- જિયો ફાયનાન્સિયલ સર્વિસિસના શેરોમાં મોટો ઉછાળો જોવા મળ્યો
- કંપનીનું માર્કેટ કેપ વધીને રૂપિયા 2.19 લાખ કરોડે પહોંચ્યું
- છેલ્લા એક વર્ષમાં શેરની કિંમત લગભગ 40 ટકા વધી
અઠવાડિયાના પ્રથમ દિવસે જ શેરબજારમાં જોરદાર કારોબાર જોવા મળ્યો હતો. બોમ્બે સ્ટોક એક્સચેન્જના સેન્સેક્સ અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી તમામ રેકોર્ડ તોડીને નવી સર્વકાલીન ઉચ્ચતમ સપાટીએ પહોંચ્યો હતો.
જ્યારે બજારમાં છેલ્લા અડધા કલાકના બિઝનેસ દરમિયાન મુકેશ અંબાણીની કંપની જિયો ફાયનાન્સિયલ સર્વિસિસના શેરોમાં મોટો ઉછાળો જોવા મળ્યો હતો અને 9 ટકા સુધી શેરના ભાવ ઉછળ્યા હતા. તમને જણાવી દઈએ કે ગયા અઠવાડિયે રિલાયન્સની 47મી એજીએમમાં કંપનીના ચેરમેને કંપનીના ખૂબ જ વખાણ કર્યા હતા.
છેલ્લી 30 મિનિટમાં માર્કેટમાં તેજી જોવા મળી હતી
સોમવારે શેરબજારમાં ટ્રેડિંગ દરમિયાન જિયો ફાયનાન્સિયલ સર્વિસીસના શેરની શરૂઆત સામાન્ય વધારા સાથે થઈ હતી. 323 રૂપિયાના સ્તરે સવારે ખૂલ્યો હતો અને બપોરે 2.50 વાગ્યા સુધી સામાન્ય વધારા સાથે ટ્રેડ થઈ રહ્યો હતો, પરંતુ શેરબજારમાં ટ્રેડિંગની છેલ્લી 30 મિનિટમાં તે રોકેટની સ્પીડે દોડવા લાગ્યો હતો અને 9 ટકાના ઉછાળા સાથે રૂપિયા 349.35 પર પહોંચી ગયો છે. બજાર બંધ થયા બાદ શેર કૂલ 8.18 ટકાના વધારા સાથે 348 રૂપિયા પર બંધ થયો હતો. શેરમાં વધારાને કારણે કંપનીનું માર્કેટ કેપ (JioFin MCap) પણ વધીને રૂપિયા 2.19 લાખ કરોડે પહોંચ્યું છે.
કુલ 66.09 લાખ ઈક્વિટી ટ્રાન્ઝેક્શન્સ થયા
જો આપણે સપ્તાહના પ્રથમ દિવસના માર્કેટ ડેટા પર નજર કરીએ તો Jio Financial Servicesમાં કુલ 66.09 લાખ ઈક્વિટી ટ્રાન્ઝેક્શન્સ થયા હતા અને કુલ ટર્નઓવર લગભગ રૂપિયા 222 કરોડ હતું. આ આંકડો છેલ્લા 2 સપ્તાહમાં સરેરાશ 19.40 લાખ શેરના ટર્નઓવર કરતા વધારે હતો.
રિલાયન્સની એજીએમ બાદ અચાનક મોટો વધારો
મુકેશ અંબાણીની આ કંપનીના શેરમાં રોકાણકારોને મળેલા વળતર પર નજર કરવામાં આવે તો છેલ્લા 1 વર્ષમાં તેની કિંમત લગભગ 40 ટકા વધી છે. ગયા વર્ષે, કંપનીના શેર BSE પર રૂપિયા 265ના ભાવે શેરબજારમાં લિસ્ટ થયા હતા, જ્યારે NSE પર રૂપિયા 262ના ભાવે લિસ્ટ થયા હતા. ગયા અઠવાડિયે, રિલાયન્સ એજીએમમાં, ચેરમેન મુકેશ અંબાણીએ Jio ફાયનાન્શિયલ સર્વિસિસના વખાણ કરતાં કહ્યું હતું કે JioFinનો બિઝનેસ સાચા ટ્રેક પર ઝડપથી આગળ વધી રહ્યો છે અને તેનું માર્કેટ કેપિટલાઈઝેશન રૂપિયા 2 લાખ કરોડને પાર કરી ગયું છે.
Source link