BUSINESS

STTમાં વધારો છતાં F&Oમાં રિટેલ હિસ્સેદારીમાં કોઈ ઘટાડો નહીં

ડેરિવેટિવ્સ માર્કેટમાં રિટેલ રોકાણકારોનો ઉત્સાહ ઓછો થાય તે માટે બજેટમાં સરકાર દ્વારા સિક્યોરિટીઝ ટ્રાન્ઝેક્શન ટેક્સ (એસટીટી)માં વધારો કરવામાં આવ્યો હતો. જે નિયમનો અમલ પહેલી ઓક્ટોબરથી શરૂ થયો હતો.

પણ છેલ્લા બે સપ્તાહના ટ્રેડિંગ વોલ્યૂમ્સના આંકાડા પરથી હવે એવું જણાઈ રહ્યું છે કે, આ નિર્ણયની કોઈ ખાસ અસર થઈ રહી નથી. ઉલ્ટાનું છેલ્લા ત્રણ મહિનાના દૈનિક સરેરાશ વોલ્યૂમ્સ ઓક્ટોબર મહિનામાં રૂ.511 લાખ કરોડથી વધીને રૂ.562 લાખ કરોડ થઈ ગયા છે. એટલું જ નહીં માસિક ધોરણે આ પ્રમાણ સપ્ટેમ્બરના રૂ.537 લાખ કરોડથી વધુ છે. નેશનલ સ્ટોક એક્સચેન્જ અને બીએસઈ બંનેના આંકડા દૈનિક સરેરાશ વોલ્યૂમ્સમાં સામેલ કરવામાં આવ્યા છે. નિષ્ણાતોને હવે એવું લાગી રહ્યું છે કે, રોકાણકારોને એફ એન્ડ ઓથી દૂર રાખવા માટે માત્ર એસટીટીમાં વધારો કરવામાં આવે તે પૂરતું નથી. ડેરિવેટિવ્સ બજારના ફાયદા વધેલી પડતરથી વધુ છે. એસટીટીમાં વધારો થવાથી ડેરિવેટિવ્સ બજારથી લોકોનો મોહભંગ થયો નથી, તે સ્પષ્ટપણે જણાઈ રહ્યું છે. પણ જો હજુ વધારાના નિયંત્રણો લાગુ કરવામાં આવે તો આ મામલે પરિવર્તન આવી શકે છે. સામાન્ય રીતે એફ એન્ડ ઓ ટ્રેડર્સ ઓપ્શન્સમાં ટ્રેડ કરતાં જોવા મળે છે. કેમ કે, તે સ્ટોકની તુલનામાં સારો લાભ અને વોલેટિલિટી પ્રદાન કરે છે.

સામાન્ય બજેટમાં સરકારે ઓપ્શન્સ ટ્રેડિંગ માટે એસટીટીને 0.0625 ટકાથી વધારી 0.1 ટકા કર્યું હતું. જ્યારે ફ્યુચર્સ માટે એસટીટીને 0.0125 ટકાથી વધારી 0.02 ટકા કરવામાં આવ્યું હતું. જેનો અમલ પહેલી ઓક્ટોબરથી થયો હતો. બ્રોકરેજ હાઉસિસ દ્વારા લેવડદેવડ ચાર્જમાં બદલાવ સાથે આ પગલાથી એનએસઈ ખાતે વેચાણ પક્ષે પ્રીમિયમમાં કરોડ દીઠ રૂ.2,303નો અને ઓપ્શન્સ માટે બીએસઈમાં કરોડ દીઠ રૂ.2,050નો વધારો થયો છે. આ જ પ્રમાણે વેચાણ પર ફ્યુચર્સ કારોબારમાં કરોડ દીઠ રૂ.735નો નેટ વધારો થયો છે. અલબત્ત ટ્રેડર્સે અત્યાર સુધી એસટીટી વૃદ્ધિની અવગણના કરી છે. પણ વિશ્લેષકોએ ચેતવણી આપી છે કે, સેબીના આગામી આકરાં એફ એન્ડ ઓ નિયમ ટ્રેડિંગ વોલ્યૂમ પર વધુ મહત્વપૂર્ણ પ્રભાવ પાડી શકશે, જેનો અમલ 20મી નવેમ્બરથી થનાર છે. જેમાં કોન્ટ્રાક્ટ સાઈઝમાં વધારો, સાપ્તાહિક સમાપ્તિ શરતોને તર્કસંગત બનાવવા અને શોર્ટ ઓપ્શન કોન્ટ્રાક્ટ પર લોસ માર્જિનમાં બે ટકાનો વધારો સામેલ છે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button