવજીવન મળે તે સારી બાબત છે, જોકે લીવર ટ્રાન્સપ્લાન્ટ બાદ વધુ પડતાં મોત એ ચિંતા જન્માવી છે. લીવર ટ્રાન્સપ્લાન્ટ બાદ મોતના સાચા કારણો સામે આવે અને લોકોના જીવ બચે તે દિશામાં તંત્રે પગલાં ભરવા જરૂરી છે. લીવર ડોનેટ કરનારાના મોતના કિસ્સા પણ સામે આવ્યા છે. સરકારી રિપોર્ટમાં ઉલ્લેખ કરાયો છે કે, 2019માં કિડની માટે વેઈટિંગ લિસ્ટ 86 હતું જે 2023માં 956 પહોંચ્યું હતું જ્યારે કેડેવર લીવર માટે 2019માં વેઈટિંગ લિસ્ટ 35 હતું જે 2023માં વધીને 49 થયું હતું. એકંદરે અંગોની જરૂરિયાત વધી છે. આ સંજોગોમાં અંગોની ફાળવણી અને ટ્રાન્સપ્લાન્ટની પારદર્શક પદ્ધતિની જરૂર છે. અગાઉ વેઈટિંગ લિસ્ટની ઐસીતૈસી કરીને બારોબાર અંગો અપાયાના ગંભીર પ્રકારના આક્ષેપો થયા હતા.
સારવારના ઊંચા ખર્ચના કારણે રોબોટિક મશીનનો ઉપયોગ ઓછો
કિડની હોસ્પિટલમાં વર્ષ 2013માં 9.19 કરોડના ખર્ચે રોબોટિક મશીન ખરીદાયું હતું. વર્ષ 2023 સુધી 631 કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યા હતા, જેમાં દર્દીઓ તરફથી હોસ્પિટલને 16.38 કરોડ મળ્યા હતા. જાન્યુઆરી 2023માં મશીનની લાઈફ પૂરી થઈ હતી. સારવારના ઊંચા ખર્ચ અને સિંગલ સ્પેશ્યાલિસ્ટ દ્વારા મશીનના ઉપયોગના કારણે મશીનનો ઉપયોગ ઓછો થયો છે. વધુ આઉટ પુટ મળે તે રીતે મશીનરી ખરીદવાની પણ હોસ્પિટલને ભલામણ કરવામાં આવી છે.
ટ્રાન્સપ્લાન્ટ પછી ફોલોઅપ માટે નહિ આવનારાની સ્થિતિ માટે કોઈ સિસ્ટમ જ નથી
સિવિલ કેમ્પસની કિડની ઈન્સ્ટિટયૂટમાં ધુપ્પલ ચાલી રહી છે, ટ્રાન્સપ્લાન્ટ થાય એ પછી ફોલોઅપ માટે નહિ આવનારા દર્દીઓની સ્થિતિ જાણવા માટે કોઈ જાતની સિસ્ટમ જ નથી. અંગ ફાળવણી માટે મજબૂત સિસ્ટમની જરૂર છે, સિવિલમાં કિડની ટ્રાન્સપ્લાન્ટ વેઈટિંગ લિસ્ટમાં દર્દીઓને પ્રાથમિકતા આપવા માટે ઉપયોગમાં લેવાતી પોઈન્ટ સિસ્ટમ કેન્દ્ર સરકાર દ્વારા અપનાવવામાં આવેલી સિસ્ટમ સાથે સુસંગત નથી. નેગેટિવ પોઈન્ટના સ્કોરથી પાત્ર દર્દીઓને સમયસર કેડેવર કિડની મેળવવામાં અવરોધ ઊભો થાય છે. અલબત્ત, સપ્ટેમ્બર 2023માં નકારાત્મક મુદ્દાઓ દૂર કરવા ઠરાવ કરાયો હતો.
Source link