છોટા ઉદેપુરના સરહદી વિસ્તારના ચિસાડીયા પ્રાથમિક શાળાના શિક્ષકોની ગંભીર બેદરકારી સામે આવી છે, ચિસાડીયા શાળાના બાળકોને લેખિત મંજૂરી લીધા વગર વન ભોજન માટે ગુજરાત બહાર મધ્યપ્રદેશના કઠીવાડા ગામે વન ભોજન માટે લઈ જવામાં આવ્યા છે.
બાળકોને લેખિત મંજૂરી વગર વન ભોજન માટે લઈ જવામાં આવ્યા
લેખિત મંજૂરી વગર લઈ જવામાં આવતા રસ્તામાં કોઈ અગટીત ઘટના બને તો જવાબદાર કોણ? એ પણ એક સવાલ ઉભો થાય છે. ચિસાડીયા પ્રાથમિક શાળામાં 1થી 8 ધોરણ આવેલા છે, તમામ શાળાના બાળકોને લેખિત મંજૂરી વગર વન ભોજન માટે લઈ જવામાં આવતા ચિસાડીયા પ્રાથમિક શાળાના શિક્ષકોની ગંભીર બેદરકારી સામે આવી છે.
આ બાબતે છોટા ઉદેપુરના તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે ચિસાડીયા પ્રાથમિક શાળાના તમામ બાળકો અને સ્ટાફ સાથે વન ભોજનમાં ગયેલા છે, અમને મૌખિક જાણ કરેલી કે કઠીવાડા ગયેલા છે. જો કે આ માટે લેખિતમાં મંજૂરી લેવાની હોય છે પણ લેખિતમાં મંજૂરી મેળવી નથી અને ઉપરવટ જઈને બાળકોને ટેમ્પોમાં બેસાડીને કઠીવાડા લઈ ગયાનું જણાવ્યું હતું. હવે તેઓને અમે નોટિસ આપીશું અને ખુલાસો માગીશું.
શાળામાં 8 જેટલા શિક્ષકો ફરજ બજાવે છે
મહત્વની વાત એ છે કે ગુજરાતના સરહદી વિસ્તારના ચિસાડીયા પ્રાથમિક શાળામાં લગભગ 121 બાળકોની રજીસ્ટર સંખ્યા છે અને 8 જેટલા શિક્ષકો ફરજ બજાવે છે, તમામ શિક્ષકો અને હાજર બાળકોને વન ભોજન માટે લઈ જવાયા હતા, જ્યારે તાલુકા શિક્ષણાધિકારીને બાળકો અને શિક્ષકોની સંખ્યા બાબતે પૂછતા તેઓને ખબર ન હોવાનું જણાવાયું હતું.
અઘટિત ઘટના ઘટે તો જવાબદાર કોણ?
સરહદી વિસ્તારના આટલી મોટી સંખ્યામાં આદિવાસી બાળકોને રાજ્ય બહાર પ્રવાસ લઈ જવા માટે સરકાર દ્વારા નીતિ નિયમો બનાવ્યા છે. તેમ છતાં શાળાના શિક્ષકો દ્વારા શિક્ષણ વિભાગના કોઈ પણ અધિકારીને લેખિતમાં જાણ કરતા વિના જ લઈ જવાયા હતા, ત્યારે કોઈ અઘટિત ઘટના ઘટે તો જવાબદાર કોણ? તે એક મોટો સવાલ થાય છે.
Source link