GUJARAT

Rajkot: ચીઝમાં તલનાં તેલની ભેળસેળ જોવા મળતાં નગરપાલિકા કાર્યવાહી કરશે

થોડા સમય અગાઉ બીગ બઝાર નજીક આવેલા નેપલ્સ ફૂડમાંથી ચીઝનાં નમુના લઈને રાજકોટ મનપા દ્વારા લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા. જેનો રિપોર્ટ આવી જતા ચીઝમાં તલનાં તેલની ભેળસેળ મળી આવી છે. નેપલ્સ ફૂડનાં ચીઝનાં નમુના ફેઈલ થતા તેની સામે એજ્યુડિકેશન મુજબની કાર્યવાહી કરવામાં આવનાર છે. તેમજ ચેકિંગ દરમિયાન શહેરના જંગલેશ્ર્વર વિસ્તારમાં આવેલા બેકરીમાંથી 55 કિલો વાસી પફનો મસાલો મળી આવતા તેનો નાશ કરવામાં આવ્યો હતો.

નેપલ્સ ફૂડઝમાંથી લુઝ ચીઝનો નમુનો લેવામાં આવ્યો મનપાનાં ફૂડ વિભાગના જણાવ્યા મુજબ 150 ફુટ રોડ પર પૃથ્વી એસ્ટેટના બ્લોક નં. 11માં આવેલા નેપલ્સ ફૂડઝમાંથી લુઝ ચીઝનો નમુનો લેવામાં આવ્યો હતો. લેબોરેટરી તપાસ બાદ પૃથ્થકરણ રિપોર્ટમાં ફોરેન ફેટની હાજરી વધુ આવતા તેમજ તલના ઓઇલની હાજરી મળી આવતા નમૂનો ‘સબસ્ટાન્ડર્ડ‘ (ફેઇલ) જાહેર થયો છે. જે અંગે એજ્યુડિકેશન કાર્યવાહી કરવામાં આવનાર હોવાનું આરોગ્ય અધિકારી ડૉ. જયેશ વાકાણીએ જણાવ્યું હતું.

55 કિલો માલનો સ્થળ પર નાશ કરાયો

આ ઉપરાંત જંગલેશ્વર મેઇન રોડ પર આવેલા ‘નજરાના બેકરી’ પેઢીમાં તપાસ કરતા સંગ્રહ કરેલ પફ બનાવવા માટેનો બટેટાનો માવો વાસી-અખાદ્ય માલૂમ પડતા તેનો અંદાજિત 55 કિલો માલનો સ્થળ પર નાશ કરી દેવાયો હતો. સાથે જ પેઢીને યોગ્ય સ્ટોરેજ કરવા, હાઈજેનિક કન્ડિશન જાળવવા તથા ફૂડ રજીસ્ટ્રેશનને બદલે લાઇસન્સ મેળવવા બાબતે નોટિસ આપવામાં આવી હતી. તેમજ ફૂડ વિભાગની ટીમ તથા સેફટી વાને શાસ્ત્રી મેદાન સામે હોકર્સ ઝોન વિસ્તારમાં આવેલ ખાદ્યચીજોનું વેચાણ કરતાં કુલ 20 ધંધાર્થિઓને ત્યાં 18 નમુનાની સ્થળ ચકાસણી કરી હતી. જેમાં પણ 13 વેપારીઓને લાઇસન્સ બાબતે સૂચના અપાઇ હતી.

પનીર, પેંડા, થાબડીના નમુના લેવાયા રાજકોટ મનપાની ફૂડ શાખા દ્વારા આજે જુદા જુદા વિસ્તારમાંથી મીઠાઇ અને પનીરના નમુના લેવામાં આવ્યા હતા. પંચવટી મેઇન રોડ, લક્ષ્મીનગર ચોકમાં આવેલ સમૃધ્ધ ડેરી અને મવડી સોરઠીયા પરિવારની વાડી પાસે આવેલ રાધેકૃષ્ણ ડેરીમાંથી લુઝ પનીરનું સેમ્પલ લેવાયું હતું. તો 150 ફુટ રોડ, બાલાજી હોલ પાસેના શ્યામ ડેરીમાંથી થાબડી, મવડી, મંગલમ પાર્ક મેઇન રોડના જીજીએમ સ્વીટસમાંથી કેસર પેંડા અને મવડી નંદનવન-2માં આવેલ ગોકુલ ડેરીમાંથી કોપરા બરફીના લાડુના નમુના લઇ લેબોરેટરીમાં મોકલાયા છે. જેનો રિપોર્ટ આવ્યા બાદ કાર્યવાહી કરવામાં આવશે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button