રાજ્યની સ્કૂલો માટે ઈ-કેવાયસી બાદ હવે અપાર આઈડી બન્યું છે માથાનો દુખાવો. કેન્દ્ર સરકારની સુચના અનુસાર ગુજરાતના શિક્ષણ વિભાગ દ્વારા તમામ બાળકોનું ઓટોમેટેડ પરમેનેન્ટ એકેડેમિક એકાઉન્ટ રજિસ્ટ્રી (APAAR) ID બનાવવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.
અપાર આઈડી બનાવવા માટે વિદ્યાર્થીના ડાયસ ડેટાને આધારકાર્ડ સાથે લિંક કરવાનું થાય છે, પરંતુ આ પ્રક્રિયામાં છેલ્લા કેટલાક દિવસથી સ્કૂલોના શિક્ષકો, વિદ્યાર્થી અને વાલીઓ ભારે હાલાકી ભોગવી રહ્યા છે. કારણ કે, અનેક એવા વિદ્યાર્થીઓ છે કે, જેઓનું ડાયસમાં જે નામ છે એ મુજબનું આધાર કાર્ડમાં નથી. આ સંજોગોમાં મિસમેચ થવાના લીધે અપાર આઈડી ક્રિએટ થતું નથી. બીજી તરફ ઉચ્ચ અધિકારીઓ દ્વારા કામગીરી ઝડપથી પૂર્ણ કરવા શિક્ષકો પર સતત દબાણ વધારવામાં આવી રહ્યું હોવાની ફરિયાદો ઊઠી છે.
નવી શિક્ષણ નીતિ અંતર્ગત વન નેશન, વન સ્ટુડન્ટ IDની થીમ આધારિત વિદ્યાર્થીઓની શૈક્ષણિક પ્રગતિ અને સિદ્ધિઓને ટ્રેક કરવા માટે APAAR આઈડી બનાવવાનું નક્કી કરાયું હોવાનું જાણવા મળે છે. શિક્ષણ વિભાગ દ્વારા APAAR આઈડીમાં વિદ્યાર્થીઓના પરિણામો, શૈક્ષણિક રેકોર્ડ તથા સિદ્ધિઓ ડિજિટલ સ્વરૂપે સ્ટોર કરવામાં આવશે એવો હેતુ દર્શાવાયો છે. પરંતુ આ અપાર આઈડી ક્રિએટ કરવાની પ્રક્રિયામાં છેલ્લા ઘણા દિવસોથી ગુજરાતનું સમગ્ર શિક્ષણકાર્ય જ ખોરવાઈ ચુક્યો હોવાની વિગતો સામે આવી રહી છે. કારણ કે, રાજ્યના અનેક વિદ્યાર્થીઓ એવા છે કે, જેઓના આધારકાર્ડમાં નામ અને યુડાયસના નામ એક સમાન નથી. એક સમાન છે તો ક્યાંક નાની-મોટી સ્પેલિંગ ભુલ આવે છે. આવા સંજોગોમા આઈડી ક્રિએટ થતુ નથી. અત્યારે જે મુશ્કેલી સર્જાઈ રહી છે એમાં આધારકાર્ડમાં વિદ્યાર્થીનું પુરું નામ ન હોવાના કારણે મિસમેચ આવે છે.
Source link