Narendra Modi Biopic : PM મોદી પર બનશે વધુ એક બાયોપિક, આ સ્ટાર એક્ટર લીડ રોલમાં જોવા મળશે–

દેશભરમાં આજે વડાપ્રધાન મોદીના 75મા જન્મદિવસની ઉજવણી થઈ રહી છે. ત્યારે આ સ્થિતિ વચ્ચે આજે પીએમ નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે સિલ્વર કાસ્ટ ક્રિએશન્સે પીએમ નરેન્દ્ર મોદીના 75મા જન્મદિવસ નિમિત્તે એક પ્રોજેક્ટની જાહેરાત કરી છે. જેમાં જણાવાયું છે કે પીએમ નરેન્દ્ર મોદીના જીવન પર એક ફિલ્મ બનશે અને તેમાં માર્કો ફેમ ઉન્ની પીએમના કેરેક્ટરમાં જોવા મળશે. આ ફિલ્મનું નામ ‘ માં વંદે ‘ હશે.
બાળપળથી માંડી રાષ્ટ્રના નેતા બનવા સુધીની સફર બતાવાશે
આ ફિલ્મ પીએમ નરેન્દ્ર મોદીની બાયોપિક છે જે તેમની અદ્ભુત સફર દર્શાવવા માટે બનાવવામાં આવી રહી છે. સત્ય ઘટનાઓ પર આધારિત આ ફિલ્મ તેમના બાળપણથી લઈને રાષ્ટ્રના નેતા બનવા સુધીની તેમની પ્રેરણાદાયી સફરને દર્શાવશે. તે તેમની માતા શ્રીમતી હીરાબેન મોદી સાથેના તેમના ઊંડા સંબંધને પણ પ્રકાશિત કરશે. જે તેમની સમગ્ર સફર દરમિયાન પ્રેરણાસ્ત્રોત રહ્યા છે.
બાહુબલીનો કેમેરામેન શૂટિંગ કરશે
નિર્માતાઓ આ પીએમ નરેન્દ્ર મોદી બાયોપિકને મોટા પાયે બનાવી રહ્યા છે, જેમાં આંતરરાષ્ટ્રીય ધોરણો, નવીનતમ VFX અને દેશના કેટલાક શ્રેષ્ઠ ટેકનિશિયનોની વિશેષ સેવાઓનો ઉપયોગ કરવામાં આવશે. સમગ્ર ભારતમાં રિલીઝ સાથે આ ફિલ્મ અંગ્રેજીમાં પણ બનાવવામાં આવશે. ટીમ આ પ્રેરણાદાયી બાયોપિક સાથે દર્શકોને એક યાદગાર સિનેમેટિક અનુભવ આપવાની યોજના ધરાવે છે. બાહુબલી, ઈગા અને અન્ય ઘણી બ્લોકબસ્ટર ફિલ્મો માટે જાણીતા લેન્સમેન કેકે સેન્થિલ કુમાર ફિલ્મને શૂટ કરશે. ક્રાંતિ કુમાર સીએચ આ પ્રોજેક્ટનું ડિરેક્શન કરશે.
અગાઉ પીએમ મોદીની બાયોપિકમાં વિવેક ભૂમિકા ભજવી હતી
ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ વડા પ્રધાન મોદી પર એક બાયોપિક બની ચૂકી છે જેમાં અભિનેતા વિવેક ઓબેરોય મુખ્ય ભૂમિકામાં દેખાયો હતો. આ ફિલ્મની જાહેરાતથી સોશિયલ મીડિયા પર અત્યારથી જ ચર્ચા શરૂ થઈ ગઈ છે. અને ફિલ્મનું પોસ્ટર પણ વાયરલ થવા લાગ્યું છે.