નિવૃત્ત સીજેઆઇ જસ્ટિસ ડી. વાય. ચંદ્રચૂડે જણાવ્યું છે કે જજો પર માત્ર રાજકીય દબાણ જ નથી હોતું. તેમના પર પ્રાઇવેટ ઇન્ટરેસ્ટ ગ્રૂપ્સનું પણ દબાણ હોય છે. આ પ્રાઇવેટ ઇન્ટરેસ્ટ ગ્રૂપ્સ ન્યૂઝ, ટીવી અને સોશિયલ મીડિયાની મદદથી માહોલ બનાવે છે. તેઓ એવો પ્રચાર કરે છે કે જેના કારણે જજ ઉપર ખાસ પ્રકારનો ચુકાદો આપવા દબાણ સર્જાય.
ત્યાં સુધી કે આ પ્રકારનું દબાણ લાવવા ટ્રોલિંગ પણ કરાય છે. સોશિયલ મીડિયાના માધ્યમથી હુમલા કરાય છે. નિવૃત્ત સીજેઆઇએ એમ પણ કહ્યું કે ન્યાય વ્યવસ્થાની આઝાદીને માપવાનો માત્ર એ માપદંડ ન હોવો જોઇએ કે સરકાર વિરુદ્ધ કેટલા ચુકાદા અપાયા? તેઓ એક અંગ્રેજી અખબારના કાર્યક્રમમાં બોલી રહ્યા હતા. તેમણે પોતે આપેલા ચુકાદા અંગે પણ વાત કરતા જણાવ્યું કે મને લાગે છે કે મેં એક સંતુલન જાળવવાનો પ્રયાસ કર્યો છે. મેં હંમેશા કોઇ ખાસ વિચારથી પ્રભાવિત થઇને નહીં પણ મારી ન્યાયિક સમજ આધારે જ ચુકાદા આપ્યા છે.
તેમણે એમ પણ કહ્યું હતું કે સીજેઆઇ તેમજ તમામ હાઇકોર્ટ્સના ચીફ જસ્ટિસે વહીવટી પક્ષમાં સરકાર સાથે કામ કરવાની જરૂર છે. તેમણે જ્યુડિશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સરકારી ફંડ્સ અંગે પોતે કરેલા સુધારાને પણ યાદ કર્યા હતા તથા સુપ્રીમ કોર્ટ કોલેજિયમ અને સરકાર વચ્ચેના મતભેદોનો પણ ઉલ્લેખ કર્યો હતો, જે ચર્ચામાં રહ્યા હતા. નિવૃત્ત સીજેઆઇ ચંદ્રચૂડે એમ પણ કહ્યું કે તમામ મતભેદો ઉકેલાઇ પણ ન શકે. તેનું સૌથી સારું ઉદાહરણ એ છે કે સરકાર હજુ પણ લૉયર સૌરભ કિરપાલને હાઇકોર્ટ જજ બનાવવા રાજી નથી. કોઇ જજની સેક્સ્યુઅલિટી કે તેમનો પાર્ટનર વિદેશી નાગરિક હોય તેની એ જજના ચુકાદા પર અસર ન થાય.
Source link